ગીરમાં ફરી ગુંજ્યો ચિલોત્રાનો કલરવ, પ્રોજેક્ટ સફળ
2021માં છોડાયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ હવે ગીરમાં સ્થાયી, માળા બાંધી પ્રજનન પણ શરૂ

ગીર જંગલમાં સ્થાયી થયેલા 'ઇન્ડિયન ગ્રે હોર્નબિલ' જેને સ્થાનિક ભાષામાં ‘ચિલોત્રો’ કહે છે તેની ફાઈલ તસ...

ગીર જંગલમાં સ્થાયી થયેલા 'ઇન્ડિયન ગ્રે હોર્નબિલ' જેને સ્થાનિક ભાષામાં ‘ચિલોત્રો’ કહે છે તેની ફાઈલ તસ...
The historic return of Chilotra to Gir: ગુજરાતના ગીર જંગલમાંથી દાયકાઓ પહેલાં અદ્રશ્ય થયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ કે જેને સ્થાનિક ભાષામાં ‘ચિલોત્રો’ તરીકે ઓળખવામાં આવે છે. તેની ફરી સફળ વાપસી થઈ છે. ગુજરાત સરકારના ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ’ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ પક્ષીઓ હવે માત્ર ગીરમાં સ્થાયી થયા નથી. પરંતુ ત્યાં માળા બનાવી પ્રજનન પણ કરી રહ્યા છે.
2021માં શરૂ થયો હતો પુનઃવસન પ્રોજેક્ટ
વન વિભાગે વર્ષ 2021થી અરવલ્લીના જંગલોમાંથી ઇન્ડિયન ગ્રે હોર્નબિલને ગીરમાં લાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. બે તબક્કામાં કુલ 40 પક્ષીઓને ગીરના વિવિધ વિસ્તારોમાં મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગીરના કુદરતી પર્યાવરણમાં લુપ્ત થયેલી પ્રજાતિને ફરી સ્થાપિત કરવાનો હતો.
ગીરના જંગલોમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’નો કલરવ!
— Gujarat Information (@InfoGujarat) July 14, 2026
છ દાયકા પછી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રા)ની ગીરમાં ભવ્ય વાપસી; ગુજરાત સરકારના ‘રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ’ને મળી મોટી સફળતા...
વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલને અરવલ્લીના જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા;… pic.twitter.com/9XVJo5ddTq
અભ્યાસમાં મળી મોટી સફળતાના પુરાવા
તાજેતરમાં પ્રકાશિત થયેલા વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, ગીરમાં વસાવાયેલા ચિલોત્રા પક્ષીઓએ નવા પર્યાવરણને સફળતાપૂર્વક સ્વીકારી લીધું છે. તેઓ નિયમિત રીતે માળા બનાવી રહ્યા છે અને પ્રજનન પણ કરી રહ્યા છે. આ પરિણામો દર્શાવે છે કે ગીરનું પર્યાવરણ હવે ચિલોત્રા માટે સંપૂર્ણપણે અનુકૂળ બની ગયું છે.
વૈજ્ઞાનિક સંશોધનમાં સફળતાની નોંધ
આ સમગ્ર પ્રોજેક્ટ અંગેનું સંશોધન આંતરરાષ્ટ્રીય પીઅર-રીવ્યુડ જર્નલ 'બર્ડ્સ'માં"Reintroduction of Indian Grey Hornbills in Gir, India: Insights into Ranging, Habitat Use, Nesting and Behavioural Patterns" શિર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં પક્ષીઓની હિલચાલ, વસવાટ, માળા બનાવવાની પ્રક્રિયા અને વર્તણૂકનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસ ગુજરાત વન વિભાગ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
વન વિભાગે કેવી રીતે કર્યું આયોજન?
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વર્ષ 2021 અને 2022 દરમિયાન 28 ઇન્ડિયન ગ્રે હોર્નબિલને ગીરમાં છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2023માં વધુ 12 પક્ષીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. કુલ 40 પક્ષીઓમાંથી 11 નર પક્ષીઓને સેટેલાઇટ ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યા હતા. જેથી તેમની હિલચાલ અને જીવનશૈલી પર સતત નજર રાખી શકાય.
સેટેલાઇટ ટ્રેકિંગથી મળ્યા મહત્વના તારણો
સેટેલાઇટ ટ્રેકિંગથી જાણવા મળ્યું કે, શરૂઆતના મહિનાઓમાં પક્ષીઓએ નવા પર્યાવરણને સમજવા માટે લગભગ 61 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અવરજવર કરી હતી. સમય જતાં તેઓ ગીરના જંગલો સાથે સંપૂર્ણપણે અનુકૂળ થઈ ગયા અને તેમનો વસવાટ વિસ્તાર ઘટીને આશરે 5.7 ચોરસ કિલોમીટર રહ્યો. તેમની દૈનિક ઉડાન પણ સરેરાશ 4.3 કિલોમીટરથી ઘટીને લગભગ 1.4 કિલોમીટર થઈ ગઈ.
પ્રથમ વર્ષથી જ શરૂ થયું પ્રજનન
અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંહે જણાવ્યું કે, મુક્ત કરાયેલા પક્ષીઓમાંથી પ્રથમ વર્ષમાં જ એક જોડીએ સફળતાપૂર્વક બચ્ચાં ઉછેર્યા હતા. બીજા વર્ષમાં વધુ ત્રણ જોડીઓએ પણ માળા બનાવી પ્રજનન શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટની સફળતા માટે આ સૌથી મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.
જંગલ માટે કેમ મહત્વનો છે ચિલોત્રો?
ચિલોત્રો જંગલના પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે લાંબા અંતર સુધી ફળોના બીજ ફેલાવે છે. જેના કારણે નવા વૃક્ષો ઉગે છે અને જંગલનું કુદરતી પુનર્જીવન થાય છે. તેથી ચિલોત્રાને ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ માનવામાં આવે છે.
વન મંત્રીએ વ્યક્ત કર્યો આનંદ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. કચ્છમાં ઘોરાડ સંરક્ષણ બાદ હવે ગીરમાં ચિલોત્રાની સફળ વાપસી રાજ્ય માટે ગૌરવની બાબત છે. વર્ષો પહેલાં અદ્રશ્ય થયેલી પ્રજાતિ ફરી ગીરમાં વસવાટ કરી રહી છે તે વન વિભાગના સતત પ્રયાસોની સફળતા દર્શાવે છે.
વન વિભાગના અધિકારીઓનો અભિપ્રાય
વન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગીરમાં છેલ્લા કેટલાક દાયકામાં વસવાટનું સંરક્ષણ, વૃક્ષોની સંખ્યા અને જૈવ વૈવિધ્યમાં થયેલા સુધારાના કારણે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ કારણોસર રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ રહ્યો છે.
વન્યજીવ સંરક્ષણમાં ગુજરાતનું મોડેલ મજબૂત બન્યું
તાજેતરમાં ઘોરાડ પક્ષીના સંરક્ષણમાં મળેલી સફળતા બાદ ચિલોત્રાની વાપસીથી ગુજરાતે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. વૈજ્ઞાનિક અભિગમ, સતત મોનિટરિંગ અને યોગ્ય સંરક્ષણ નીતિઓના કારણે રાજ્યનું વન્યજીવ સંરક્ષણ મોડેલ વધુ મજબૂત બન્યું હોવાનું નિષ્ણાતો માને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ