શું બેન્કિંગ વ્યવસ્થા સામાન્ય નાગરિક માટે દુષ્કર બનશે?
શું ભારતમાં પણ એવા દિવસો આવી રહ્યા છે જ્યારે યુરોપીયન દેશોની જેમ ભારતીય બેન્કો ખાતેદાર પાસેથી નાણાં રાખવાના પૈસા વસૂલશે અને વ્યાજ પણ આપશે નહીં? શું દેશ એટલો વિકસિત બન્યો છે કે હવે રાહત દરે બેન્કિંગ સેવા આપવાનું બંધ થઈ જશે? કેમ RBI અને ભારત સરકાર મૌન છે અને કેમ ખાનગી બેન્કોને ન્યૂનતમ બેલેન્સ નક્કી કરવાની છૂટ આપી છે?
આ મહિનાની શરૂઆતમાં દેશની અગ્રણી ખાનગી બેન્ક ICICIએ જાહેરાત કરી કે ગ્રામીણ વિસ્તારોમાં માસિક ન્યૂનતમ બેલેન્સ ₹10,000, શહેરોમાં ₹25,000 અને મહાનગરોમાં ₹50,000 રાખવાનું રહેશે. આ બેલેન્સ જાળવવામાં નિષ્ફળતા પર 6% પેનલ્ટી અથવા ₹500 (જે ઓછું હોય તે) વસૂલવામાં આવશે.
વિચારણીય વાત એ છે કે જે દેશની 140 કરોડ વસ્તીમાંથી 81 કરોડ નાગરિકોને નેશનલ ફૂડ સિક્યુરિટી હેઠળ મફત રાશન મળે છે, જ્યાં 7 કરોડ અતિ ગરીબ છે અને 43 કરોડ મધ્યમવર્ગીય પરિવારો (માસિક આવક ₹45,000-₹3 લાખ) છે, તેવા દેશમાં પરિવારોને તેમની માસિક આવકનો 6થી 25% ભાગ બેન્કમાં કાયમ માટે જમા રાખવો પડે? આ શા માટે - બેન્કના ખર્ચા ભરવા અને કોર્પોરેટ કંપનીઓના NPAને સરભર કરવા?
RBIના આંકડા પ્રમાણે 2023માં ભારતીય બેન્કોએ ન્યૂનતમ બેલેન્સ, ATM અને SMS ચાર્જીસના નામે ગ્રાહકો પાસેથી ₹35,500 કરોડ વસૂલ્યા હતા. જ્યારે કેન્દ્ર સરકાર ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાતો કરે છે, ત્યારે દરેક ખાનગી સેવાને નાગરિકો પાસેથી મનસ્વી ચાર્જ વસૂલવાની છૂટ આપી રહી છે.
1969માં ઈન્દિરા ગાંધીએ 14 ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું જેથી બેન્કિંગ સેવા ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચે અને કૃષિ ધિરાણ વધે. લાગે છે કે આ હેતુ પૂરો થતાં હવે સમાજસેવાને બદલે નફાવૃત્તિ પ્રાધાન્ય બની છે.
જો બેન્કોની આ મનમાની પર લગામ નહીં લાગે, તો સામાન્ય નાગરિકો માટે બેન્કિંગ સુવિધા દુર્લભ બનવાના દિવસો દૂર નથી. આર્થિક સમાનતા અને સામાજિક ન્યાયની દિશામાં આ ગંભીર પડકાર છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?