શિક્ષકો, પ્રિન્સિપાલ ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ
આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી બનાવવાનું રેકેટ

ધર્માંતરણ કૌભાંડ

ધર્માંતરણ કૌભાંડ
ક્રિસમસના તહેવાર પૂર્વે સુરત જિલ્લા પોલીસે એક મસમોટા ધર્માંતરણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેના કારણે શિક્ષણ જગત અને સરકારી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જે વ્યક્તિઓ પર સમાજને સાચો માર્ગ બતાવવાની જવાબદારી છે, તેવા સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો જ આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ બનાવીને ગેરકાયદે ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
શિક્ષણવિદો અને પાદરીઓનું ટ્રસ્ટ :
વર્ષ 2014માં 'દી પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઇફ ચેરીટેબલ ટ્રસ્ટ' નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી ભાઈ-બહેનોને લાલચ આપી અથવા ભ્રમિત કરીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનો હતો. આ સમગ્ર રેકેટના માસ્ટરમાઇન્ડ સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ રામજીભાઈ દુબલભાઈ ચૌધરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, કુલ 11 સભ્યોના આ ટ્રસ્ટમાં 3 સરકારી શિક્ષણવિદો અને 6 પાસ્ટર (ધર્મગુરુ) સામેલ હતા.

ડોક્ટર પુત્રની ગેરકાયદે પ્રેક્ટિસ :
આ કૌભાંડ માત્ર પ્રિન્સિપાલ રામજીભાઈ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેમનો પુત્ર અંકિત ચૌધરી પણ તેમાં સક્રિય હતો. અંકિત BHMS (હોમિયોપેથી) ડોક્ટર હોવા છતાં ગેરકાયદેસર રીતે એલોપેથી દવાઓ આપીને પ્રેક્ટિસ કરતો હતો. તે પોતાના ક્લિનિકમાં આવતા ગરીબ આદિવાસી દર્દીઓને મફત સારવારના બહાને ફસાવતો હતો.
દર્દી સાજો થાય ત્યારે ડોક્ટર અંકિત તેને કહેતો કે આરામ દવાથી નહીં, પરંતુ પ્રભુ ઈસુની કૃપાથી મળ્યો છે. ત્યારબાદ તે દર્દીઓને વધુ માર્ગદર્શન માટે પોતાના પિતા પ્રિન્સિપાલ રામજીભાઈ પાસે ધર્માંતરણની અંતિમ પ્રક્રિયા માટે મોકલી આપતો હતો.

હાનિકારક દવાઓનો જથ્થો જપ્ત :
સુરત ગ્રામ્ય પોલીસે જ્યારે આરોપી અંકિત ચૌધરીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી અંદાજે ₹56,000ની કિંમતનો એલોપેથી દવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત થયો હતો. આ જથ્થામાં હાનિકારક સ્ટીરોઈડ્સ અને ભારે માત્રામાં પેઈન કિલર ઈન્જેક્શનોનો સમાવેશ થતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તે આ દવાઓનો ઉપયોગ ગરીબ લોકોને તાત્કાલિક રાહત આપીને, તેને ઈસુનો ચમત્કાર ગણાવી ધર્માંતરણની જાળ ફેલાવવા માટે કરતો હતો.

બિનઅધિકૃત ટ્રસ્ટ અને રહસ્યમય ફંડિંગ :
સરકારી નિયમ મુજબ, સરકારી કર્મચારીએ ટ્રસ્ટ શરૂ કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. જોકે, આ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ કોઈપણ પરવાનગી વગર જ 2014થી આ ટ્રસ્ટ ઊભું કરી દીધું હતું. આટલું જ નહીં, આ ટ્રસ્ટનું અત્યાર સુધી એક પણ વાર ઓડિટ થયું નથી. નાણાં ક્યાંથી આવતા હતા અને ક્યાં વપરાતા હતા, તે અંગે કોઈ હિસાબ નથી
સુરત જિલ્લા એસપી રાજેશ ગઢીયાએ માહિતી આપી હતી કે, ધર્માંતરણના કાર્યક્રમોમાં હાજર લોકોને મોબાઈલ ફોન ન લાવવા માટે કડક સૂચના અપાતી હતી, જેથી કોઈ વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ ન થઈ શકે અને પોલીસ પાસે કોઈ પુરાવા ન પહોંચે
પોલીસની મોટી કાર્યવાહી :
સુરત ગ્રામ્ય પોલીસે આ મામલે ચેરિટી કમિશનર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અને ટ્રસ્ટની આર્થિક લેતીદેતીની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સરકારી મંજૂરી વગર ટ્રસ્ટ ચલાવનારા શિક્ષકો સામે ખાતાકીય તપાસ માટે પણ ભલામણ કરવામાં આવશે. આદિવાસી સંગઠનોમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હવે તમામ 11 સભ્યોની કુંડળી ખંખેરવાનું શરૂ કર્યું છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!