‘નરેન્દ્ર મોદી વીક છે, એટલે પેપર લીક છે’
કોંગ્રેસના નારેબાજી સાથે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન, ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad Congress NEET Paper Leak Protest Rally: દેશભરમાં ભારે વિવાદ સર્જનાર NEET પરીક્ષાના પેપર લીક પ્રકરણ, શિક્ષણના વધી રહેલા વ્યાપારીકરણ અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ આજે, 3 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવી હતી. 'છાત્રો કી ગુંજ' અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઐતિહાસિક નહેરુબ્રિજથી સરદારબાગ સુધી એક વિરાટ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયથી માત્ર 100 મીટરના અંતરે આવેલા સરદારબાગ ખાતે કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા પ્રદર્શન યોજી સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
शिक्षा का व्यापारीकरण, चारों तरफ भ्रष्टाचार और बार-बार पेपर लीक पूरी परीक्षा व्यवस्था ध्वस्त हो चुकी है!
— Amit Chavda (@AmitChavdaINC) August 3, 2026
जब देश के छात्र अपने भविष्य के लिए आवाज़ उठाते हैं, तो उनसे संवाद करने के बजाय उन पर लाठियाँ और गोलियाँ बरसाई जाती हैं। अत्याचार का आदेश देने वाले गृह मंत्री अमित शाह का… pic.twitter.com/2d4TSdLyxH
‘હાય રે ભાજપ હાય હાય’: નહેરુબ્રિજથી સરદારબાગ સુધી જનઆક્રોશનો મહાસાગર
આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ નહેરુબ્રિજ ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો. રેલીમાં યુથ કોંગ્રેસ, NSUI અને શહેર કોંગ્રેસના હજારો કાર્યકરો બેનરો અને પોસ્ટરો સાથે જોડાયા હતા. "નરેન્દ્ર મોદી વીક છે, એટલે પેપર લીક છે", "ધર્મેન્દ્ર પ્રધાન ઝાંકી હે, અભી તો અમિત શાહ બાકી હે" અને "અમિત શાહ રાજીનામું આપો" જેવા તીખા સૂત્રોચ્ચારોથી સમગ્ર નહેરુબ્રિજ અને ખાનપુર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ કરસનદાસ ભાદરકા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મોદી અને શાહના વિરોધમાં નારેબાજી કરી આંદોલનને વધુ તેજ બનાવ્યું હતું.
પતંગ હોટેલ અને ખાનપુરમાં 500થી વધુ પોલીસ જવાનો તૈનાત
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અને ભાજપ કાર્યાલયના ઘેરાવની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના પતંગ હોટેલ અને ખાનપુર ભાજપ કાર્યાલયની આસપાસના વિસ્તારોમાં બે JCP, ત્રણ PI સહિત 400 થી 500 જેટલા પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો. સેક્ટર-1 JCP નીરજ બડગુજરે સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "કોંગ્રેસને નહેરુબ્રિજ અને સરદારબાગ ખાતે શાંતિપૂર્ણ ધરણા અને રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય નાગરિકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવીને અમુક ઝોન બંધ કરાયા છે અને વાહનચાલકો માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવ્યો છે."
‘નવા અંગ્રેજોનું શાસન નહીં ચાલે’: કેન્દ્રીય ગૃહમંત્રી અને ડાયરશાહી સામે અમિત ચાવડાના પ્રહાર
સરદારબાગ ખાતે ધરણા પર બેઠેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને 'અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન' ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, "દેશમાં શિક્ષણનું જે રીતે વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને વારંવાર પેપર લીક થઈ રહ્યા છે તેનાથી કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. દેશના યુવાનો જ્યારે દિલ્હીના જંતરમંતર પર પોતાના હક માટે અવાજ ઉઠાવવા ગયા, ત્યારે સંવાદ કરવાને બદલે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીના આદેશથી તેમના પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો. આપણી બહેન-દીકરીઓ પર ટીયર ગેસ છોડીને બર્બરતા આચરવામાં આવી છે." તેમણે બિહારની ઘટનાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, "બિહારમાં વિદ્યાર્થીઓ પર AK-47 થી ગોળીબાર કરવામાં આવ્યો છે. આધુનિક ભારત ક્ષેત્રે જનરલ ડાયર જેવી માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. જ્યાં સુધી વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર માટે જવાબદાર ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું નહીં આપે અને વિદ્યાર્થીઓ પરની FIR પરત નહીં ખેંચાય ત્યાં સુધી દેશનો યુવાન રસ્તા પર લડતો રહેશે."
‘ટીયર ગેસ નહીં ચલેગી, AK-47 નહીં ચલેગી’: વિદ્યાર્થીઓ પરના જુલમ સામે બુલંદ અવાજ
સરદારબાગના ધરણા સ્થળે કોંગ્રેસી નેતાઓ અને NSUIના કાર્યકરોએ "ટીયર ગેસ નહીં ચલેગી, AK-47 નહીં ચલેગી" અને "વિદ્યાર્થીઓ પરની ખોટી FIR રદ કરો" ના સૂત્રો સાથે વાતાવરણ ગરમ કરી દીધું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં યુવાનોના અવાજને દબાવવા માટે પોલીસ બળનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે વિરોધ પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ પોલીસ કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચવામાં આવે અને લાઠીચાર્જ તેમજ ગોળીબારનો આદેશ આપનારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ભરતસિંહ સોલંકીનો આક્રોશ: 'ન્યાય આપવાને બદલે વિદ્યાર્થીઓ પર ગોળીઓ અને લાઠીઓ વરસાવાઈ'
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સંપૂર્ણપણે નિરંકુશ બની ગઈ છે અને દરેક વર્ગ પર જુલમ ગુજારી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે NEET નું પેપર લીક થયું ત્યારે દેશનો ભણેલો-ગણેલો યુવાન શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યો હતો. તેમને ન્યાય આપવાની અને દોષિતોને જેલભેગા કરવાની બદલે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓ પર લાઠીઓ અને ગોળીઓ વરસાવાનું કામ કર્યું છે. દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધી જ્યારે વિદ્યાર્થીઓનો અવાજ બનીને રજૂઆત કરવા ગયા ત્યારે તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી." તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રીની નિષ્ફળતા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી, તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
રસ્તા પર જંગ જારી રાખવાની ચેતવણી
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં યોજાયેલા આ ધરણા પ્રદર્શન દ્વારા કોંગ્રેસે આગામી દિવસોમાં વિદ્યાર્થી આંદોલનને વધુ તીવ્ર બનાવવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. ભાજપ કાર્યાલયની નજીક યોજાયેલા આ કાર્યક્રમથી રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણના ખાનગીકરણ અને વ્યાપારીકરણ સામેની આ લડાઈ માત્ર એક દિવસીય ધરણા પૂરતી સીમિત નહીં રહે. જો સરકાર વિદ્યાર્થીઓની ન્યાયી માંગણીઓ નહીં સંતોષે, પેપર લીક માફિયાઓ સામે કડક કાયદો નહીં બનાવે અને લાઠીચાર્જ કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ