ઘોર કળિયુગ... છાણીમાં બે મંદિરોમાં તસ્કરોનો આતંક
ભાથીજી મંદિરમાંથી દાનપેટી અને મહાકાળી મંદિરમાંથી ચરણ પાદુકાની ચોરી, પોલીસ તપાસ શરૂ

મંદિર ચોરી છાણી વિસ્તાર

મંદિર ચોરી છાણી વિસ્તાર
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં તસ્કરોએ આસ્થાના કેન્દ્રો ગણાતા મંદિરોને નિશાન બનાવીને સનસનાટી મચાવી દીધી છે. કળિયુગમાં હવે ભગવાનના ધામ પણ સુરક્ષિત નથી રહ્યા તેવો ઘાટ સર્જાયો છે. છાણી ગામમાં આવેલા ભાથીજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં મોડી રાત્રે ત્રાટકેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હજારોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે.
ભાથીજી મંદિરમાંથી દાનપેટીની ઉઠાંતરી :
આ ઘટનાની વિગત મુજબ, છાણી ગામમાં રહેતા અને વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા રાકેશભાઈ પરમારના પિતા છેલ્લા ત્રણ દાયકાથી ભાથીજી મંદિરમાં આરતી અને સેવાનું કાર્ય કરે છે. ૨૪ ફેબ્રુઆરીની વહેલી સવારે જ્યારે તેઓ મંદિરે પહોંચ્યા ત્યારે દરવાજો તૂટેલો જોઈને ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે તસ્કરો મંદિરનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને અંદાજે ૧૦ હજાર રૂપિયાની રોકડ રકમ સાથેની આખેઆખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા.
મહાકાળી મંદિરમાં તોડફોડ અને ચોરી :
તસ્કરોએ માત્ર ભાથીજી મંદિર જ નહીં, પરંતુ બાજુમાં આવેલા મહાકાળી માતાના મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. અહીં તસ્કરોએ માતાજીની આશરે ૨૦ વર્ષ જૂની લોખંડની તલવાર અને પિત્તળની કિંમતી ચરણ પાદુકાની ચોરી કરી હતી. તસ્કરોએ અહીં પણ દાનપેટી તોડવાનો અને લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા દાનપેટી અને તેમાં રહેલી રોકડ સુરક્ષિત રહી હતી. જોકે, મંદિરમાં થયેલી તોડફોડને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સીસીટીવીમાં કેદ થયા તસ્કરો :
મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને અંધારામાં મંદિરમાં પ્રવેશ્યા હતા. આ ટોળકીએ તે જ રાત્રે વિસ્તારમાં અન્ય સ્થળોએ પણ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. હાલમાં છાણી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફૂટેજના આધારે આરોપીઓના સગડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે અને સ્થાનિક સ્તરે નાઈટ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!