રથયાત્રા અને કોમી એકતાની અનોખી મિશાલ
વસંત-રજબની શહાદત, જેણે અમદાવાદને હિંસાની આગમાંથી બચાવ્યું

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે અમદાવાદની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતીક. દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રામાં લાખો ભક્તો જોડાય છે. આજે જ્યારે અમદાવાદ 149મી રથયાત્રાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઇતિહાસના પાનાઓમાં દટાયેલી એક એવી શહાદતને યાદ કરવી અત્યંત આવશ્યક છે, જેણે આ શહેરમાં કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. આ કથા છે બે મિત્રો વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણીની, જેમણે રથયાત્રા દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં માનવતાને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
વર્ષ 1946: જ્યારે રથયાત્રા બની હતી કોમી સંઘર્ષનું નિમિત્ત
અમદાવાદમાં છેલ્લા 149 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, પરંતુ વર્ષ 1946 નો સમયગાળો કંઈક અલગ હતો. દેશ આઝાદીના ઉંબરે હતો અને મુસ્લિમ લીગના 'ડાયરેક્ટ એક્શન'ના એલાનને કારણે શહેરનું વાતાવરણ પહેલેથી જ તંગ હતું. તે સમયે કાલુપુરની રાજમહેલ હોટલ પાસે રથયાત્રા પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ નાની એવી તકરાર જોતજોતામાં હિંસક કોમી રમખાણોમાં ફેરવાઈ ગઈ. રતનપોળ, માણેકચોક, રાયખડ અને જમાલપુર જેવા વિસ્તારો હિંસા અને આગની જ્વાળાઓમાં સપડાયા હતા.
મિત્રતાની એવી મિશાલ કે જેને કાળ પણ ભૂલી ન શકે
જ્યારે શહેર હિંસાની આગમાં બળી રહ્યું હતું, ત્યારે વસંતરાવ અને રજબ અલી નામના બે જીગરી દોસ્તોએ શાંતિનો માર્ગ પસંદ કર્યો. ગાંધીવાદી વિચારોમાં ઉછરેલા આ બંને યુવાનો પોતાની કોમના લોકોને સમજાવવા અને હિંસા રોકવા માટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં નીકળી પડ્યા હતા. 1 જુલાઈ, 1946 ના રોજ, જ્યારે જમાલપુરમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી, ત્યારે આ બંને મિત્રો કોઈની પણ રાહ જોયા વિના શાંતિદૂત બનીને ત્યાં પહોંચ્યા હતા.
આખું અમદાવાદ હચમચી ગયું
હિંસક ટોળાને શાંત કરવા માટે બંનેએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે, "જો તમારે કોઈને મારવા જ હોય, તો પહેલા અમને મારો." આ બલિદાનની ભાવના હિંસક ટોળા પર કોઈ અસર ન કરી શકી. ટોળાએ આવેશમાં આવીને બંને મિત્રો પર પથ્થર, ચાકુ અને ખંજર વડે જીવલેણ હુમલો કર્યો. બીજા દિવસે જ્યારે તેમના મૃતદેહ મળ્યા ત્યારે આખું અમદાવાદ હચમચી ગયું હતું. વસંતરાવના અગ્નિસંસ્કાર દૂધેશ્વરમાં કરવામાં આવ્યા હતા, જ્યારે રજબ અલીને ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
કોણ હતા વસંત અને રજબ?
વસંતરાવ હેગિષ્ટે મહારાષ્ટ્રના મરાઠી પરિવારના હતા. તેઓ માત્ર 15 વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને ગાંધીજીના વિચારો સાથે જોડાયા હતા. તેમણે દાંડીકૂચમાં ભાગ લીધો હતો અને 1932, 1940 તથા 1942 માં આઝાદીની લડાઈ દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો. બીજી તરફ, રજબ અલી લાખાણીનો જન્મ 1919 માં કરાંચીમાં થયો હતો અને તેમનો પરિવાર સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સ્થાયી થયો હતો. રજબ અલી પણ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત હતા અને તેમણે અંગ્રેજોની નોકરી કરવાનો ઇનકાર કરી આઝાદીની લડતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
'બંધુત્વ સ્મારક': શહીદોની યાદને સમર્પિત
આજે સમય પસાર થવા સાથે ઘણા લોકો આ ઘટનાને વિસરી ગયા છે, પરંતુ તેમની શહાદતને કાયમ માટે જીવંત રાખવા માટે વર્ષ 2015 માં અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે 'બંધુત્વ સ્મારક'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારક આજે પણ અમદાવાદની કોમી એકતાના પ્રતીક તરીકે ઉભું છે. રથયાત્રા દરમિયાન જ્યારે આજે આપણે શાંતિ અને ભાઈચારાની વાત કરીએ છીએ, ત્યારે વસંત અને રજબનું બલિદાન યાદ આવવું અનિવાર્ય છે. તેઓએ સાબિત કર્યું હતું કે મિત્રતા અને માનવતા કોઈ પણ ધર્મ કે જાતિ કરતાં ઉપર હોય છે. 13 મહિના પછી ભારત આઝાદ થવાનું હતું, પરંતુ આ બે મિત્રોએ તો આઝાદી પહેલા જ માનવતાની ખરી આઝાદીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ