સાયલામાં 17.53 કરોડના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
કસવાડી ગામના ખેતરમાં તુવેર અને કપાસની આડમાં ગાંજાની ખેતી, SOGએ 3,508 કિલો ગાંજો જપ્ત કર્યો

ખેતરમાં ગાંજાનું વાવેતર અને પકડાયેલા આરોપીઓ

ખેતરમાં ગાંજાનું વાવેતર અને પકડાયેલા આરોપીઓ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામમાં બે શખ્સોએ કપાસ અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાનો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગર SOGએ રૂપિયા 17.53 કરોડની કિંમતના 3,508 કિલો ગાંજા સાથે બંને શખ્સોને ઝડપી નશાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. બંને શખ્સો સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં ઘણાં સમયથી ગાંજાનું વાવેતર શરૂ થયુ છે. કપાસ, તુવેર અને એરંડા જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરતાં હોય છે. ગાંજાનું વાવેતર કરી કેટલાંક શખ્સો ચોરીછૂપીથી બંધાણીઓને વેચાણ કરતાં હોય છે.
SOG પોલીસને બાતમી મળતાં સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં બે અલગ અલગ ખેતરોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બંને ખેતરોમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ હતું. ત્રણ ટ્રેક્ટર ભરીને રૂપિયા 17.53 કરોડની કિંમતના 3,508 કિલો લીલા ગાંજાના છોડ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં કસવાડી ગામના ભાવુભાઇ રવજીભાઇ મીઠાપરાએ તેની માલિકીના ખેતરમાં તુવેરની ખેતીની આડમાં 120 છોડ લીલા ગાંજાનું વાવેતર કર્યુ હતું. પોલીસે ખેતરમાંથી રૂપિયા 2.35 કરોડની કિંમતનો 471 કિલો લીલા ગાંજા સાથે ભાવુ મીઠાપરાની ધરપકડ કરી હતી. જ્યારે આ ખેતરની નજીક સંજયભાઈ ભોપાભાઇ તાવીયાએ પણ તેની માલિકીના ખેતરમાં એરંડા અને કપાસની આડમાં 550 છોડ લીલા ગાંજાની ખેતી કરી હતી. આ ખેતરમાંથી પોલીસે રૂપિયા 15.18 કરોડની કિંમતના 3,036 કિલો લીલા ગાંજા સાથે સંજય તાવીયાની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર SOGએ એક જ દિવસમાં અલગ અલગ ખેતરમાંથી રૂપિયા 17.53 કરોડની કિંમતના 3,508 કિલો લીલો ગાંજાના 670 છોડ ઝડપીને નશાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. મોડી રાત્રે દરોડા પાડી ગાંજો શોધી ત્રણ ટ્રેક્ટર ભરીને લીલો ગાંજો પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.
આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા હતા, ગાંજાનું બિયારણ કયાંથી લાવ્યા હતા, ગાંજાનું વેચાણ કોને કરતાં હતાં તેમજ ગાંજાના વાવેતર પાછળ અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેવા સવાલોના જવાબ મેળવવા પોલીસે બંને શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય