પોરબંદર: પોરબંદરનાં રોકડિયા હનુમાન મંદિર પાસે શીતલ પાર્કમાં રહેતા આરોપી હિરેન અરવિંદ લાડવાના પિતા ઝેરી દવા પી લેતા પોરબંદર ભાવસિંહજી જનરલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના બેડ નં. 1 પર સારવાર માટે દાખલ થયા હતા. સારવાર દરમિયાન ફરજ પરની ડો. હીનાબેન મોઢા તેમની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી હિરેન લાડવા હોસ્પિટલ પર આવી ગયો અને ડો. હીનાબેન મોઢા સાથે બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યો.
જ્યારે ડો. દીક્ષિત વિનોદભાઈ દામોડિયા ત્યાં હાજર હતા, ત્યારે તેમણે આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો અને ડોકટરો સાથે આપત્તિજનક વર્તન કર્યું. આ દરમિયાન, એણે ડોકટર દીક્ષિતને ભુંડી ગાળો આપી, તેના ટી-શર્ટનો કાઠલો પકડી, મોઢા અને છાતી પર મુક્કા મારી, અને ડો. કેવલભાઈ ગૌસ્વામી તથા નર્સિંગ સ્ટાફના બ્રધર દેવલભાઈ સાથે પણ ગાળો આપી. વધુમાં, તેણે ઈમરજન્સી વોર્ડના નર્સિંગ સ્ટેશનના પાર્ટીશનનો કાચ તોડી નાખી અને ઓક્સિજનના પાઈપ પણ ખેંચી તોડફોડ કરી, જેનાથી ભારે નુકશાની થઈ.
આ અંગે ફરિયાદ નોંધાતા, કમલાબાગ પોલીસએ તરત જ તપાસ શરૂ કરી અને આરોપી હિરેન લાડવાને ઝડપી લીધો. તેનો હોસ્પિટલમાં જ વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું, અને તે દરમિયાન તેણે માફી માંગી હતી. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું.