સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂકનો વિવાદ ઘેરાયો!
ડૉ. કમલ મહેતા અને ડૉ. નિદત બારોટ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, ₹50 લાખનો માનહાનિ દાવો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડો. કમલ મહેતા અને ડો. નિદત બારોટની ફાઈલ તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડો. કમલ મહેતા અને ડો. નિદત બારોટની ફાઈલ તસવીર
Controversy over appointment at Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનના વડા ડૉ. કમલ મહેતા અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ. નિદત બારોટ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ડૉ. મહેતાએ માહિતીના અધિકાર (RTI) હેઠળ મેળવેલા દસ્તાવેજોના આધારે ડૉ. નિદત બારોટની વિવિધ નિમણૂકો અંગે સવાલો ઉઠાવ્યા છે.
સમગ્ર મામલામાં કુલપતિ કે રજિસ્ટ્રાર પડવા માંગતા ન હોય તેમ તપાસ ચાલુ હોવાનું કહી રહ્યા છે. જ્યારે ડૉ. નિદત બારોટે તમામ આક્ષેપોને નકારી ડો. કમલ મહેતા સામે રૂપિયા 50 લાખનો માનહાનિનો દાવો કર્યો છે. જેના કારણે શિક્ષણના ધામમાં રાજકારણ ગરમાયુ છે. ડૉ.નિદત બારોટ હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલના સભ્ય છે અને એજ્યુકેશન ફેકલ્ટીના ડિન છે.
નિમણૂકો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
અંગ્રેજી ભવનના વડા ડૉ. કમલ મહેતાના જણાવ્યા મુજબ, RTIથી પ્રાપ્ત દસ્તાવેજોના અભ્યાસ દરમિયાન વર્ષ 2002 થી 2017 દરમિયાન થયેલી ડૉ. નિદત બારોટની કેટલીક નિમણૂકો UGC અને NCTEના નિયમો સાથે સુસંગત નથી. તેમનો દાવો છે કે લેક્ચરરથી લઈને પ્રિન્સિપાલ સુધીની કેટલીક નિયુક્તિઓમાં જરૂરી લાયકાત અને અનુભવ સંબંધિત નિયમોનું પાલન થયું ન હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે.
પગાર વસૂલાત સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત
ડૉ. કમલ મહેતાએ આ મામલાને સરકારી નાણાંના દુરુપયોગ સાથે જોડતાં જણાવ્યું કે, જો નિમણૂકો નિયમ વિરદ્ધ સાબિત થાય તો અત્યાર સુધી ચૂકવાયેલા પગારની વસૂલાત થવી જોઈએ. તેમણે કુલપતિ, રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. જરૂર પડશે તો શિક્ષણ મંત્રી, વડાપ્રધાન અને એન્ટી કરપ્શન બ્યુરો સુધી પણ મામલો લઈ જવાની વાત કરી છે.
ટ્રસ્ટી અને કર્મચારીની ભૂમિકાને લઈને પણ પ્રશ્નો
ડૉ. મહેતાએ એવો પણ આક્ષેપ કર્યો કે, ચેરિટેબલ ટ્રસ્ટના નિયમો મુજબ ટ્રસ્ટી તરીકે કાર્યરત વ્યક્તિ એ જ સંસ્થામાં પગારદાર કર્મચારી બની શકતી નથી. આ મુદ્દે પણ તેમણે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવાની માગણી કરી છે.
ડૉ. બારોટે તમામ આક્ષેપો ફગાવ્યા
ડૉ. નિદત બારોટે જણાવ્યું કે, તેમની તમામ નિમણૂકો તે સમયના અમલમાં રહેલા રાજ્ય સરકારના ઠરાવો, યુનિવર્સિટીના ઓર્ડિનન્સ અને NCTEના નિયમો અનુસાર થઈ હતી. તેમણે દાવો કર્યો કે તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પી.એચ.ડી. સંબંધિત તમામ માપદંડો પૂર્ણ થતા હોવાથી તેમના વિરુદ્ધના આક્ષેપો તથ્યવિહોણા છે.
ડૉ.નિદત બારોટનો વળતો પ્રહાર
ડૉ.નિદત બારોટે આક્ષેપો અંગે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.કમલ મહેતાએ યુનિવર્સિટીમાં પ્રમોશન મેળવવા ખોટા પ્રમાણપત્રો અને સંશોધનપત્રો રજૂ કર્યા છે. જેની મેં ફરિયાદ કરી હતી. જેના આધારે IQAC મારફત જેને સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યા હતા તે મેગેઝિનને ઇમેઈલ કરી વિગત મંગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કમલ મહેતાએ તંત્રીને મળી મેગેઝિનો અનપબ્લિશ કરાવી દીધા હતા. તેઓ હવે એકપણ સંશોધન પત્રો ધરાવતા નથી. તેના કારણે તેમણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું. આ વાતથી વ્યથિત થઈ આક્ષેપો કરી રહ્યાં છે.
ડૉ. કમલ મહેતા સામે રૂ.50 લાખનો માનહાનિ દાવો
ડૉ. નિદત બારોટે આરોપ મૂક્યો કે, ડૉ. કમલ મહેતાએ જાહેરમાં ખોટા અને આધારવિહોણા નિવેદનો આપી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. આ કારણે તેમણે કોર્ટમાં રૂપિયા 50 લાખના માનહાનિના દાવા સાથે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
પાંચ મહિના પહેલાં બંને પ્રોફેસરો વચ્ચે શરૂ થઈ છે લડત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટે મૂળ RSSના અને અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમી કાઉન્સિલમાંથી દૂર કરવા પાંચ મહિના પહેલાં કુલપતિને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, ડૉ.મહેતાએ જૂની તારીખોમાં સંશોધન પત્રો છપાવી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે. વર્ષ 2020માં થયેલી કોન્ફરન્સ 2018માં થઈ હોવાનું દર્શાવી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી છે. જેથી નિવૃત જજ અને પૂર્વ કુલપતિ કક્ષાની કમિટી દ્વારા તપાસ કરી શિસ્તભંગના પગલા લેવા માંગ કરી હતી.
ડૉ. બારોટે રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક ગૌરવ અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે તેવી ગંભીર વિગત ધ્યાને આવી હતી. અંગ્રેજી ભવનના અધ્યક્ષ EC અને AC ના સભ્ય કમલ મહેતા દ્વારા રજૂ કરવામાં આવેલ સંશોધન પત્રોમાં તારીખ અને વિગતોની મોટી વિસંગતતા જે તે સમયે જોવા મળી હતી. જે શૈક્ષણિક જગતમાં 'બેક-ડેટેડ' દસ્તાવેજો ઉભા કર્યા હોવાનો પુરાવા છે.
ડો. બારોટે ઉમેર્યુ કે, ડો. કમલ મહેતાનું એક સંશોધન પત્ર વર્ષ 2018 માં પ્રસિદ્ધ થયેલું દર્શાવવામાં આવ્યું છે. વર્ષ 2018ના પેપરના ત્રીજા પાના પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલી 2019ની કોન્ફરન્સની વિગતો ટાંકવામાં આવી છે. હકીકતમાં જે કોન્ફરન્સનો ઉલ્લેખ કરાયો છે. તે વર્ષ 2020માં યોજાઈ હતી. કોઈપણ સંશોધન પત્ર તેના પ્રકાશન વર્ષ પછીની ઘટનાઓની વિગત અગાઉથી આપી શકે નહીં. આ બાબત સાબિત કરે છે કે, આ પેપર પાછળની તારીખમાં (Back-dated) ખોટી રીતે અપલોડ કરવામાં આવ્યું છે અને યુનિવર્સિટીને છેતરવાનો પ્રયાસ થયો છે. ડિસેમ્બર 2015માં પ્રસિદ્ધ થયેલા સંશોધન પત્રમાં NEP 2020નો ઉલ્લેખ છે. વર્ષ 2018માં પ્રસિદ્ધ થયેલા પેપરને રેફરન્સમાં દર્શાવેલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ