ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી પકડાયા, સોજીત્રાની નિશા વોહરા નકલી DySP હોવાનો દાવો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તપાસ કર્યા બાદ સોશિયલ મીડિયામાં રજૂ કર્યા પુરાવા

પાંચ વર્ષમાં નિશા વોહરા નામની કોઈપણ યુવતીએ GPSC પાસ કરી નથીઃ યુવરાજસિંહ જાડેજા

પાંચ વર્ષમાં નિશા વોહરા નામની કોઈપણ યુવતીએ GPSC પાસ કરી નથીઃ યુવરાજસિંહ જાડેજા
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષથી નકલીની બોલબાલા છે. નકલી ટોલનાકું, નકલી પોલીસ, નકલી પીએ બાદ હવે નકલી મહિલા ડીવાયએસપીનો ખુલાસો થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ “ મયુર તડવી પાર્ટ-2” નામે ઓપરેશન કરીને નકલી મહિલા ડીવાયએસપીનો ઘટસ્ફોટ કર્યો છે. સોશિયલ મીડિયામાં પુરાવા રજૂ કરીને યુવરાજસિંહ જાડેજાએ નિશા વોહરા નકલી ડીવાયએસપી હોવાનો દાવો કર્યો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વોહરાના તમામ દાવા ખોટા હોવાનો અને તેણીએ GPSCની પરીક્ષા પાસ નહી કરી હોવાનો જાડેજાએ આક્ષેપ કર્યો છે.
આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા સલીમભાઈ વોહરાએ પોતે DySP તરીકે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે તેમજ 25 જેટલી પરીક્ષા પાસ કરી હોવાનો દાવો કર્યો હતો. જેના આધારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિશા વોહરાની પોસ્ટિંગ અને પરીક્ષા અંગે સોજીત્રાથી લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સુધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, નિશા વોહરા હાલમાં ક્યાય ફરજ બજાવતા નથી અને ભૂતકાળમાં GPSC ની કોઈપણ પરીક્ષા પાસ કરી હોય તેવા રેકોર્ડ મળ્યા નથી. યુવરાજસિંહ જાડેજાએ નિશા વોહરા નકલી ડીવાયએસપી હોવાનો ઘટસ્ફોટ કરીને રાજ્ય સરકારને સમગ્ર પ્રકરણની તપાસ કરવા માગ કરી છે.
મુખ્યમંત્રી અને યુનિવર્સિટીઓનું બહુમાન મેળવ્યું
નકલી DySP નિશા વોહરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી સમાજના કાર્યક્રમોમાં વાહવાહી મેળવી છે. અનેક સામાજીક સંગઠનોએ વિવિધ કાર્યક્રમોમાં GPSC પાસ કરી DySP બની હોવા અંગે સન્માન પણ કર્યુ છે.
આટલેથી નહી અટકતાં નિશા વોહરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જેમાં નિશાની સંઘર્ષની કહાની રજૂ કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ નિશા વોહરાને DySP તરીકે ગાંધીનગર ખાતે નિમણૂંક થવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત એક કિસ્સામાં નિશાના પિતાએ તેમની દીકરી DySP તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરજ બજાવે છે તેવું પણ જણાવ્યું હતું.
સોજીત્રાની નિશા વોહરાએ જામિયા હાઈસ્કુલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું હતુ. ત્યારબાદ GPSCની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. કોઈપણ કલાસીસ કર્યા વિના તેણીએ આપબળે સફળતા મેળવી હોવાનો દાવો કર્યો હતો. GPSCની વર્ગ-3ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી પોતે UPSCની તૈયારી કરતી હોવાનો દાવો કર્યો હતો.
નિશા વોહરાએ માધ્યમોએ લીધેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'સફળતા માટે મહેનત અને સમર્પણ બંને જોઈએ. તેણી ક્લાસીસ જોઈન કર્યા વિના આપબળે UPSCની પરીક્ષાની તૈયારીઓ માટે પ્રશ્નપત્રો સોલ્વ કરી રહી છે. 12 કલાક સખત મહેનત કરી રહી છે. પોતાને માર્ગદર્શન આપનાર અન્ય આઈ.એ.એસ. અધિકારીઓના સંપર્કમાં હોવાનો પણ તેણીએ દાવો કર્યો હતો.
તપાસ કરી કાર્યવાહી કરાશેઃ જી.જી.જસાણી DSP, આણંદ
નિશા વોહરા નકલી ડીવાયએસપી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ ખુલાસો કરતાં આ અંગે બેનિફિટ ન્યૂઝે આણંદ ડીએસપી જી.જી.જસાણી સાથે વાત કરીને ખરાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. જી.જી.જસાણીએ જણાવ્યુ હતું કે, નિશા વોહરા બાબતની જાણકારી અમને મળી છે. તેથી એલસીબીને તપાસ કરવા કહ્યુ છે. તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસપીના આદેશના પગલે એલસીબીએ નિશા વોહરાને બોલાવીને પૂછપરછ પણ હાથ ધરી હતી. તેથી નિશા વોહરા કેસમાં એકાદ-બે દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ સાયબર ક્રાઈમમાં DySP હોવાનો દાવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP અજીત રાજ્યાણને પૂછતાં તેઓએ આવા કોઈ મહિલા અધિકારી અમારા ડિપાર્ટમેન્ટમાં નહી હોવાનું જણાવીને સ્કેમ થયાની આશંકા વ્યક્ત કરી હતી.
ફેક લેટર લઈને મયુર તડવી પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ઘૂસી ગયો હતો...
અત્યંત ચકચારી કેસમાં બે વર્ષ અગાઉ કરાઈ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઈ બનીને મયુર તડવી નામનો યુવક તાલીમ લેવા પહોંચી ગયો હતો. જે તે સમયે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ST ઉમેદવારની યાદીમાં ભરૂચના વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.