જાણે કોઈ બૉલીવુડની ફિલ્મ ચાલતી હોય તે પ્રકારનો કિસ્સો બનાસકાંઠામાં વડગામના ધનપુરામાં સામે આવ્યો છે. જેમાં દલપતસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. દલપતિસિંહ પર કરોડોનું દેવું થઈ ગયું હતું અને દલપતસિંહ આ દેવામાંથી મુક્ત થવા પોતાનો વીમો પકવવા માગતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. દલપતે ₹ ૧ કરોડનો વીમો લીધેલ હતો
જ્યારે દલપતસિંહનું મૃત્યુ થાય ત્યારેજ આ વીમો તેમણે મળવા પાત્ર થાત. દેવાની જંજાળમાંથી બહાર આવવા માટે દલપતસિંહે પોતાના મિત્રો સાથે મળીને ફિલ્મોની જેમ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો જેમાં એક 4 મહિના પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિની લાશને તેની કબરમાંથી ખોદી બહાર કાઢ્યો, ને દલપતસિંહ ની ગાડીમાં બેસાડી ગાડી સહિત મૃતદેહને પણ આગ લગાવીને ખાખ કરી નાખ્યો. ત્યારબાદ તે ગાડી અને તેને ચલાવનાર એ દલપતસિંહ જ છે અને તે જ આ કાર અકસ્માત માં મૃત્યુ પામ્યા છે તેની ઓળખ એ દલપતસિંહના ભાઈ દ્વારા કરવામાં આવી હતી.
આ ઘટના પોલીસને પહેલાથી જ એક કાવતરું લાગી રહી હતી તેથી પોલીસે આ બાબતે આગળ તપાસ શરૂ કરી અને આ સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો હતો.પોલીસે કંકાલ બની ગયેલા હાડકાના ટુકડાઓને એફ.એસ.એલ. અને ડી.એન.એ. રિપોર્ટ તપાસ માટે મોકલ્યો જેનો રિપોર્ટ આવતા સાબિત થઇ ગયું કે મૃતદેહ 4 મહિના પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિનો હતો. દલપતસિંહ વિશે પણ વધુ તપાસ હાથ ધરતા પોલીસને તેના ₹ ૧.૫ કરોડના દેવા અને ₹ ૧ કરોડના વીમા આ બધીજ બાબતની જાણ થાય ગઈ. આ ઘટના બનતા જ દલપતસિંહ અને તેના મિત્રો ભાગી ચૂક્યા હતા.
આ સમગ્ર કાવતરું રચનાર તમામ આરોપીઓ વિરુદ્ધમાં હાલ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) અને મહેશજી નુરસંગજી મકવાણા અને ભેમાજી ભીખાજી રાજપુત અને સેધાજી ધિરાજી ઠાકોર અને દેવાભાઈ લલ્લુભાઈ ગમાર (રહે. ખેરમાળ, તા. દાંતા) અને સુરેશભાઈ બાબુભાઈ બુંબડીયા વાળાઓ સામેલ છે. જેમાં ત્રણ અપરાધીઓ પકડાયા છે અને માસ્ટરમાઈન્ડ દલપતસિંહની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
આ કાવતરું માત્ર પોતા પરનો વીમો પાસ કરાવીને અને માથે ચડેલ દેવામાંથી મુક્તિ મેળવવા માટે ઘડાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.