અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સફાળી જાગી
ચાંગોદરમાં ફટાકડાના ગેરકાયદે ગોડાઉન પર પોલીસના દરોડા, 39.57 કરોડનો જથ્થો જપ્ત, બેની ધરપકડ

અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સફાળી જાગી

અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સફાળી જાગી
Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 10 લોકોના કરુણ મોતની ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ સફાળી જાગી ગઈ છે. આ દુર્ઘટનાના પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર વિસ્ફોટક અને ફટાકડાનો સંગ્રહ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. મંગળવારે, 21 જુલાઈના રોજ ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા પર આવેલા મટોડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ‘અંબિકા ટ્રેડ લિંક’ નામના સામસામે આવેલા બે ગેરકાયદેસર ગોડાઉનોમાંથી કુલ 65,954 કાર્ટનમાં ભરેલો 39.57 કરોડ રૂપિયાની કિંમતનો વિશાળ ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.
સુરક્ષાના નિયમો નેવે મૂકી પતરાના શેડ પાછળ છુપાવવામાં આવ્યો હતો જથ્થો
ચાંગોદર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ અને લોબીમાં ફટાકડાના બોક્સ ખડકવામાં આવ્યા હતા અને લોકોની નજરથી બચાવવા માટે શેડની આગળ જાડું કપડું કે પડદો બાંધી દેવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ કરવા છતાં સ્થળ પર સુરક્ષાના નામે માત્ર દરવાજા પાસે ફાયર સેફ્ટીની અછૂતી બોટલો અને રેતી ભરેલી ડોલો જ મૂકવામાં આવી હતી. ગોડાઉનની ક્ષમતા અને ફટાકડાના જથ્થાને ધ્યાનમાં રાખીને અગ્નિશામક વ્યવસ્થા અત્યંત અપૂરતી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતી 'વોટર-સ્પ્રિન્કલર' સિસ્ટમ પણ ત્યાં જોવા મળી ન હતી. જો આ ગોડાઉનમાં નાની સરખી પણ ચિનગારી જાગી હોત તો આસપાસના સમગ્ર વિસ્તારમાં ભયાનક તારાજી સર્જાઈ શકી હોત.
માલિક અનેd મેનેજરની ધરપકડ
પોલીસે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી (રહે. સત્યાગ્રહ સોસાયટી, સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તાર, અમદાવાદ) અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી અમિતકુમાર મોદી અમદાવાદના શિવરંજની ઉપરાંત વડોદરા અને બાવળામાં પણ ‘અંબિકા ફટાકડા’ નામે દુકાનો ધરાવે છે. પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 125 અને 288 તથા વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા હવે આ ફર્મની કાયદેસરતા, લાયસન્સની અધિકૃત સ્થિતિ, મંજૂર ક્ષમતા, મંજૂર નકશો અને અન્ય સંભવિત જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
વસ્ત્રાલ બ્લાસ્ટ કેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર
ઉલ્લેખનીય છે કે, ગત 18 જુલાઈના રોજ અમદાવાદના વસ્ત્રાલ માં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં કુલ 10 નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ ગંભીર કેસમાં અમદાવાદ પોલીસે ગત 20 જુલાઈના રોજ મુખ્ય આરોપીઓ મેહુલ ડોડિયા અને સદિક સૈયદને ઘી કાંટા કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્યમાં ફટાકડા અને વિસ્ફોટકોના ગેરકાયદે સંગ્રહના કારણે વારંવાર સર્જાતી હોનારતોને રોકવા માટે હવે પોલીસ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અને ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ