ગુજરાત હાઇકોર્ટના તાજેતરના મહત્વપૂર્ણ ચુકાદાએ ગોંડલની રાજનીતિને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધી છે. અનિરુધ્ધસિંહ જાડેજા, જેમની ૨૦ વર્ષની આજીવન કેદ રાજ્ય સરકારે અગાઉ માફ કરી હતી, હવે ફરીથી જેલમાં જવાનું થશે. કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે અધિક પોલીસ મહાનિર્દેશક (જેલ) પાસે આવા નિર્ણયો લેવાનો કોઇ અધિકાર જ નહોતો. આથી સવાલ ઊભો થાય છે કે આ ભૂલ ફક્ત એક અધિકારીની હતી કે પાછળ કોઇ મોટું રાજકીય ગોઠવણ છુપાયેલું છે?
રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આ મામલો ફક્ત કાનૂની નથી. ગોંડલના બાહુબલી નેતાઓ – અનિરુધ્ધસિંહ અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે લાંબા સમયથી ચાલતા સત્તાસંઘર્ષે સરકારને પણ દબાણમાં મૂકી દીધું છે. આ ટક્કર માત્ર વ્યક્તિગત નથી રહી, પણ સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય ગણતરીઓમાં રૂપાંતરિત થઇ ગઈ છે.
વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકાર માટે આ મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે. પાટિદાર સમાજની નારાજગી સહન કરવાની સત્તા પક્ષે ઇચ્છા નથી. જયરાજસિંહે રાજકોટ લોકસભા બેઠક જીતવામાં ભાજપને મહત્વની મદદ કરી હતી, જેના કારણે તેઓ હજુ સુધી સત્તા પક્ષ માટે જરૂરી વ્યક્તિ માનવામાં આવે છે. તેથી અનિરુધ્ધસિંહને ફરીથી જેલમાં મોકલવો સરકારના હિતમાં ગણાયો હોઈ શકે.
ગોંડલમાં રાજકીય ટક્કર એટલી હદે વધી ગઈ છે કે સ્થાનિક સ્તરે લોહિયાળ સંઘર્ષની ભીતિ વ્યક્ત થવા લાગી છે. બન્ને બાહુબલીઓ પોતાના પુત્રોને રાજકારણમાં લાવવા આતુર છે, જેના કારણે હરીફાઈ વધુ કઠોર બનવાની શક્યતા છે. અનિરુધ્ધસિંહ જેલમાં ગયા છતાં તેમના કારોબાર અને પ્રભાવનો અંત થવાનો નથી. અગાઉ પણ તેઓએ જેલમાંથી જ નેટવર્ક ચલાવ્યું હતું.
આથી સરકારે કદાચ તાત્કાલિક શાંતિ મેળવી હશે, પરંતુ ગોંડલમાં જે ઝેરનું બીજ વાવાયું છે તે લાંબા ગાળે રાજકીય હિંસા અને તણાવ રૂપે ઉગતું રહેશે. પ્રશ્ન એ છે કે આ લડતમાં અંતે સાચો વિજેતા કોણ સાબિત થશે?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે