Bollywood Actor Ranveer Singhના પરિવારમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતાના નાના ડૉ. રામ હિંગોરાનીનું દિવાળીના પવિત્ર દિવસે 96 વર્ષની વયે નિધન થયું છે. 8 નવેમ્બરે લક્ષ્મી પૂજન દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રણવીરની પિતરાઈ બહેન સૌમ્યા હિંગોરાનીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને તેમના નિધનના સમાચાર આપ્યા છે. આ સાથે તેમણે નાના સાથે જોડાયેલી કેટલીક જૂની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. સૌમ્યાએ પોતાના નાનાને યાદ કરતાં તેમને 'રોકસ્ટાર' ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે 96 વર્ષનું જીવન શોક નહીં, પરંતુ ઉજવણી કરવા જેવું છે. તેમની આ પોસ્ટે પરિવારના સભ્યોની સાથે ચાહકોને પણ ભાવુક કરી દીધા છે.
સૌમ્યા હિંગોરાનીએ શેર કરી નાનાની છેલ્લી યાદો
મંગળવારે રાત્રે સૌમ્યા હિંગોરાનીએ ઇન્સ્ટાગ્રામ પર ડૉ. રામ હિંગોરાની સાથેની કેટલીક યાદગાર તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. પરિવારમાં બધા તેમને પ્રેમથી 'નાનુ' કહીને બોલાવતા હતા. પોસ્ટમાં સૌમ્યાએ લખ્યું હતું કે તેમના 96 વર્ષના નાનાએ દિવાળીના દિવસે શાંતિપૂર્વક દુનિયાને અલવિદા કહ્યું. લક્ષ્મી પૂજા દરમિયાન જીવનની અંતિમ ક્ષણો વિતાવવી તેમના માટે સૌથી શુભ વિદાય હતી. તેમણે ભાવુક અંદાજમાં લખ્યું કે હવે તેમના નાના ફરીથી દાદી સાથે જોડાઈ ગયા છે. સૌમ્યાએ વધુમાં લખ્યું કે દુનિયાના શ્રેષ્ઠ નાના બનવા અને પરિવારને બધું આપવા બદલ તેઓ હંમેશાં આભારી રહેશે. તેમણે નાનાને ફરી મળવાની આશા સાથે આઈસ્ક્રીમનો એક સ્કૂપ બચાવી રાખવાનું પણ કહ્યું હતું.
93 વર્ષની ઉંમરે પણ નાનાનો હતો જબરદસ્ત સ્વેગ, રણવીરે ગણાવ્યા હતા 'રોકસ્ટાર'
રણવીર સિંહ અને તેમના નાના વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતો. અભિનેતા અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા હતા. વર્ષ 2023માં ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના પ્રમોશન દરમિયાન રણવીરે નાનાનો એક મજેદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં 93 વર્ષના ડૉ. રામ હિંગોરાની ફિલ્મના લોકપ્રિય ગીત 'ક્યા ઝુમકા' પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમણે 'ટીમ રોકી' લખેલું ટી-શર્ટ પણ પહેર્યું હતું. આ વીડિયોમાં તેઓ મજાકિયા અંદાજમાં રણવીરને ટિક્કી ભૂલીને પોતાના માટે ટેકિલા લાવવાનું કહેતા સંભળાયા હતા. આ વીડિયો શેર કરતી વખતે રણવીરે નાનાને અસલી 'રોકસ્ટાર' ગણાવ્યા હતા.
93 વર્ષની ઉંમરે પણ કર્યું હતું મતદાન
ડૉ. રામ હિંગોરાની માત્ર મોજમસ્તી માટે જ નહીં, પરંતુ પોતાની જવાબદારીઓ પ્રત્યેની નિષ્ઠા માટે પણ જાણીતા હતા. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન રણવીરે તેમના નાનાની એક તસવીર શેર કરી હતી. કાળઝાળ ગરમી અને હીટવેવ વચ્ચે પણ 93 વર્ષના ડૉ. રામ હિંગોરાની મતદાન કરવા પહોંચ્યા હતા. આ તસવીર શેર કરતાં રણવીરે લખ્યું હતું કે બહાર 93 ડિગ્રી તાપમાન હોવા છતાં તેમના નાનાએ મતદાન કરવાની જવાબદારી નિભાવી હતી. તેમણે નાનાને ફરી એકવાર 'મારા રોકસ્ટાર નાના' કહીને સંબોધ્યા હતા.
મુંબઈના જાણીતા ડૉક્ટર હતા ડૉ. રામ હિંગોરાની
ડૉ. રામ હિંગોરાની વ્યવસાયે ફિઝિશિયન હતા અને મુંબઈમાં તેમનું સન્માન હતું. તેઓ પરિવાર ઉપરાંત પોતાના મિત્રો અને પરિચિતોમાં પણ લોકપ્રિય હતા. અભિનેતા સંજય કપૂરે પણ એક વખત રણવીરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં બાળપણમાં ડૉ. હિંગોરાની પાસેથી ઇન્જેક્શન લીધાની યાદ તાજી કરી હતી.
દીપિકા અને રણવીરે દીકરી દુઆની પહેલી ઝલક શેર કરી હતી
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સપ્ટેમ્બર 2024માં દીકરી દુઆનું સ્વાગત કર્યું હતું. આ કપલ સામાન્ય રીતે પોતાના અંગત જીવનને ખાનગી રાખે છે, પરંતુ ખાસ પ્રસંગોએ ચાહકો સાથે પરિવારની ખુશીઓ શેર કરે છે. તાજેતરમાં દશેરાના અવસરે બંનેએ દીકરી દુઆની પહેલી ઝલક પણ બતાવી હતી.
'ધુરંધર' બાદ હવે 'પ્રલય'માં જોવા મળશે રણવીર સિંહ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ હવે પોતાની આગામી ફિલ્મ 'પ્રલય'ને લઈને ચર્ચામાં છે. જય મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક પોસ્ટ-એપોકેલિપ્ટિક સર્વાઇવલ થ્રિલર છે. ફિલ્મની વાર્તા વિનાશ બાદની મુંબઈ નગરી અને ઝોમ્બી હુમલા વચ્ચે જીવતા રહેવા સંઘર્ષ કરતા લોકોની આસપાસ ફરે છે. આ ફિલ્મ રણવીર માટે ખાસ છે, કારણ કે 'મા કસમ ફિલ્મ્સ'ના બેનર હેઠળ તેઓ નિર્માતા તરીકે પણ નવી શરૂઆત કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં અનન્યા બિરલાનું બિરલા સ્ટુડિયો અને હંસલ મહેતા-સાહિલ સહગલની ટ્રુ સ્ટોરી ફિલ્મ્સ પણ સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં કલ્યાણી પ્રિયદર્શન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ પ્રોજેક્ટ દ્વારા તેઓ હિન્દી સિનેમામાં પદાર્પણ કરશે. હવે ચાહકોને રણવીરની આ નવી ફિલ્મની સાથે તેમના આગામી અભિનયની પણ આતુરતાથી રાહ છે.