KBC વિવાદ પર ગુજ્જુ બોય ઈશિતની માફી, ભૂલ સ્વીકારી
અમિતાભ બચ્ચન સાથેના વર્તનથી ટ્રોલ થયા બાદ ગાંધીનગર ઈશિતે ભટ્ટે નમ્રતા સ્વીકારી.

KBC વિવાદ પર ગુજ્જુ બોય ઈશિતની માફી

KBC વિવાદ પર ગુજ્જુ બોય ઈશિતની માફી
'કૌન બનેગા કરોડપતિ' (KBC)ના 'ચિલ્ડ્રન સ્પેશિયલ' એપિસોડમાં પોતાના ઓવર-કોન્ફિડન્સ અને અમિતાભ બચ્ચન સાથેના આચરણને કારણે ભારે ટીકાનો સામનો કરી રહેલા ગાંધીનગરના ધોરણ 5ના વિદ્યાર્થી ઈશિત ભટ્ટે આખરે જાહેર માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા બાદ આ 'ગુજ્જુ બોય'એ પોતાના વર્તન પર પસ્તાવો વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં વધુ આદર અને નમ્રતા સાથે વર્તન કરવાનું વચન આપ્યું છે.
ઇશિત ભટ્ટે લખ્યું, "કૌન બનેગા કરોડપતિમાં મારા વર્તન બદલ હું દિલથી માફી માગું છું. હું જાણું છું કે મેં જે રીતે વાત કરી એના કારણે ઘણા લોકોને દુઃખ, નિરાશા અથવા અપમાનજનક લાગ્યું અને મને ખરેખર એનો પસ્તાવો છે."
બાળકે સ્વીકાર્યું કે "અમિતાભ બચ્ચન સરની સામે બેસીને હું ખૂબ જ ગભરાઈ (નર્વસ) ગયો હતો અને મારો એટિટ્યૂડ સંપૂર્ણપણે ખોટી રીતે બહાર આવ્યો. ઉદ્ધત વર્તન કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો. હું અમિતાભ સર અને KBCની પૂરી ટીમનું ખૂબ જ સન્માન કરું છું."
"મેં ખૂબ મોટો બોધપાઠ શીખ્યો છે કે આપણા શબ્દો અને એક્શન કેવી રીતે આપણા વ્યક્તિત્વને દર્શાવે છે. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું વધુ નમ્ર બનીશ, આદર આપીશ અને વિચારીને બોલીશ."
સમગ્ર ઘટના
થોડા સમય પહેલાં KBCમાં આવેલો ઇશિત ભટ્ટ ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે તેણે અમિતાભ બચ્ચનને રમતનાં નિયમો સમજાવવાની ના પાડી દીધી હતી અને તેમને સીધા મુદ્દા પર આવવા કહ્યું હતું. ગેમ દરમિયાન પણ ઇશિતે ઘણીવાર 'બિગ બી'ને અટકાવ્યા હતા, જેના કારણે સેટ પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને અમિતાભ બચ્ચનના હાવભાવ પણ બદલાઈ ગયા હતા. ઓવર-કોન્ફિડન્સમાં આવેલા આ બાળકે 'રામાયણ' સંબંધિત પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો અને જીતેલી રકમ પણ ગુમાવી દીધી હતી.
ઘટના બાદ, સોશિયલ મીડિયા યુઝર્સે તેના વર્તનને વખોડી કાઢ્યું, કેટલાક યુઝર્સે તેના સંસ્કારો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
સેલિબ્રિટીઝના મિશ્ર પ્રતિભાવો
આ વિવાદ પર ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી અને બાળકના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ, સિંગર ચિન્મયી શ્રીપદાએ ઇશિતના સમર્થનમાં આવીને નેટીઝન્સ પર બાળકને ટ્રોલ કરવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. ચિન્મયીએ ટ્રોલ કરનારાઓને ગાળો આપનારા અને અપમાનજનક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે એક વધુ પડતા ઉત્સાહી બાળકને નિશાન બનાવવો યોગ્ય નથી.
અમિતાભ બચ્ચને પણ અન્ય એક એપિસોડમાં આડકતરી રીતે કહ્યું હતું કે, "મને ખબર નથી કે આજકાલ બાળકો આવી રીતે કેવી રીતે વાત કરે છે." જોકે, તેમની ટિપ્પણી માત્ર ઇશિત માટે જ હતી કે કેમ, તેની કોઈ પુષ્ટિ થઈ નથી. ઈશિતની માફીએ આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.