ભારતીય જનતા પક્ષ, જે એક સમયે કાર્યકરોની અવાજને મંચ આપતો અને વિચારધારાના શિસ્તબદ્ધ પક્ષ તરીકે ઓળખાતો હતો, આજે અંદરખાને ઉકળતો ચરૂ દેખાઈ રહ્યો છે. અસંતોષના સૂર ધીરે ધીરે ઉઠી રહ્યા છે—કાર્યકરોને સાંભળવા કોઈ નથી, સ્થાનીક નેતાઓની સમસ્યાઓ ઉકેલવા માં કોઇને રસ નથી લાગતો. પ્રશ્ન એ છે—શું વિચારધારા પર ચાલતો પક્ષ હવે વ્યક્તિવાદના રસ્તે છે?
તાજેતરમાં ઊઠેલા આક્ષેપો ભાજપનું ઘર કોંગ્રેસ કરતાં વધુ શુદ્ધ નથી એ સાબિત કરે છે. કોંગ્રેસના ભ્રષ્ટાચારને હટાવવાની વાતો કરીસત્તા મેળવનાર ભાજપ હવે રસ્તે દોડતો હોય, તેવા અંદરખાનેથી આક્ષેપ થઇ રહ્યાં છે, આજે લુખ્ખાગીરી અને ગેરકાયદેસર કાર્યોના આક્ષેપો લાગી રહ્યા છે. ખોટું કરનારને છાવરવાનું, સામાન્ય નાગરિકોએ આત્મવિલોપનની ધમકી આપવી પડે, તેવી સ્થિતિનું સર્જન થઇ રહ્યુ છે,આ બધું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. અને પક્ષનું શિર્ષ નેતૃત્વ મહાભારતના ભીષ્મ પિતામહ અને વિદુરની ભૂમિકા ભજવી રહ્યું છે—બધું જાણીને પણ મૌન.
ભાવનગરમાં એક નેતાએ સોશિયલ મીડિયામાં ‘ભાજપ હટાવો, દેશ બચાવો’ ની પોસ્ટ મૂકી, દબાણ હેઠળ પોસ્ટ ડિલિટ કરી—પણ આગ બુઝાઈ નહીં. પૂર્વ મંત્રી રમણલાલ વોરા પર ખોટા દસ્તાવેજ વડે ખેડૂત બની જમીન ખરીદવાનો આક્ષેપ થયો છે, અને ભાજપના જ નેતા તેમની જમીનના દસ્તાવેજોની માંગણી કરી રહ્યા છે. એક નાગરિકે તો તપાસ ન થાય તો આત્મવિલોપનની ધમકી આપી છે.
માનાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જે ફક્ત એક વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, તેમણે જૂનાગઢ જિલ્લાના જુગાર ક્લબ ને સુરક્ષા પૂરી પાડવા પોલિસને દૈનિક ₹70,000ના હપ્તા મળે છે, તેવો આક્ષેપ કર્યો છે. એક વર્ષમાં જ શાસનની ખરાબીઓનો અહેસાસ થવો ભાજપ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
ભ્રષ્ટાચાર જ નહીં, હવે તો સનાતન ધર્મની રક્ષા કરનારા લોકો પણ સુરક્ષિત નથી—એવો આક્ષેપ ગોંડલ શહેર વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ પિયુષ રાદડિયાએ રાજીનામું આપતાં કર્યો છે. ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ધાર્મિક કાર્યક્રમોમાં રાજકીય હસ્તક્ષેપના આરોપ છે. ગોંડલમાં પરિષદ જ નહીં, RSS અને બજરંગ દળ જેવી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતી નથી—એવો સીધો સંદેશ રાદડિયાએ આપ્યો છે.
જો આક્ષેપોમાં થોડું પણ સત્ય હોય, તો હવે સંઘે ગુજરાત ભાજપ પર પૂર્ણ કબ્જો મેળવી લેવો જરૂરી છે—નહીંતર બહુ મોડું થઈ જશે. જેમ નાનુભાઈ વાણાએ કહ્યું છે—"ભાજપ હવે કોંગ્રેસના રસ્તે છે."
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે