વડોદરા: લાલબાગ બ્રિજ પાસે તલવારબાજી અને પથ્થરમારો
જૂના વિવાદમાં બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

લાલબાગ બ્રિજ તલવારબાજી

લાલબાગ બ્રિજ તલવારબાજી
વડોદરામાં જૂના વિવાદમાં લોહિયાળ ખેલ: લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે તલવારબાજી
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે આવેલા સિમેન્ટ ફેક્ટરી વિસ્તારમાં આજે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતી ઘટના બની હતી. એક જ કોમના બે જૂથો વચ્ચે જૂના વિવાદને લીધે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને તલવારબાજી થઈ હતી. આ હિંસક અથડામણમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.
તલવાર અને પથ્થરો વડે સામસામે હુમલો :
મળતી માહિતી મુજબ, જૂના વિવાદનું મનદુઃખ રાખીને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને જૂથના લોકોએ તલવારો અને ઘાતક હથિયારો ઉલાળ્યા હતા. આ હુમલામાં જસપાલસિંહ ટાંક, કાંતિસિંહ દુધાણી અને અર્જુનસિંહ ટાંક નામના ત્રણ વ્યક્તિઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તપાસ :
ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. જાધવે સ્થિતિની સમીક્ષા કરી હતી અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમાં હુમલો કરનારા ત્રણ શખ્સોની ઓળખ કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
વિસ્તારમાં ભયનો માહોલ :
લાલબાગ બ્રિજ જેવા ભરચક વિસ્તારમાં જાહેરમાં થયેલી આ તલવારબાજીને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલમાં બંને જૂથના કેટલાક લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને ટૂંક સમયમાં જ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવશે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય