ગુજરાતમાં પાંચ વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત!
3,700થી વધુ ગુના નોંધી 5,346 આરોપીઓને પકડ્યાં, ગુજરાતમાં ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
International Anti-Drug Day: 26 જૂનની આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસે નશાના કાળા કારોબાર સામે હાથ ધરેલી કાર્યવાહીનો વિગતવાર હિસાબ રજૂ કર્યો છે. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પોલીસે આક્રમક અભિયાન ચલાવીને કરોડો રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કર્યા છે અને હજારો આરોપીઓને કાયદાની જાળમાં લાવ્યા છે.
પાંચ વર્ષમાં 13,600 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત
રાજ્ય પોલીસના આંકડા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં 3,700થી વધુ નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ નોંધાયા છે. આ કેસોમાં કુલ 5,346 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. જ્યારે અંદાજે 1.36 લાખ કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. જેની બજાર કિંમત આશરે 13,600 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે.
ડ્રગ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ
રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે જણાવ્યું કે, ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અમલી બનાવી છે. આ સમયગાળા દરમિયાન ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ 3,700 થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા 5,346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યાં છે. પોલીસે આશરે રૂપિયા 13,600 કરોડથી વધુની કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.
‘ડ્રગ રિવોર્ડ પોલિસી’થી પોલીસ અને બાતમીદારોને પ્રોત્સાહન
ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારીઓ અને ચોક્કસ માહિતી આપનારા બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પગલાંથી ડ્રગ્સ સામેની લડતમાં લોકોની ભાગીદારી પણ વધી છે.
બહાદુર પોલીસકર્મીઓ માટે આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન
ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાંડો ફોડવા દરમિયાન જોખમ ઉઠાવનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ માન્યતા આપવા માટે રાજ્ય સરકારે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ની નીતિ અમલમાં મૂકી છે. આ પહેલથી પોલીસ દળમાં ઉત્સાહ અને કાર્યક્ષમતા બંનેમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
AI આધારિત NARIT સોફ્ટવેર બન્યું શક્તિશાળી હથિયાર
ડિજિટલ યુગમાં ડ્રગ્સના ગુનાઓ સામે ટેક્નોલોજીનો ઉપયોગ પણ વધારવામાં આવ્યો છે. ગુજરાતે AI આધારિત ‘NARIT’ સોફ્ટવેર વિકસાવીને ગુનેગારોની પ્રોફાઈલિંગ, તેમના નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય જોડાણોની માહિતી એકત્ર કરવાની નવી વ્યવસ્થા ઉભી કરી છે.
આ સોફ્ટવેરની મદદથી પકડાયેલા ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ્સ, તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ, નાણાકીય વ્યવહારો અને ડાર્ક વેબના તારને સેકન્ડોમાં સ્કેન કરીને ઇન્ટેલિજન્સ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. તપાસમાં માત્ર સ્થાનિક પેડલર સુધી સીમિત ન રહેતાં ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ‘ટોપ ટૂ બોટમ એપ્રોચ’ અપનાવાયો છે.
ડ્રગ્સ વિરુદ્ધ વિશેષ એક્શન પ્લાન
ડ્રગ્સના વેપારને રોકવા માટે રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ સીધી કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માઇક્રો લેવલ એન્ટી નાર્કોટિક્સ સેલ ઉભા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
કેસોમાં વધારો, પોલીસની સતર્કતાનો પુરાવો
વર્ષ 2020માં રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત 315 કેસ નોંધાયા હતાં. જ્યારે 2026ના પ્રથમ પાંચ મહિનામાં 584 કેસ નોંધાયા છે. અધિકારીઓના દાવા મુજબ ડ્રગ્સના વ્યાપમાં વૃદ્ધિ નહીં પરંતુ પોલીસની વધેલી સતર્કતા, સર્વેલન્સ અને સક્રિય કાર્યવાહીના કારણે છે.
ડ્રગ-ફ્રી ગુજરાત તરફ મક્કમ પગલાં
ડ્રગ્સ સામેની કડક કાર્યવાહી, ટેક્નોલોજીનો ઉપયોગ અને સરકારની મક્કમ નીતિઓના કારણે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પણ એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસનો દાવો છે કે ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ-ફ્રી બનાવવા માટે અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?