અમદાવાદ: અમદાવાદની લેમડા ઇન્ટાસ કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા પંકજ પાંડેનો દીકરો પ્રતીક તેના એક મિત્ર સાથે ક્રિકેટ રમતો હતો. પ્રતીકને મોટા થઈને બુમરાહ જેવા ફાસ્ટ બોલર બનવું છે, એટલે એની પસંદ મુજબ તે બોલિંગ કરતો હતો. પ્રતીકના મિત્રએ દડાને ફટકારતા નજીક આવેલી લિફ્ટમાં દડો જતો રહ્યો. ૧૦ વર્ષનો પ્રતીક વધુ વિચાર્યા વિના ઉતાવળે એ દડો લેવા માટે લિફ્ટની જાળીમાં હાથ નાખે છે. ઉપરના માળેથી કોઈએ લિફ્ટને કોલ આપતાં અચાનક લિફ્ટ ઉપર ચાલવા લાગે છે. પ્રતીકે હાથમાં કડું પહેર્યું હતું એટલે પ્રતીકનો હાથ લિફ્ટની જાળીમાં ફસાઈ જાય છે. પ્રતીક લિફ્ટની સાથે ઉપર તરફ ખેંચાય છે, તે બૂમ પાડે છે એટલે તેના ફોઈ દોડીને પ્રતીકને પકડી લે છે. પરંતુ લિફ્ટના ફોર્સને કારણે પ્રતીકનો હાથ કાંડેથી કપાઈ જાય છે. થોડી જ સેકન્ડ્સના આ ઘટનાક્રમમાં પ્રતીક એનો હાથ ખોઈ બેસે છે.
પંકજભાઈ એ સમયસૂચકતા વાપરીને તેઓ કપાઈને લિફ્ટના ઉપરના ભાગે ફસાયેલા હાથને ઉતારી લે છે. પ્રતીક અને તેના કપાયેલા હાથને લઈને તેઓ અસારવા સ્થિત મેડિસિટી સિવિલ હોસ્પિટલમાં દોડી જાય છે. અહીં પ્રતીકના હાથને મેડિકલ નોર્મ્સ પ્રમાણે બરફ અને પ્લાસ્ટિકમાં પ્રિઝર્વ કરવામાં આવે છે. અહીંથી પ્રતીકને હેન્ડ એન્ડ માઈક્રો સર્જરીના એકમાત્ર નિષ્ણાત ડૉક્ટર કર્ણ મહેશ્વરીને ત્યાં ક્રીષા હોસ્પિટલમાં લાવવામાં આવે છે.
કપાઇને છૂટા પડી ગયેલા હાથને ફરીથી જોડવા એટલે કે રિપ્લાન્ટ કરવા માટે બે થી છ કલાકનો સમય આદર્શ હોય છે. પ્રતીકનો હાથ કપાયો તેને હજી માત્ર બે કલાક જ થયા હતા, એટલે તબીબોની ટીમ પાસે પૂરતો સમય હતો.
ડૉ. કર્ણ મહેશ્વરી અને તેમની ટીમ આ ઓપરેશનની પૂર્વતૈયારી પ્રતીક હોસ્પિટલમાં આવે તે પહેલા જ આટોપી લે છે. પ્રતીકને ક્રીષા હોસ્પિટલમાં લાવતાની સાથે જ તેનું ઓપરેશન શરૂ કરવામાં આવે છે. બપોરે ચારથી મોડી રાત્રે બે વાગ્યા સુધી એમ 10 કલાક ચાલેલી મેરેથોન સર્જરીમાં હાડકા, સ્નાયુ, લોહીની નળીઓ, ચેતા, ચામડી બધુ જોડી દેવામાં આવ્યું.
પ્રતીકનો હાથને રીપ્લાન્ટ થયો એને દસ દિવસ થયા છે અને તેની સ્થિતિ ખૂબ જ સારી છે. દીકરાના હાથને ફરીથી હલનચલન કરતો જોઈને પરિવાર અત્યંત ખુશ છે. પ્રતીકના મમ્મી કહે છે કે, જેમ ભગવાને ગણપતિ બાપાના મસ્તકને જોડી આપ્યું હતું એમ મારા દીકરાનો કપાયેલો હાથ ફરીથી જોડીને ડૉક્ટરે અમારા માટે ભગવાનનું કામ કર્યું છે.