પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનારા મહિલા PSI સસ્પેન્ડ
BNS અને દિવ્યાંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનારા મહિલા PSI સસ્પેન્ડ

પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનારા મહિલા PSI સસ્પેન્ડ
Ahmedabad News: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો પહેલા માનવતાને શર્મસાર કરતી એક સળગતી ઘટના સામે આવી હતી. પોતાની કેબીન ચલાવીને ગુજરાન ચલાવતા એક પ્રજ્ઞાચક્ષુ (બ્લાઇન્ડ) વેપારીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને નિર્દયતાથી ઢોર માર મારનારા મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સોનલ રાઠોડને અંતે ભારે હોબાળા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા (SP) ઓમ પ્રકાશ જાટ દ્વારા આ કડક ખાતાકીય પગલાં લેવામાં આવ્યા છે. સત્તાના નશામાં ચૂર મહિલા અધિકારીએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ આધેડ પર લાકડીઓ અને ગડદાપાટુનો વરસાદ કર્યો હતો, જેને પગલે હવે તેમની સામે કાયદાકીય સિકંજો કસાયો છે.
સમગ્ર વિવાદનું મૂળ: એક પડીકું તૂટવાનો સામાન્ય અવાજ
આ ઘટનાની શરૂઆત અમદાવાદના પંચવટી વિસ્તારથી થઈ હતી. અહીં રહેતા અને પંચવટી પાસે PCO તેમજ નાની કેબીન ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ કેબીન પર નાના-મોટા પડીકા (પેકેટ્સ) વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર, અગાઉ ગુલબાઈ ટેકરા વિસ્તારના કેટલાક છોકરાઓ તેમની કેબીન પર આવીને અવારનવાર પેકેટ્સ તોડી નાખતા હતા અને નુકસાન કરતા હતા. સોમવારના રોજ બપોરના સમયે ગોપાલભાઈ પોતાની કેબીન પર હતા ત્યારે અચાનક પડીકું તૂટવાનો અવાજ આવ્યો હતો. કોઈ બાળક ફરી નુકસાન કરી રહ્યું હોવાની આશંકાથી, અંધ હોવાના કારણે તેમણે અંદાજ લગાવીને અવાજની દિશામાં હાથ લાંબો કર્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા એક સગીર બાળકનો હાથ તેમનાથી પકડાઈ ગયો હતો અને બાળકને સામાન્ય ઈજા કે ટપલી વાગી હતી. આ એક સંપૂર્ણ અકસ્માત અને અજાણતા બનેલી ઘટના હતી.
પોલીસ સ્ટેશન સુધી પહોંચેલો મામલો અને અધિકારીની દાદાગીરી
સગીર બાળકે આ ઘટના અંગે તાત્કાલિક તેના પિતા પ્રતિકભાઈને જાણ કરી હતી. બાળકના પિતા ગુસ્સામાં કેબીન પર દોડી આવ્યા હતા અને અંધ ગોપાલભાઈ સાથે ભારે ગાળાગાળી તેમજ બોલાચાલી કરવા લાગ્યા હતા. ગોપાલભાઈએ પોતાની લાચારી વ્યક્ત કરી સતત માફી માંગી હોવા છતાં બાળકના પિતાનો ગુસ્સો શાંત થયો ન હતો. તેમણે તુરંત જ પોતાની પત્નીને ફોન કર્યો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર કોલ કરીને ફરિયાદ કરી હતી.
7 કલાકથી વધુ સમય સુધી સ્ટેશનમાં બેસાડી રખાયા
કંટ્રોલ રૂમના મેસેજના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. કોલ કરનાર પ્રતિકભાઈ પોલીસ સ્ટેશન આવ્યા બાદ 'હું બાળકને જમાડીને આવું છું' તેમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ આધેડને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. પોલીસ સ્ટાફ દ્વારા તેમની પ્રાથમિક માહિતી લેવામાં આવી રહી હતી અને આ મામલે અરજી પર સમાધાન કરવા માટે બાળકની માતા આવી રહી હોવાનું કહીને ગોપાલભાઈને અંદાજે 7 કલાકથી વધુ સમય સુધી સ્ટેશનમાં બેસાડી રખાયા હતા.
બીજા પોલીસ સ્ટેશનના PSIની ગેરકાયદે એન્ટ્રી અને કસ્ટડીમાં અત્યાચાર
જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સાંજના સમયે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ ત્યાં ધસી આવ્યા હતા. વાસ્તવમાં, જે બાળકને ટપલી વાગી હતી તે બાળક આ મહિલા PSI સોનલ રાઠોડનો જ દીકરો હોવાનું સામે આવ્યું છે. PSI સોનલ રાઠોડ પોતાના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના, પોતાનું ફરજનું સ્થળ (ચાંગોદર) છોડીને ગેરકાયદેસર રીતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા.
અસંવેદનશીલતાની તમામ હદો વટાવી
પોલીસ સ્ટેશનમાં આવતાની સાથે જ તેમણે અસંવેદનશીલતાની તમામ હદો વટાવી દીધી હતી. તેમણે બૂમો પાડતા કહ્યું કે, "ક્યાં છે મારા છોકરાને મારનાર?" એટલું જ નહીં, તેમણે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈને અત્યંત અભદ્ર અને ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેમણે દિવ્યાંગ આધેડને કહ્યું કે, "તું પોઠીયા જેવો છે, તને કેમ દેખાતું નથી?" આટલું કહીને મહિલા PSIએ કાયદો હાથમાં લીધો અને ગોપાલભાઈને બેફામ લાફા, લાતો અને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. મારના કારણે ગોપાલભાઈ નીચે પડી ગયા હોવા છતાં PSI સોનલ રાઠોડનો ગુસ્સો શાંત થયો ન હતો અને તેમણે લાકડી (લાઠી) વડે પણ પ્રજ્ઞાચક્ષુ આધેડને બેરહેમીથી ફટકાર્યા હતા.
સાથી કર્મચારીઓએ રોક્યા છતાં મારઝૂડ ચાલુ રાખી
આ અમાનવીય કૃત્ય સમયે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હાજર હેડ કોન્સ્ટેબલે કાયદાનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથી હેડ કોન્સ્ટેબલે PSI સોનલ રાઠોડને રોકતા વિનંતી કરી હતી કે, "મેડમ, આ વ્યક્તિ દિવ્યાંગ છે, તેમને બંને આંખે દેખાતું નથી, માટે તમે મારો નહીં." આમ છતાં સત્તાના અહંકારમાં અંધ બનેલા મહિલા PSIએ કોઈનું સાંભળ્યું ન હતું અને મારઝૂડ ચાલુ રાખી હતી. પોલીસ સ્ટેશનમાં ભારે દેકારો અને અવાજ થતાં અંતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એસ.આર. બાવા પોતાના રૂમમાંથી બહાર આવ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિ જોઈને PSI સોનલ રાઠોડને કડક શબ્દોમાં ફટકાર્યા હતા અને જણાવ્યું હતું કે, "અહીં જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હોય તે કરો, તમારે કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં લેવાનો નથી." PIની કડકાઈ બાદ મામલો શાંત પડ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ વેપારીની હાલત ગંભીર જણાતા અને ખાસ કરીને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે મામલો દબાવવા માટે ગોપાલભાઈને રાતોરાત તેમની પાર્લર (કેબીન) પર પરત મૂકી દીધા હતા.
ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ અને મીડિયાના કારણે રેલો આવ્યો
પોલીસ સ્ટેશનમાં થયેલા અતિશય શારીરિક અત્યાચારના કારણે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીની તબિયત લથડી હતી. ખાસ કરીને મોઢા અને આંખના ભાગે ગંભીર અસરો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા. ઘટનાના દિવસે રાત્રે જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ ભોગ બનનાર ભારે આઘાતમાં હોવાથી તુરંત ફરિયાદ નોંધી શકાઈ ન હતી. બીજી તરફ, આ ચકચારી મામલો મીડિયામાં પ્રકાશિત થઈ જતાં અને સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ ફાટી નીકળતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોતાની નોકરી પર જોખમ હોવાનો અહેસાસ થતાં જ મહિલા PSI સોનલ રાઠોડે બીજા દિવસે એટલે કે 2 જૂનના રોજ મામલો થાળે પાડવા અને ભીનું સંકેલવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા.
પાપ છુપાવવા સમાધાન માટે પીડિતના ઘરે દોડ્યા
પોતે કાયદાકીય કુંડાળામાં ફસાયા હોવાનું સમજાતા PSI સોનલ રાઠોડે એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેમણે સૌપ્રથમ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કેદી જાપ્તાની ફરજ બજાવતા કૃણાલ નામના એક પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કર્યો હતો. સોનલ રાઠોડે આ કોન્સ્ટેબલ કૃણાલને પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે વાતાવરણ સરખું કરવા મોકલ્યા હતા અને પોતે ઘરની બહાર ઉભા રહી રાહ જોતા હતા. જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ પોતાના ઘરે પહોંચ્યા, ત્યારે મહિલા PSI પણ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા.
મીડિયાને જોઈ ભાગ્યા
પરિવારજનો સામે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમણે બહાનાબાજી કરતા કહ્યું કે, "હું અત્યારે ખૂબ જ ગિલ્ટી ફીલ (પસ્તાવો) કરી રહી છું એટલે તમારા ઘર સુધી આવી છું. મારો દીકરો પડી ગયો હતો અને એનો કાન પણ સુજી ગયો છે, હું તો બહારગામ હતી." આ રીતે તેઓ ભાવનાત્મક કાર્ડ રમીને સમાધાન માટે દબાણ કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે ત્યાં મીડિયા ટીમ પહોંચી ગઈ હતી. મીડિયાના પ્રતિનિધિઓએ જ્યારે સોનલ રાઠોડને તેમની ગેરકાયદેસર હાજરી અને મારઝૂડ અંગે તીખા સવાલો પૂછ્યા, ત્યારે મહિલા PSI કોઈ પણ જવાબ આપ્યા વિના ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા.
અંતે એસપી દ્વારા સસ્પેન્શનનો ઓર્ડર અને કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો
ઘટનાના 24 થી 48 કલાક સુધી પીડિત પ્રજ્ઞાચક્ષુ વેપારીની ફરિયાદ નોંધવામાં સ્થાનિક પોલીસ દ્વારા આનાકાની કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા હતા. 3 જૂનના રોજ માંડ-માંડ પોલીસ દ્વારા ગોપાલભાઈનું વિધિવત નિવેદન લેવામાં આવ્યું હતું. આજે, સમગ્ર ઘટનાના 4 દિવસ બાદ પોલીસ પ્રશાસનને નમવું પડ્યું છે અને સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI દ્વારા આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને એક વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે ચાંગોદરના PSI સોનલ રાઠોડે સક્ષમ અધિકારીની મંજૂરી વિના સ્ટેશન છોડ્યું હતું અને કસ્ટડીમાં રહેલા દિવ્યાંગ વ્યક્તિ સાથે અમાનવીય તેમજ અસંવેદનશીલ વર્તન કર્યું છે. આ રિપોર્ટના આધારે ગ્રામ્ય એસપીએ તાત્કાલિક અસરથી સોનલ રાઠોડને તેમની ફરજ પરથી સસ્પેન્ડ (ફરજ મોકૂફ) કરવાનો હુકમ કર્યો છે. મહિલા PSI સોનલ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ ખાસ કરીને દિવ્યાંગોના રક્ષણ માટેના વિશેષ કાયદા 'રાઇટ ટુ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ' હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ એક્ટ હેઠળ ગુનેગાર સાબિત થવા પર ઓછામાં ઓછી 6 મહિનાથી લઈને મહત્તમ 5 વર્ષ સુધીની સખત જેલની સજાની જોગવાઈ છે.
આ મામલે એસીપી (ACP) એચ.એમ. કણસાગરાએ મીડિયાને જણાવ્યું કે, "દિવ્યાંગ આધેડને આ પ્રકારે પોલીસ સ્ટેશનમાં આવીને માર મારવો એ અત્યંત અયોગ્ય અને કાયદાની વિરુદ્ધ છે. હાલમાં આ કેસની તટસ્થ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તમામ જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ગુનાની તપાસના ભાગરૂપે ઘટના સમયે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસ કર્મચારીઓ, હેડ કોન્સ્ટેબલ અને અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવશે." પીડિત ગોપાલભાઈ દરજીએ પણ ન્યાયની આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમની સાથે જે અન્યાય થયો છે તેની તેમણે ફરિયાદ નોંધાવી દીધી છે અને તેઓ કડક પગલાંની માંગ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

‘લોકશાહીની રક્ષા કાજે’ કાર્યક્રમમાં OBC, SC, ST અને લઘુમતી સમાજના અધિકારોથી લઈને મહિલાઓની ભૂમિકા સુધી અનેક મહત્વના મુદ્દા ચર્ચાયા

ચકાસણી માટે 1,776 અરજીઓ આવી હતી, જેમાંથી 619 પર કાર્યવાહી થઈ છે. હવે સવાલ એ છે કે નકલી પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી કે અન્ય લાભ મેળવનારાઓનું શું થશે?

અમદાવાદથી ગાંધીનગર સુધી ખળભળાટ! 3 સ્કૂલો અને કોર્ટને અચાનક કેમ ખાલી કરાવ્યા? વાલીઓને તાત્કાલિક બાળકોને લેવા બોલાવાયા અને બોમ્બ સ્ક્વોડ-પોલીસની ટીમો પહોંચી ગઈ.