ભરૂચ જિલ્લાના કવિઠામાં પોલીસના ત્રાસથી યુવકના આપઘાતનો આક્ષેપ
સરકાર પોલીસનો રાજકીય ઉપયોગ કરતી હોવાથી પોલીસ મનમાની કરે છેઃ શક્તિસિંહ ગોહિલ

રાજકીય દબાણ વધતાં PI અને કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણ કર્મચારીની બદલી કરી

રાજકીય દબાણ વધતાં PI અને કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણ કર્મચારીની બદલી કરી
ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં આદિવાસી યુવક કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર પોલીસનો રાજકીય ઉપયોગ કરવાના કારણે પોલીસ મનમાની કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટના મામલે કોંગ્રેસે પીડિત પરિવારને ન્યાય અપાવવા પોલીસ સ્ટેશનમાં દેખાવો કર્યા હતા. જેના કારણે પોલીસ પર રાજકીય દબાણ વધતાં જિલ્લા પોલીસ વડાએ PI અને કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે.
આપઘાત કરનાર યુવકના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી છે. સુસાઈડ નોટમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સુસાઈડમાં જણાવ્યુ છે કે, પોલીસ તેને વારંવાર પરેશાન કરતી હતી અને દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરતી હતી. પોલીસ હપ્તાની માંગણી પણ કરતી હતી. જ્યારે તેણે ના પાડી ત્યારે પોલીસે તેની પત્ની, પુત્રી અને બહેનને રાત્રે ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત તેમની સાથે ગાળાગાળી અને મારપીટ પણ કરવામાં આવી હતી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આદિવાસી યુવકની આત્મહત્યા મુદ્દે સરકાર અને પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા છે. ગોહિલે જણાવ્યું કે આદિવાસી યુવકની મરણોત્તર નોંધમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓના ત્રાસને કારણે આ પગલું ભરવું પડ્યું છે. યુવકે દારૂના ગેરકાયદે ધંધાને બંધ કરી દીધો હોવા છતાં પોલીસ દ્વારા વારંવાર હપ્તા માટે ધમકાવવામાં આવતો હતો. યુવકના ઘરના સભ્યોને પણ રાત્રે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા જે શરમજનક બાબત છે.
શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું આ જીવંત ઉદાહરણ છે. પોલીસ તંત્રનો રાજકીય દુરૂપયોગ કરી રહી છે. પોલીસ પ્રજાના રક્ષક બનવાને બદલે ભક્ષક બની ગઈ છે. રાજકીય ઉપયોગ કરવાના કારણે પોલીસ અધિકારીઓ બેફામ બની ગયા છે અને પ્રજાને ત્રાસ આપી રહ્યા છે.
ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યુ કે, સરકારને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે આત્મમંથન કરવું જોઈએ. ગેરકાયદે કામો માટે પોલીસ તંત્રનો દુરૂપયોગ બંધ કરવો જોઈએ. હપ્તાખોરી અને ત્રાસના કારણે અત્યાચારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે ગુજરાતના લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી કે, જ્યાં જ્યાં અન્યાય થાય છે, ત્યાં ન્યાય માટે લડત આપવી પડશે. હું વચન આપું છું કે જ્યાં જરૂર પડશે, ત્યાં હું પણ સાથે રહીશ.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
કીર્તન વસાવાએ આત્મહત્યા કરતાં પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તેણે આ પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે 'મારા પર આ લોકો ખોટા કેસ બનાવે છે. હું પહેલાં દારૂ વેચતો હતો પણ મેં ચાર મહિનાથી બધુ બંધ કરી દીધું છે. એક કેસ તો મેં કબૂલ કરી લીધો છે. તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને મને ખોટો ફસાવે છે. રાતના મારી છોકરી, મારી વાઈફ અને મારી બહેનને પણ લઈ ગયાં હતાં. રોજ ઘરે આવે છે. બધું ચેક કરે છે. મારા ઘરનાઓને પણ અપશબ્દો બોલે છે. આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહીં કરૂ તો રૂપિયા માગે છે. ગામમાં મને રહેવા જેવો નથી રાખ્યો. એટલે હું દવા પીને મારૂ જીવન ટૂંકાવું છું. મારા ગયા પછી મારા ઘરવાળાને હેરાન ના કરે. બસ આ મારી અરજી SP સાહેબ પાસે જઈને યોગ્ય પગલાં લેવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.