અમદાવાદમાં બેવડા ગેસ કનેક્શન અને કાળાબજારનો ખેલ
PNG હોવા છતાં લાખો લોકોએ LPG સિલિન્ડર જમા ન કરાવ્યા, ઘરેલુ ગેસના કોમર્શિયલ ઉપયોગથી કૌભાંડ

અમદાવાદ ગેસ કનેક્શન કૌભાંડ

અમદાવાદ ગેસ કનેક્શન કૌભાંડ
અમદાવાદ શહેરમાં હાલમાં રાંધણ ગેસના જોડાણોને લઈને એક ગંભીર વિસંગતતા સામે આવી રહી છે. એક તરફ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા ગેસ (PNG) પહોંચી ગયો છે, તો બીજી તરફ હજારો પરિવારો હજુ પણ લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના બાટલા છોડવા તૈયાર નથી. આધારભૂત માહિતી મુજબ, શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા એવા ઘરો છે જે પીએનજી અને એલપીજી બંને કનેક્શનનો એકસાથે ઉપયોગ કરી રહ્યા છે.
ડબલ કનેક્શન અને તંત્રની મથામણ :
અમદાવાદના અંદાજે 60 થી 70 ટકા રહેણાંક વિસ્તારો હવે પીએનજી નેટવર્કથી સજ્જ છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો શહેરમાં આશરે 12 થી 15 લાખ ઘરેલું એલપીજી જોડાણો અને બે લાખ જેટલા કોમર્શિયલ જોડાણો છે. નિયમ મુજબ પીએનજી જોડાણ મળ્યા બાદ એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવું અનિવાર્ય છે, પરંતુ વાસ્તવિકતામાં ગણતરીના લોકોએ જ પોતાના બાટલા જમા કરાવ્યા છે. સરકારના કડક આદેશો છતાં અંદાજે 25 થી 30 ટકા ગ્રાહકો બેવડા જોડાણ ધરાવે છે, જેના પર અંકુશ મેળવવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ સાબિત થયો છે.
ગેરકાયદે રિફિલિંગનો ધીકતો ધંધો :
આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વોએ ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઉભું કર્યું છે. ઘરેલું વપરાશ માટે મળતા સબસિડીવાળા બાટલામાંથી ગેસની ચોરી કરી તેને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવાનું કારસ્તાન જોરશોરથી ચાલી રહ્યું છે. આ કાળાબજારને કારણે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચતા બાટલામાં ગેસનું વજન ઓછું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રિફિલિંગના આ ગેરકાયદે ખેલમાં ₹2500 માં ઘરેલું બાટલાની ખરીદી કરીને તેને મોંઘા ભાવે કોમર્શિયલ માર્કેટમાં વેચવામાં આવે છે.
કોમર્શિયલ ગેસની અછત અને આસમાને પહોંચેલા ભાવ :
વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ગેસના પુરવઠા પર અસર પડી છે. સરકારે કોમર્શિયલ સિલિન્ડરના વપરાશમાં 60 ટકા સુધીનો કાપ મૂક્યો છે. આ અછતને કારણે હાલમાં ગેસ એજન્સીઓ માત્ર હોસ્પિટલો, શાળાઓ અને હોસ્ટેલ જેવી સંસ્થાઓને જ પ્રાથમિકતા આપી રહી છે.
સામાન્ય રીતે ₹1900 માં મળતો 19 કિલોનો કોમર્શિયલ ગેસનો બાટલો અત્યારે કાળાબજારમાં ₹4500 થી ₹5000 સુધી વેચાઈ રહ્યો છે. જો ઘરેલું ગેસમાંથી રિફિલિંગ કરવામાં આવે તો તેની પડતર કિંમત માત્ર ₹1250 ની આસપાસ રહે છે, જેની સામે કાળાબજારિયાઓ બમણાથી ત્રણ ગણો નફો રળી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં પુરવઠા વિભાગની મૌન ભૂમિકા પણ અનેક સવાલો ઉભા કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.