Ahmedabad Gym Lounge Fraud: અમદાવાદમાં જાણીતા ‘જિમ લોન્જ’ની 10 વર્ષની મેમ્બરશિપની બંધ થઈ ગયેલી સ્કીમ ફરીથી ચાલુ રાખીને 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 1.66 કરોડથી વધુની રકમ મેળવ્યાનો કથિત મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, જિમના માલિકની ગેરહાજરી દરમિયાન બે કર્મચારીઓએ બંધ થયેલી મેમ્બરશિપ ઓફર ચાલુ રાખી હતી. ગ્રાહકો પાસેથી રોકડ અને UPI દ્વારા રકમ લેવામાં આવી હતી. આ મામલે જિમના બે કર્મચારીઓ સહિત ત્રણ લોકો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રૂ. 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપની ઓફર હતી
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા વિજય સેંગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ‘જિમ લોન્જ’ નામથી જિમ ચલાવે છે અને તેની અનેક શાખાઓ આવેલી છે. જિમના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી રૂ. 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપની ખાસ ઓફર શરૂ કરવામાં આવી હતી. 10 જુલાઈએ ઓફર પૂર્ણ થયા બાદ આ મેમ્બરશિપ સ્કીમ બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રાહકો પાસેથી નિયમિત દર મુજબ મેમ્બરશિપ ફી લેવાની હતી.
માલિક બહારગામ ગયા બાદ બંધ સ્કીમ ચાલુ રાખ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, ઓફર પૂરી થયા બાદ વિજય સેંગર નવા પ્રોજેક્ટના કામ માટે આશરે બે મહિના બહારગામ ગયા હતા. આ દરમિયાન જિમની જવાબદારી સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સોંપવામાં આવી હતી. વિજય સેંગર 10 સપ્ટેમ્બરે પરત આવ્યા ત્યારે કેટલાક ગ્રાહકો 10 વર્ષના મેમ્બરશિપ પેમેન્ટના પુરાવા સાથે જિમમાં આવ્યા હતા. જોકે તપાસ કરતાં આ પૈસા જિમના સત્તાવાર બેંક ખાતામાં જમા થયા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ પછી તપાસમાં બંધ કરાયેલી રૂ. 10 હજારની 10 વર્ષની મેમ્બરશિપ સ્કીમ ફરીથી ચાલુ રાખવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. ફરિયાદ મુજબ, જૈનિશ શુક્લા અને મનીષ શર્માએ જિમની અલગ અલગ શાખાના કર્મચારીઓને પણ સ્કીમ ચાલુ હોવાની જાણ કરી હતી.
UPI અને રોકડથી મેમ્બરશિપ ફી વસૂલવાનો આરોપ
ફરિયાદમાં આક્ષેપ છે કે મનીષ શર્મા ગ્રાહકોને 10 વર્ષની મેમ્બરશિપ સ્કીમ વિશે માહિતી આપતો હતો અને તેમની પાસેથી UPI તથા રોકડ મારફતે રકમ મેળવી મેમ્બરશિપ આપતો હતો. આ ઉપરાંત જૈનિશ શુક્લાએ પોતાની પત્ની ભારતી શુક્લા સાથે જિમમાં ભાગીદારી દર્શાવતો કથિત ખોટો કરાર તૈયાર કર્યો હોવાનો પણ આરોપ છે. ફરિયાદ મુજબ, આ કરારના આધારે ‘જિમ લોન્જ’ના નામ સાથે મળતું આવતું બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું અને તેમાં પણ ગ્રાહકોની મેમ્બરશિપની રકમ જમા કરવામાં આવતી હતી.
1500થી વધુ ગ્રાહકો પાસેથી 1.66 કરોડથી વધુની રકમ
ફરિયાદ અનુસાર, જૈનિશ શુક્લા, મનીષ શર્મા અને ભારતી શુક્લાએ મળીને 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 1.66 કરોડથી વધુની મેમ્બરશિપ રકમ મેળવી હોવાનો આક્ષેપ છે. આ રકમ રોકડ, UPI અને બેંક ખાતા મારફતે લેવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે. મામલો સામે આવ્યા બાદ વિજય સેંગરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન બેંક ખાતાની વિગતો, UPI વ્યવહારો, રોકડ વસૂલાત, ગ્રાહકોની મેમ્બરશિપ અને સમગ્ર મામલામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ માહિતી સામે આવી શકે છે.