કચ્છમાં 41 વર્ષ અગાઉ કોંગ્રેસના નેતા મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ઈભલા શેઠને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત ઠર્યા છે. ભુજની એડિશનલ ચીફ કોર્ટે કુલદીપ શર્માને દોષિત ઠેરવી 3 મહિનાની સજા ફટકારી છે. વર્ષ 1984માં કચ્છના તત્કાલિન એસપી કુલદીપ શર્મા સહિત 3 પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
કચ્છના અબડાસા તાલુકાના કોંગ્રેસી નેતા મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ઈભલા શેઠ અબડાસાના તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર જોષી સાથે નલિયામાં નોંધાયેલા એક કેસમાં પોલીસ હેરાનગતિ કરતી હોવા મુદ્દે એસપી કુલદીપ શર્માને મળવા ગયા હતા. તા.6-5-1984ના રોજ એસપી કુલદીપ શર્માની ચેમ્બરમાં વ્યક્તિઓની ઓળખાણ મુદ્દે ઈભલા શેઠ સાથે કુલદીપ શર્માને બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી થતાં કુલદીપ શર્માએ અન્ય પોલીસ અધિકારીઓને બોલાવી ઈભલા શેઠને ચેમ્બરમાં અપશબ્દો બોલી માર માર્યો હતો.
આ મામલે શંકર ગોવિંદજી જોષીએ કુલદીપ શર્મા, બી.એન.ચૌહાણ, પી.એસ.બિશ્નોઈ અને ગીરીશ વસાવડા સામે ભુજની ચીફ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ચીફ કોર્ટ, સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ સમગ્ર કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગય હતો. ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટમાં કેસ ચાલ્યો હતો. સુપ્રીમકોર્ટે આ કેસની ઝડપી સુનાવણી કરવા આદેશ કર્યો હતો. કેસના ચાર આરોપીઓ પૈકી બી.એન.ચૌહાણ અને પી.એસ.બિશ્નોઈનું સુનાવણી દરમિયાન મોત થયુ હતુ. જ્યારે અન્ય બે આરોપીઓ કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડા સામે કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યુ હતુ. ફરિયાદ પક્ષનો પુરાવો નોંધાયા બાદ આરોપીઓના નિવેદન નોંધી 28 જાન્યુઆરી 2025ના રોજ કોર્ટે આખરી સુનાવણી પૂર્ણ કરી હતી. જ્યારે 10 ફેબ્રુઆરીના રોજ કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે સોમવારે ઉઘડતી કોર્ટે કેસનો ચુકાદો આપી ભુજની એડિશનલ ચીફ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને દોષિત ઠેરવી ત્રણ મહિનાની સજા ફટકારી છે. વર્ષ 1984માં નોંધાયેલા મારામારીના કેસમાં 41 વર્ષે ચુકાદો આપીને પૂર્વ DGP કુલદીપ શર્માને સજા સંભળાવી છે.