ગુજરાતના ડાયમંડ એસોસિએશનોને પડતર પ્રશ્નોના ઉકેલની આશા જાગી
સુરત, ભાવનગર, પાલનપુર સહિતના એસોસિએશનોએ મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક

મુખ્યમંત્રીની બેઠક બાદ ડાયમંડ ઉદ્યોગકારો સાથે કલેક્ટરની બેઠક યોજાઈ

મુખ્યમંત્રીની બેઠક બાદ ડાયમંડ ઉદ્યોગકારો સાથે કલેક્ટરની બેઠક યોજાઈ
ગુજરાતના રત્ન કલાકારોએ પડતર પ્રશ્નો મુદ્દે હડતાળની ચીમકી આપ્યા બાદ મુખ્યમંત્રી સાથે ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ બેઠક કરીને રજૂઆત કરી હતી. ઉદ્યોગકારોની રજૂઆત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક કરી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં નવી આશા જાગી છે.
સુરત, ભાવનગર, પાલનપુર સહિતના ડાયમંડ એસોસિએશનોએ મંગળવારે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠકમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડાયમંડ ઉદ્યોગને નડતા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ યોગ્ય નિરાકરણની હૈયાધારણા આપતાં ડાયમંડ ઉદ્યોગકારોને ઉકેલની આશા જાગી હતી. મુખ્યમંત્રીએ બેઠકને ગંભીરતાથી લેતા કલેક્ટર દ્વારા ડાયમંડ વર્કર યુનિયન તેમજ અન્ય હોદ્દેદારોને બોલાવ્યા હતા.
ડાયમંડ વર્કરને આર્થિક રીતે થઈ રહેલી મુશ્કેલીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. રત્ન કલાકારોના બાળકોની શાળા ફી, બેંકના હપ્તા, ઘરનું ભાડું ભરવામાં ભારે તકલીફ થઈ રહી છે. તેમને હાલ આર્થિક સહાયની જરૂરિયાત છે તેના માટે ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની વારંવાર કરેલી માંગણી કલેકટર સમક્ષ દોહરાવી હતી.
સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, અમે અગાઉ ડાયમંડ વર્કરોના રજીસ્ટ્રેશન માટેની શરૂઆત કરી ત્યારે દોઢ લાખ રત્ન કલાકારોનું રજિસ્ટ્રેશન થયુ હતુ. ત્યારબાદ રત્ન કલાકારોને રીન્યુ કરાયા નહોતા. તેના કારણે ફરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શકી નહોતી. ફેક્ટરી એક્ટનો કાયદો ડાયમંડ ફેક્ટરીમાં લાગુ કરવો શક્ય નથી. અન્ય કંપનીઓની માફક જાહેરાત આપીને રત્ન કલાકારોની ભરતી ન કરાતી હોવાથી ફેક્ટરી એક્ટ લાગુ કરવો શક્ય નથી.
રત્ન કલાકારને લેબર લો પ્રમાણે પગાર ચુકવવામાં આવતો હોય છે. પરંતુ ડાયમંડ ફેક્ટરીમાં નોકરીએ રાખવાની પદ્ધતિ અલગ છે. ખાનગી કંપનીમાં સંચાલક કર્મચારીની પસંદગી કરે છે પરંતુ હીરા ઉદ્યોગમાં સ્થિતિ ઉલટી છે. ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારને માલિકને પસંદ કરે છે. રત્ન કલાકાર કોણ છે તે અંગે ફેક્ટરીના માલિક ઘણા વર્ષોથી કામ કરતા હોય તેની યાદી આપી શકે છે.
શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની શાળાની ફી માફી કરવા માટે જે ફેક્ટરીમાં બાળકના પિતા કામ કરતા હોય ત્યાંથી સર્ટિફિકેટ લેવામાં આવે. જેથી કરીને સત્તાવાર રીતે રત્નકલાકાર છે તે જાણી શકાય. જ્યારે ફેક્ટરીના માલિક પોતાની ફેક્ટરીમાં કામ કરનાર કલાકાર અંગે સર્ટિફિકેટ આપે. વ્યવસાય વેરાના આધારે પણ રત્ન કલાકારોની ઓળખ થઈ શકે છે.
સુરત કલેકટર સૌરભ પારધીએ જણાવ્યું કે, ડાયમંડ એસોસિએશનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ વર્કરની સ્થિતિ અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને ચિંતિત છે. ડાયમંડ ઉદ્યોગકારોને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા. તમામ લોકોએ પોતાની વ્યથા રજૂ કરી છે. અમે તેને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરીશું.
ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખે જણાવ્યું કે, કલેક્ટર સમક્ષ અમે અમારી જૂની માંગણીઓ રજૂ કરી છે. ડાયમંડ વર્કરનું વેતન વધારીને તેમને આર્થિક સહાય કરવામાં આવે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. અત્યાર સુધીમાં અમે 30 હજાર રત્ન કલાકારોની નોંધણી કરી છે. સરકારે સહાય આપવા માટે સર્વે કરાવવો પડશે અને ત્યારબાદ રત્ન કલાકારોને મદદ પહોંચાડી શકાશે.
ફેક્ટરી એક્ટનો કાયદો છે કે 20 કરતાં વધારે કામદારો જો કામ કરતા હોય તો તેના ઉપર ફેક્ટરી એક્ટ લાગુ કરી દેવામાં આવતો હોય છે. ફેક્ટરી એક્ટ લાગુ ન કરવો તે ડાયમંડ વર્કરોની બરબાદીનું મુખ્ય કારણ છે. ફેક્ટરી સંચાલકો ફેક્ટરી એક્ટ અને લેબર લોનો અમલ કરતાં નથી. જેના કારણે રત્ન કલાકારો સરકારી લાભોથી વંચિત રહે છે. સરકાર તાત્કાલિક સર્વે કરાવી ફેક્ટરી એક્ટનો અમલ કરાવડાવે તો રત્ન કલાકારોને તમામ પ્રકારના લાભ મળી શકે.
ઘણાં વર્ષોથી ચાલતા ડાયમંડ ઉદ્યોગમાં વેપાર પણ નાનકડી ચબરખી ઉપર થાય છે. હીરા દલાલો, હીરા ફેક્ટરીના સંચાલકો, રત્ન કલાકારો કાચામાં જ કામ કરતા હોય છે. સત્તાવાર રીતે ડાયમંડ વેપાર સુરત શહેરમાં સંપૂર્ણ રીતે થતો નથી. રત્ન કલાકારોની નોંધણી પણ સત્તાવાર રીતે કરાતી નથી. સત્તાવાર રીતે રત્ન કલાકારોની નોંધણી કરાય તો મોટી ફેક્ટરીના સંચાલકોએ ઘણી સવલતો રત્ન કલાકારોને આપવી પડે તેમ છે.
ફેકટરીના સંચાલકો સત્તાવાર રીતે રત્ન કલાકારોની નોંધણી કરતા નથી. ડાયમંડ ઉદ્યોગમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરથી લઈને લેબર કમિશનર સુધીના અધિકારીઓ આંખ ઉપર પાટા બાંધીને બેઠા હોય તે રીતનું વર્ષોથી વલણ જોવા મળી રહ્યું છે. લેબર કમિશનરને તમામ હકીકતની જાણ હોવા છતાં ક્યારેય ડાયમંડ ઉદ્યોગને લઈને ગંભીરતા દાખવી નથી.
રાજ્ય સરકાર તરફથી લેબર કમિશનરને હુકમ કરીને રિપોર્ટ માંગવામાં આવે તો રત્ન કલાકારોનો રેકોર્ડ મળે નહી તેવી સ્થિતિ છે. લેબર કમિશનરે ક્યારેય ડાયમંડ ફેક્ટરીના સંચાલકો ઉપર ગંભીરતાથી ફેક્ટરી એક્ટનો અમલ કરાવવાનો અથવા લેબર એક્ટનો અમલ કરાવવા માટે પ્રયાસ કર્યો નથી. ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા ફરિયાદ કરવામાં આવે તો તરત જ પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે.
સુરતના હીરા ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી ચાલી રહી છે. જેમાં રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. મજૂરીના ભાવ અડધા થઈ ગયા છે. જોબવર્ક મજૂરી 800 થી 1200 રૂપિયા થઈ ગઈ છે. 3 દિવસ પહેલાં એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો હતો. શહેરમાં 1 વર્ષમાં 52 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. અનેક રત્ન કલાકારો સંતાનોની સ્કૂલની ફી પણ ભરી શક્યા નથી. જેથી ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક કરી રજૂઆતો કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત, ભાવનગર, પાલનપુર, અમરેલી શહેરના મળીને 40 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેમાંથી અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. રત્નકલાકારોને પૂરતાં ભાવ ન મળતાં પગાર ઘટી ગયા છે. રત્નકલાકારો ઘર ખર્ચ તથા બાળકોની ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે, ભાડું અને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.