સુમુલ ડેરી ચૂંટણીમાં 9 બેઠકો માટે પ્રતિષ્ઠાનો જંગ!
ભાજપે 7 બેઠકો બિનહરીફ જીતી, 15 જુલાઈએ મતદાન અને 17 જુલાઈએ મતગણતરી કરાશે

સુમુલ ડેરીની ફાઈલ તસવીર

સુમુલ ડેરીની ફાઈલ તસવીર
Sumul Dairy election in crucial phase: સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો સાથે જોડાયેલી સુમુલ ડેરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ(સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક સમિતિનીની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. બાકીની 9 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાનમાં છે. 15 જુલાઈએ મતદાન યોજાશે અને 17 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે.
15 જુલાઈએ મતદાન, 17 જુલાઈએ મતગણતરી
મતદાન સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વિવિધ તાલુકા મથકો પર યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સીલ કરવામાં આવશે. 17 જુલાઈએ સવારે 11 વાગ્યાથી સુમુલ ડેરીના બેન્કવેટ હોલમાં ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે.
23 સહકારી આગેવાનો મેદાનમાં
વાલોડ બેઠક પરથી રાજકુમાર આહિર, ઉચ્છલ બેઠક પરથી જલમસિંગ વસાવા, બારડોલી બેઠક પરથી અજીત પટેલ, માંગરોલ બેઠક પરથી રાજુ પાઠક, પલસાણા બેઠક પરથી ભરતસિંહ સોલંકી, ચોર્યાસી બેઠક પરથી સંદિપ દેસાઈ અને કામરેજ બેઠક પરથી બળવંત પટેલ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ડોલવણ, સોનગઢ, વ્યારા, કુકરમુંડા, નિઝર, ઉમરપાડા, મહુવા, માંડવી અને ઓલપાડ બેઠક પર ચૂંટણી યોજાશે. ડોલવણમાં 2, સોનગઢમાં 4, વ્યારામાં 2, કુકરમુંડામાં 3, નિઝરમાં 2, ઉમરપાડામાં 2, મહુવામાં 4, માંડવીમાં 2 અને ઓલપાડમાં 2 ઉમેદવારો મેદાનમાં છે.
કોંગ્રેસના ઉમેદવારનું મોત થતાં ભાજપે જીત મેળવી
ઉચ્છલ બેઠક પર 10 વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ગામિત જીતતા હતાં. આ વર્ષે કોંગ્રેસ સામે બળવો કરી સુનિલ ગામિતે પણ ઉચ્છલ બેઠક પરથી દાવેદારી કરી હતી. કોંગ્રેસે સુનિલ ગામિતને મનાવી લેતાં તેમણે 3 જૂલાઈના રોજ ફોર્મ પરત ખેંચી લીધું હતું. જ્યારે 4 જૂલાઈએ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ચાર જૂલાઈના રોજ સુનિલ ગામિતનું અવસાન થતાં બીજેપીના ઉમેદવાર જલમસિંગ વસાવા બિનહરીફ જીતી ગયા હતાં. કોંગ્રેસે ચૂંટણી અધિકારી સામે વાંધા અરજી કરી કોંગ્રેસના ઉમેદવારનું મોત થતાં ફરીથી ચૂંટણી કરાવવાની રજૂઆત કરી છે.
ભાજપે ચૂંટણીને બનાવી પ્રતિષ્ઠાનો મુદ્દો
સુમુલ ડેરીની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. ભાજપ સમર્થિત પેનલને જીતાડવા માટે પ્રદેશ અને જિલ્લા કક્ષાના અનેક નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પક્ષ તરફથી પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સહકારી બિપિન પટેલ, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ગૌતમ ગેડિયા અને જગદીશ પટેલ સહિતના આગેવાનો પ્રચારમાં જોડાયા છે.
મુકેશ પટેલ અને ગણપત વસાવાને સોંપાઈ જવાબદારી
ભાજપે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને ચૂંટણીના કન્વીનર તરીકે જવાબદારી સોંપી છે. બંને નેતાઓ સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું સંકલન કરી રહ્યા છે અને ભાજપ સમર્થિત ઉમેદવારોને જીતાડવા માટે સંગઠનને સક્રિય બનાવી રહ્યા છે.
નવ બેઠકો પર 697 મતદારો મતદાન કરશે
સૌથી રસપ્રદ જંગ બાકી રહેલી 9 બેઠકો પર જોવા મળી રહ્યો છે. વિવિધ તાલુકાઓમાં મતદારોની સંખ્યા અને સ્થાનિક સમીકરણોને કારણે દરેક બેઠક પર સ્પર્ધા તીવ્ર બની છે. સૌથી વધુ સોનગઢ બેઠક પર 176 મતદારો છે. જ્યારે સૌથી ઓછા ઓલપાડ બેઠક પર 42 મતદારો છે. માંડવી બેઠક પર 126, મહુવા બેઠક પર 65, ઉમરપાડા બેઠક પર 61, નિઝર બેઠક પર 51, કુકરમુંડા બેઠક પર 43, વ્યારા બેઠક પર 90 અને ડોલવણ બેઠક પર 43 મતદારો મતદાન કરશે.
સહકારી રાજકારણ માટે મહત્વની ચૂંટણી
સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી પ્રભાવશાળી સહકારી સંસ્થાઓમાંની એક છે. હજારો દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે સીધો સંબંધ હોવાથી આ ચૂંટણીનું રાજકીય અને સહકારી ક્ષેત્રે વિશેષ મહત્વ છે. આગામી પાંચ વર્ષ માટે ડેરીનું નેતૃત્વ કોણ સંભાળશે તે આ ચૂંટણીના પરિણામોથી નક્કી થશે.
17 જુલાઈએ થશે ચિત્ર સ્પષ્ટ
બિનહરીફ ચૂંટાયેલી 7 બેઠકો બાદ હવે તમામની નજર બાકી રહેલી 9 બેઠકોના પરિણામો પર છે. 17 જુલાઈએ મતગણતરી પૂર્ણ થયા બાદ નવી વ્યવસ્થાપક સમિતિનું ચિત્ર સ્પષ્ટ થશે અને સુમુલ ડેરીના આગામી સુકાની કોણ બનશે તે નક્કી થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ