Gunmaster G9 Trailer Release Date Announced: બોલિવૂડ અભિનેતા Emraan Hashmiની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ગનમાસ્ટર G9'ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં હવે તેના ટ્રેલરની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ઇમરાન હાશ્મીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે 'ગનમાસ્ટર G9'નું સત્તાવાર ટ્રેલર 11 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે. જ્યારે આ ફિલ્મ 27 નવેમ્બરે સિનેમાઘરોમાં દસ્તક આપશે.
11 નવેમ્બરે આવશે 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર
ઇમરાન હાશ્મીએ ફિલ્મના ટ્રેલર અંગે અપડેટ આપતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું, "એક માણસ, એક વાર્તા અને G9ની દુનિયા. હવે સમય આવી ગયો છે કે બધું જીવંત થાય." આ જાહેરાત બાદ ફિલ્મના ટ્રેલરને લઈને ચાહકોની ઉત્સુકતા વધી છે. ફિલ્મની રિલીઝ ડેટ 27 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. એટલે ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોને ફિલ્મની વાર્તા, એક્શન અને પાત્રોની વધુ ઝલક જોવા મળશે.
પોસ્ટરમાં ઇમરાન હાશ્મીનો લોહીલુહાણ લુક
ઇમરાન હાશ્મીએ શેર કરેલા 'ગનમાસ્ટર G9'ના પોસ્ટરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પોસ્ટરમાં ઇમરાન હાશ્મી અને જેનેલિયા ડિસોઝા એકબીજાની સામે જોઈ રહ્યાં છે. ઇમરાનના હાથમાં બંદૂક છે અને તેમના ચહેરા પર લોહીના નિશાન જોવા મળે છે. આ લુક ફિલ્મમાં ભરપૂર એક્શન અને થ્રિલરનો અંદાજ આપે છે. આદિત્ય દત્તના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને જેનેલિયા ડિસોઝા ઉપરાંત અપારશક્તિ ખુરાના તથા સ્નેહિલ દીક્ષિત મહેરા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગ દરમિયાનના કેટલાક દૃશ્યો અગાઉ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા. ખાસ કરીને ઇમરાન અને જેનેલિયાની નવી જોડી દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.
ઇમરાન અને જેનેલિયાના આગામી પ્રોજેક્ટ્સ
ઇમરાન હાશ્મી અગાઉ 'આવારાપન 2', 'હક', 'ટાઇગર 3', 'એ વતન મેરે વતન', 'ધ ડર્ટી પિક્ચર', 'મર્ડર 2' અને 'જન્નત 2' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હવે 'ગનમાસ્ટર G9' ઉપરાંત તેમની અન્ય ફિલ્મો પણ ચર્ચામાં છે. બીજી તરફ, જેનેલિયા ડિસોઝા છેલ્લે મરાઠી ફિલ્મ 'રાજા શિવાજી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે રિતેશ દેશમુખ સાથે કામ કર્યું હતું. હવે 'ગનમાસ્ટર G9'માં ઇમરાન હાશ્મી સાથેની તેમની જોડી કેવી જોવા મળશે, તેના પર દર્શકોની નજર રહેશે. હાલ તો 11 નવેમ્બરે રિલીઝ થનારા ટ્રેલર અને 27 નવેમ્બરે સિનેમાઘરોમાં આવનારી 'ગનમાસ્ટર G9'ને લઈને બોલિવૂડમાં ચર્ચા તેજ બની છે.