લંપટ શિક્ષકનું કારસ્તાન
સરકારી શાળાના શિક્ષકે 12 વિદ્યાર્થિનીની સાથે બે વર્ષ સુધી કરી વિકૃત હરકતો

લંપટ શિક્ષકનું કારસ્તાન

લંપટ શિક્ષકનું કારસ્તાન
રાજકોટની ભાગોળે કુવાડવાના વાછકપર બેડી ગામની સરકારી સ્કૂલના શિક્ષકે સ્કૂલની જ સગીરવયની વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ હરકત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં શર્મસાર થઈ ગયો છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની શોધખોળ શરૂ કરી હતી. વાછકપર બેડી ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો કમલેશ અમૃતિયા શિક્ષણ જગત માટે લાંછનરૂપ છે. આ નરાધમ બે વર્ષથી શાળાની સગીરવયની વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ હરકતો કરતો હોવાના રોષ સાથે સોમવારે વાછકપર બેડીના ગ્રામજનો કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસે આ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી શિક્ષક કમલેશ અમૃતિયા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પીઆઇ રોજિયાએ જણાવ્યું હતું કે, શિક્ષક કમલેશ અમૃતિયાના કરતૂતોની જાણ થતાં જ પોલીસની એક ટીમ શાળાએ પહોંચી હતી તો બીજી ટીમ રાજકોટના અયોધ્યા ચોક નજીક આવેલા તેના ઘરે ગઇ હતી. જોકે કમલેશ અમૃતિયાને અગાઉથી વાતની જાણ થઈ જતાં તે ફરાર થઇ ગયો હતો. કમલેશની પત્ની વાછકપર બેડી ગામની આ શાળામાં પ્રિન્સિપાલ છે અને એ જ સ્કૂલમાં શિક્ષક કમલેશ આવા ગોરખધંધા કરતો હતો. પોલીસે અલગ અલગ દિશામાં ટીમો દોડાવી કમલેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
એક વાલીએ બે દિવસ વોચ રાખી, બાદ અન્યના પરિવારજનોને મળ્યા અને ફરિયાદનો નિર્ણય લેવાયો
શિક્ષક કમલેશ અમૃતિયા બે વર્ષથી આવી બીભત્સ હરકતો કરતો હતો અને શાળાની અનેક વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવતો. કેટલીક વિદ્યાર્થિનીઓએ પોતાના માતાપિતા સમક્ષ અગાઉ આ અંગે વાત પણ કરી હતી, પરંતુ ગામ અને સમાજમાં આબરૂ જશે તેવા ભયથી વાલીઓએ અવાજ ઉઠાવ્યો નહોતો અને શિક્ષક કમલેશ અમૃતિયાએ તેનો ગેરલાભ ઉઠાવી પોતાની હરકતો ચાલુ રાખી હતી, પરંતુ ગત તા.17 ડિસેમ્બરના કમલેશે ત્રણ છોકરીને બગીચામાં લઇ જઇને વીડિયો બતાવ્યો હતો તેમાંથી એક છોકરીએ તેની માતાને આ અંગે વાત કરી હતી. શાળામાં પોતાની પુત્રી ઉપરાંત અન્ય વિદ્યાર્થિનીઓ સાથે થતી આવી હરકતથી વાલી સ્તબ્ધ થઇ ગયા હતા અને તેમણે શિક્ષક કમલેશ અમૃતિયાના પાપનો ભાંડો ફોડવાનો નિર્ધાર કર્યો હતો. જેથી તા.3ના બપોરે શાળા છૂટી ત્યારે આ વાલીઓએ અનેક વિદ્યાર્થિનીઓને અટકાવી પૃચ્છા કરતાં પોતાની પુત્રી ઉપરાંત અન્ય 11 વિદ્યાર્થિનીએ શિક્ષકના કરતૂતોની વાત સ્વીકારી હતી. ત્યારબાદ આ વાલીએ વાછકપર બેડી ગામના ગ્રામજનો અને ઉપરોક્ત વિદ્યાર્થિનીઓના વાલીઓની બેઠક બોલાવી હતી અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
બેડી વાછકપર ગામના સરકારી શાળાના શિક્ષકની ઘટનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બે મહિલા આચાર્ય, સ્થાનિક સીઆરસી સહિતના 5 અધિકારીની ટીમ બનાવી છે. તેઓ શાળામાં જઈને સમગ્ર ઘટના અંગેની તપાસ કરશે અને તેનો રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરશે. જોકે આ ઘટનામાં પોલીસ ફરિયાદ પણ થઇ છે, શિક્ષકની ધરપકડ થશે તો તેને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!