અમદાવાદમાં વરસાદી આફત!
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ગ્રાઉન્ડ વિઝિટ,શહેરમાં જળબંબાકારની સ્થિતિ,રાહત કામગીરી તેજ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Heavy Rainfall In Ahmedabad: અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.સતત વરસેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને વ્યાપારી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર ગંભીર અસર પડી છે.શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમની સાથે અમદાવાદના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. સ્થળ પર પહોંચી તેમણે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓને તાત્કાલિક રાહત કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી.
CM ભૂપેન્દ્ર પટેલે પાણીમાં ઉતરી સ્થિતિનો તાગ મેળવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે અધિકારીઓ પાસેથી વરસાદ, પાણીના નિકાલ અને રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી.મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી ઝડપથી પાણીનો નિકાલ થાય અને લોકોને જરૂરી સહાય મળે તે માટે તમામ વિભાગોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર પણ વિવિધ વિસ્તારોમાં પહોંચી કામગીરીનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા. અધિકારીઓએ ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન, પાણીના નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી.સ્થળ પર જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને જ્યાં વધુ પાણી ભરાયું હતું ત્યાં વધારાના પમ્પ, મશીનરી અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા.
આખું વહીવટી તંત્ર એક્શનમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,પોલીસ,ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ, વીજ વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સહિત તમામ સરકારી તંત્ર મેદાનમાં ઉતરી આવ્યું છે.24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યા છે. વિવિધ ઝોનમાં અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે જેથી કોઈપણ ફરિયાદનો ઝડપથી નિકાલ થઈ શકે.
સેન્ટોસા પાર્કના કરોડોના બંગલા પાણીમાં
બોપલના પોશ ગણાતા સેન્ટોસા પાર્ક સોસાયટીમાં ચોમાસાના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કરોડો રૂપિયાના મૂલ્ય ધરાવતા આલીશાન બંગલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાનું પાણી, વીજળી અને ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચતાં લોકો લાચાર બન્યા છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે વાહનો બંધ પડી ગયા.ઘણા રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકો ઘરનો સામાન બચાવવા માટે મથામણ કરતા જોવા મળ્યા.ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિક જામ સર્જાયા. પાણી ભરાવાના કારણે કેટલાક રસ્તાઓ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા.ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી.ફાયર બ્રિગેડને અનેક કોલ મળ્યા. ક્યાંક પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા ખુલ્લા કરવા ટીમોએ કામગીરી હાથ ધરી.બોટ અને અન્ય બચાવ સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા હતા.
યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે શહેરમાં અનરાધાર વરસાદથી વિકટ પરિસ્થિતિ બની છે.પરંતુ લોકોની મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તમામ ટીમો ખડેપગે છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.મનપા કમિશનરે જણાવ્યું હતું કે, "સતત વરસી રહેલા વરસાદના લીધે શહેરની પરિસ્થિતિ બગડી છે.શહેરમાં અનેક જગ્યાએ સીવેઝ લાઈન ચોકઅપ થઈ જવાના લીધે પાણીના નિકાલમાં મુશ્કેલી પડી રહી છે,જેના લીધે પરિસ્થિતિ વધુ વણસી છે. તંત્ર દ્વારા લાઈનો ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં સરકાર, મનપા તંત્ર અને આર્મીના જવાનોના સંયુક્ત પ્રયાસોથી શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
શાળાઓ અને કોલેજોમાં રજા
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. વાલીઓને બાળકોને બહાર ન મોકલવા અપીલ કરવામાં આવી.શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન માધ્યમથી સૂચનાઓ જાહેર કરી.પાણી ભરાયેલા વિસ્તારોમાં વીજ અકસ્માત ન બને તે માટે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો.વીજ વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરીને ખામી દૂર કરવામાં વ્યસ્ત રહી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ