Chandipura Virus Death In Mehsana: મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની ચાર વર્ષીય માસૂમ બાળકીનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 28 જુલાઈની રાત્રે કરૂણ મોત નીપજ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ બીજું મોત છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આ અત્યંત ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં કુલ 14 બાળકોના જીવ ગયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે.
તાવ અને ઉલટીની ફરિયાદ બાદ 26 જુલાઈએ ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી દાખલ
પ્રાપ્ત વિગતો અનુસાર, દેલવાડા (ખાંટ) ગામના રહેવાસી દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામના ચાર વર્ષીય બાળકીને રવિવાર એટલે કે 26 જુલાઈના રોજ અચાનક તીવ્ર તાવ અને ઉલટીની તકલીફ શરૂ થઈ હતી. બાળકીની તબિયત બગડતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા ત્વરિત પગલાં રૂપે આરોગ્ય વિભાગ દ્વારા તેના બ્લડ સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવતા વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
સોમવારે આવેલા લેબોરેટરીના રિપોર્ટમાં બાળકીને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બાળકીને વધુ સઘન તેમજ આધુનિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડનગરના પીડિયાટ્રિક ડોક્ટર પ્રજ્ઞાબેનના જણાવ્યા અનુસાર, શનિવારથી જ તાવ આવ્યા બાદ બાળકીને ઉલટીઓ થઈ હતી અને તે ઘરે જ બેભાન થઈ ગઈ હતી, ત્યારબાદ તેને ખેંચ પણ શરૂ થઈ ગઈ હતી. મહેસાણામાં આઈસીયુ (ICU) માં દાખલ કર્યા બાદ 28 જુલાઈએ તેને વડનગર લાવવામાં આવી હતી જ્યાં તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી.
તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ
વડનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેની સ્થિતિ સતત બગડતી ગઈ હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, બાળકીના ધબકારા અને બ્લડ પ્રેશર અત્યંત હાઈ થઈ ગયા હતા અને દવાઓ આપવા છતાં તે નિયંત્રણમાં આવતા નહોતા. સારવાર દરમિયાન અચાનક બાળકીનું હાર્ટ બંધ થઈ જતાં તબીબોએ પમ્પ મારફતે તેના ધબકારા ફરી શરૂ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ચેપ એટલો ગંભીર હતો કે બાળકીના શરીરમાં લોહીનું ભ્રમણ (બ્લડ સરક્યુલેશન) ફરતું જ બંધ થઈ ગયું હતું. આખરે રાત્રે 8 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન માસૂમ બાળકીએ દમ તોડી દીધો હતો.
ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો: અત્યાર સુધીમાં કુલ 14 બાળકોના મોત
ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યભરમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 14 બાળકોના આ વાયરસને કારણે મોત થયા છે. પંચમહાલમાં 2, સાબરકાંઠામાં 2, મહેસાણામાં 2, અમદાવાદમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 2 અને પડોશી રાજ્ય રાજસ્થાનના 3 બાળકોએ આ જીવલેણ વાયરસના કારણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે. એક પછી એક માસૂમ બાળકોના મોતથી સમગ્ર રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.
દેલવાડા ગામના 250 થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને જંતુનાશક છંટકાવ
બાળકીના કરૂણ મોત બાદ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મૃતક બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના 250 થી વધુ ઘરોમાં સઘન ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાયરસના વાહક મચ્છરો અને કીટકોના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, દીવાલો પર ઇન્સેક્ટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની રોકથામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
સરપંચની ગ્રામજનોને અપીલ અને ચાંદીપુરા વાયરસના લક્ષણો તેમજ બચવાના ઉપાયો
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેલવાડા ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ તમામ ગ્રામજનોને વિશેષ સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવા શંકાસ્પદ લક્ષણો જણાય તો સહેજ પણ વિલંબ કે બેદરકારી રાખ્યા વગર તુરંત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે મગજ પર સીધી અસર કરે છે, જેમાં જોરદાર તાવ, ફ્લૂ જેવા લક્ષણો, એન્સેફ્લાઈટિસ, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો જોવા મળે છે. આ વાયરસનો મૃત્યુદર 75 ટકા સુધીનો હોવાથી અને તેની કોઈ ચોક્કસ એન્ટિવાઇરસ દવા ઉપલબ્ધ ન હોવાથી સમયસરની તબીબી સલાહ જ જીવન બચાવી શકે છે.