સુરતના અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે બુધવારે સાંજે 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ ગુરૂવારે સાંજે બાળકનો મૃતદેહ મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે માસૂમનો જીવ ગયો છે. ફાયર અને NDRFની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતુ. 24 કલાક બાદ વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ હાથ લાગ્યો છે. બાળકનું મોત થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. મહત્વપૂર્ણ છે કે, અમરોલી-વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો બે વર્ષીય પુત્ર કેદાર આઈસક્રીમ લેવા જતાં સમયે ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.
ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણના કારણે બાળક ઘણું આગળ નીકળી ગયુ હતુ. ગુરૂવારે સવારથી લોકોએ વિરોધ પ્રદર્શન કરી મનપાની બેદરકારી મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારી બજારમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. તે સમયે 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં બાળક ઊંધા માથે પટકાયુ હતું.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જ્યારે ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. ભારે પ્રયાસો વચ્ચે પણ માસુમ બાળકની ભાળ ન મળતાં બીજા દિવસે વહેલી સવારથી ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા બ્રેધિંગ શુટ પહેરીને ગટરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદે કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાથી મેઈન લાઈનમાં શોધખોળમાં ભારે વિલંબ થયો હતો. ફાયર વિભાગની સાથે ઝોનની ટીમોએ પણ સ્ટ્રોમ ડ્રેનેજથી માંડીને ખાડીમાં તપાસ કરી હતી. કેદારનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો સહિત લોકોમાં વહીવટીતંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ ધરણાં પ્રદર્શન કરીને એસએમસી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. સવાર સુધી બાળક નહી મળતાં NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી. આખરે 24 કલાક બાદ વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને તાત્કલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો.
મરણ પામેલા બાળકના દાદીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, 'અમારો કેદાર અમને શોધી આપો. અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં જતો રહ્યો છે. અમારા કેદારને પાછો લઈ આવો. અમને બીજું કંઈ જોઈતું નથી. બુધવારી બજાર ભરાઈ હતી. તેથી નણંદ અને ભાભી બંને ગયા હતા. ત્યારબાદ આઈસ્ક્રીમ લઈને ખાતા હતા. તે દરમિયાન કેદારના હાથમાં આઇક્રીમ આપ્યો હતો અને તે દોડીને માતા પાસે જતાં સમયે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. દુઃખની વાત એ છે કે અમારા કેદારનો ત્રણ દિવસ પહેલાં જન્મદિવસ હતો.’
ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે, 'મેનહોલનું ઢાંકણુ ભારે વાહન પસાર થવાના કારણે તૂટી ગયું હતું. તેમાં 2 વર્ષનો કેદાર વેગડ પડી ગયો હતો. રેસ્ક્યૂ માટે 60 થી 70 કર્મચારીની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત NDRFની ટીમ પણ બોલાવાઈ હતી. 24 કલાકથી શોધખોળના અંતે વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળ્યો છે.
મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં મેયર્સ કપ રમવામાં વ્યસ્ત
ખુલ્લી ગટરમાં બાળક પડી જતાં રાત્રે સ્થાનિકોએ મેયર દક્ષેશ માવાણીને ફોન કર્યો હતો. તે સમયે મેયરે બહાર હોવાનું જણાવી મારી ટીમને મોકલું છું તેમ કહ્યું હતું. ગાંધીનગર ખાતે ચાલી રહેલી મેયર્સ કપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેયર દક્ષેશ માવાણી રમી રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘટના બન્યા બાદ એસએમસી કમિશનર કે મેયર ઘટના સ્થળે નહી પહોંચતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટના કારણે એસએમસીના સત્તાધીશો 10-15 દિવસથી દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરતાં હતા. જેના કારણે એસએમસીની મુખ્ય કચેરીમાં રજા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાલ ગાંધીનગરમાં છે.