ઘટનાસ્થળે આરોપીની પૂછપરછ મારી ભૂલ: સિંઘલ
ચંડોળામાં ડ્રગ્સના નશામાં રીઢા ગુનેગારે JCP પર કર્યો હુમલો, પોલીસ ફાયરિંગમાં આરોપી ઘાયલ

JCP શરદ સિંઘલ પર હુમલો

JCP શરદ સિંઘલ પર હુમલો
Chdola Lake Firing: અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગેરકાયદેસર હથિયારો પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર એક રીઢા ગુનેગારે હિંસક હુમલો કર્યો હતો. પોલીસ પકડથી બચવા અને ધરપકડના ડરથી આરોપીએ સાદા કપડામાં હાજર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર રસોડાની છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. JCPની ગરદન પર થનારો આ વાર તેમણે ડાબો હાથ આડો કરીને રોક્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ હિંસક ઝાપઝપી દરમિયાન સ્થિતિ બેકાબૂ બનતા અધિકારીઓએ સ્વબચાવમાં અને આરોપીને કાબૂમાં લેવા માટે સર્વિસ રિવોલ્વરથી 1 રાઉન્ડ વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.
ગુપ્ત બાતમીના આધારે ચંડોળાના ઝૂંપડામાં ક્રાઈમ બ્રાન્ચના દરોડા
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આઈ.એન ઘાસુરાની ટીમને એક ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, ઈસનપુર વિસ્તારનો રહેવાસી અને કથિત રીતે ચંડોળા તળાવ પાસે ઝૂંપડામાં રહેતો કુખ્યાત હિસ્ટ્રીશીટર મોહમ્મદ કલીમ ઉર્ફે ભૈયા અકબરખાન પઠાણ મધ્યપ્રદેશથી ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો લઈને આવ્યો છે. આ બાતમીના આધારે PI ઘાસુરા અને તેમની ટીમે ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ઝૂંપડા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની આ રેડ દરમિયાન આરોપી મોહમ્મદ કલીમના કબજામાંથી મધ્યપ્રદેશથી લાવવામાં આવેલા 4 ગેરકાયદેસર તમંચા (દેશી પિસ્તોલ) અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર કામગીરી દરમિયાન કાયદાકીય પુરાવા માટે ઘટનાસ્થળનું 'ઈ-સાક્ષી પંચનામું' પણ કર્યું હતું અને આરોપીની સત્તાવાર અટકાયત કરી લીધી હતી.
JCP સાદા કપડામાં હોવાથી આરોપી ઓળખી શક્યો નહીં
આ રેડ અને હથિયારો પકડવાની કાર્યવાહી ચાલી રહી હતી, તે જ સમયે ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવાથી તેઓ પણ સ્થળ પર તપાસની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. JCP શરદ સિંઘલ તે સમયે સત્તાવાર પોલીસ વર્ધીમાં નહોતા પરંતુ સાદા કપડામાં (સિવિલ ડ્રેસમાં) હતા. આરોપીની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આરોપી મોહમ્મદ કલીમ કથિત રીતે ભારે ડ્રગ્સના નશામાં હતો. પૂછપરછ દરમિયાન આરોપી અચાનક અત્યંત ઉગ્ર અને હિંસક બની ગયો હતો. તેની શારીરિક તલાશી પહેલેથી જ પૂરી થઈ ગઈ હોવાથી તેની પાસે કોઈ હથિયાર નહોતું, પરંતુ ઝૂંપડામાં બાજુમાં જ રસોડાનો સામાન પડેલો હતો. કલીમે અચાનક રસોડામાં પડેલી એક તીક્ષ્ણ છરી ઉઠાવી લીધી અને JCP શરદ સિંઘલની ગરદન પર સીધો જીવલેણ પ્રહાર કરવાની કોશિશ કરી હતી. અચાનક થયેલા આ હુમલા સામે JCP શરદ સિંઘલે ત્વરિત બોડી રિએક્શન આપતા પોતાનો ડાબો હાથ આડો કર્યો હતો, જેના કારણે છરીનો જોરદાર ઘા તેમના ડાબા હાથના ભાગે વાગ્યો હતો અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
પોલીસની આત્મસમર્પણની ચેતવણી ન માનતા સ્વબચાવમાં ફાયરિંગ
JCP પર હુમલો કર્યા બાદ પણ આરોપી કલીમ સતત વધુ એગ્રેસિવ થઈ રહ્યો હતો અને છરી હવામાં લહેરાવી રહ્યો હતો. હાજર પોલીસ અધિકારીઓએ તેને વારંવાર ચપ્પુ નીચે ફેંકી દેવા અને આત્મસમર્પણ કરવા ચેતવણી આપી હતી, પરંતુ ડ્રગ્સના નશામાં ચૂર આરોપી કંઈ પણ સાંભળવા તૈયાર નહોતો. સ્થિતિ વધુ વણસે અને અન્ય કોઈ કર્મચારી પર જીવનું જોખમ ન આવે તે માટે JCP શરદ સિંઘલ અને PI ઘાસુરાની ટીમે તત્કાલિક કડક વળતી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. અધિકારીઓએ પોતાની સુરક્ષા અને સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીના પગને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 1 ગોળી આરોપી કલીમના પગમાં વાગતા જ તે જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તાત્કાલિક દબોચી લીધો હતો.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડ્યો
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સમગ્ર અમદાવાદ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેરના તમામ ડીસીપી (DCP), સેક્ટર 1 ના JCP અને સેક્ટર 2 ના JCP સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત JCP શરદ સિંઘલ અને પગમાં ગોળી વાગેલા આરોપી મોહમ્મદ કલીમ બંનેને ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
'ઘટનાસ્થળે આરોપીની પૂછપરછ કરવી મારી ભૂલ હતી...'
હોસ્પિટલમાંથી જ મીડિયા સાથે વાત કરતા JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, "ક્રાઈમ બ્રાન્ચને સવારથી જ એક ચોક્કસ માહિતી મળી હતી કે એક રીઢો ગુનેગાર ગેરકાયદેસર હથિયારો સાથે ફરી રહ્યો છે. આ માહિતીના આધારે પીઆઈ (PI) ઈમરાન ઘાસુરા અને તેમની ટીમે તાત્કાલિક દરોડો (પાડ્યો હતો. પંચોની હાજરીમાં આરોપીની તપાસ કરતા તેની પાસેથી 4 પિસ્તોલ મળી આવી હતી અને આરોપીની પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. આરોપી કલીમ તે સમયે ડ્રગ્સના નશામાં ધૂત હતો. પૂછપરછ દરમિયાન તેણે અચાનક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને 2 થી 3 વાર છરી ફેરવી હતી, જે મને વાગી ગઈ હતી. મેં તેને ચપ્પુ નીચે ફેંકી દેવા માટે ચેતવણી આપી હતી, પરંતુ તેણે ચપ્પુ ન ફેંકતા આખરે સ્વબચાવમાં અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મેં પીઆઈ ઘાસુરાની સર્વિસ રિવોલ્વર લઈને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલમાં આ મામલે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસ હેઠળ બે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ આ હથિયારો મધ્ય પ્રદેશથી મગાવ્યા હતા. JCP પર હુમલો થવાથી ગુનેગારોની હિંમત વધી ગઈ હોવાના સવાલ પર હું સ્પષ્ટતા કરવા માંગું છું કે, તે સમયે હું પોલીસ યુનિફોર્મ (ડ્રેસ) માં ન હતો અને આરોપીને ખબર ન હતી કે હું જેસીપી છું. જોકે, હું સ્વીકારું છું કે ઘટનાસ્થળ પર જ આરોપીની પૂછપરછ (ઇન્ટ્રોગેશન) નહોતી કરવી જોઈતી, એ મારી ભૂલ હતી. ત્યાં સ્થળ પર પૂછપરછ કરવાના કારણે જ આરોપીને હુમલો કરવાનો મોકો મળ્યો. હવેથી હું મારા સાથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ કહીશ કે આરોપીની પૂછપરછ હંમેશાં તેમને પોલીસ સ્ટેશન કે સુરક્ષિત સ્થાને લઈ ગયા પછી જ કરવી, અથવા જો અનિવાર્ય હોય તો જ કોઈ ખુલ્લા અને સુરક્ષિત સ્થળે કરવી જોઈએ."
આરોપી 30 થી વધુ ગુનાઓનો હિસ્ટ્રીશીટર
પોલીસ રેકોર્ડ મુજબ, પકડાયેલો આરોપી મોહમ્મદ કલીમ ઉર્ફે ભૈયા અકબરખાન પઠાણ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ એક રીઢો હિસ્ટ્રીશીટર છે. તેની વિરૂદ્ધ ભૂતકાળમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી અને ગેરકાયદેસર હથિયારો રાખવા સહિતના 30 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ અગાઉ પણ તે મારામારી અને ચોરીના 9 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જ્યારે તેની સામે 'પાસા' (PASA) હેઠળ એકવાર અને અન્ય 5 ગુનાઓમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવી ચૂક્યા છે. આ ચકચારી ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મોહમ્મદ કલીમ વિરૂદ્ધ કાયદાની કડક કલમો હેઠળ 2 અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ગુનો મધ્યપ્રદેશથી લાવેલા 4 ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ રાખવા બદલ 'આર્મ્સ એક્ટ' હેઠળ નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજો ગુનો ફરજ પરના ઉચ્ચ પોલીસ અધિકારી પર જાનલેવા હુમલો કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ - હાફ મર્ડર) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. હાલ ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ