રીબડાઃ અનિરૂદ્ધસિંહ જાડેજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ
હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો મૂકી ફાયરિંગ કર્યુ હોવાની કબૂલાત

ગોંડલના રીબડામાં બુધવારે મોડી રાત્રે બે બુકાનીધારી શખ્સોએ બાઈક ઉપર આવી ફાયરિંગ કર્યું

ગોંડલના રીબડામાં બુધવારે મોડી રાત્રે બે બુકાનીધારી શખ્સોએ બાઈક ઉપર આવી ફાયરિંગ કર્યું
ગોંડલ અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે. જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહની લડાઈ વચ્ચે પાટીદાર રાજનીતિ શરૂ થઈ હતી. ત્યારબાદ અમિત ખૂંટ આપઘાત કેસનો મામલો ગૂંચવાયો છે. આ કેસની તપાસ ચાલુ છે. ત્યારે રીબડામાં આવેલા અનિરૂદ્ધસિંહ જાડેજાના પેટ્રોલપંપ ઉપર બુકાનીધારી અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ જતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયો મૂકી પોતે ફાયરિંગ કર્યુ હોવાની જવાબદારી સ્વીકારતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ અને રીબડાના ક્ષત્રિય આગેવાનો વચ્ચે ચાલી રહેલાં રાજકીય ઝઘડામાં નવું પરિમાણ ઉમેરાયું છે.
ગોંડલ તાલુકાના રીબડામાં 23 જુલાઈને બુધવારે મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ અનિરુદ્ધસિંહ જાડેજાના 'રીબડા પેટ્રોલિયમ' પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં એક વીડિયોથી સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં ઈન્સ્ટાગ્રામ ઉપર હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે પોતે ફાયરિંગ કર્યાનું જણાવ્યું છે.
ફાયરિંગની ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. તેમને જણાવ્યું કે, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર મંદિરના લાકડાના ભાગે વાગી હતી. તેઓ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે બાઈક પર આવેલા બે શખ્સોને જોયા હતા. તેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક શખ્સે જાવેદભાઈ સામે બંદૂક તાકી હતી. તેથી તેઓ ગભરાઈને જીવ બચાવી ઓફિસમાં આવી ગયા હતા.
ફાયરિંગનો અવાજ સાંભળીને પેટ્રોલ પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજા અને સત્યજિતસિંહ જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી.
જો કે, હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર વીડિયો મૂક્યા છે. આ વીડિયોમાં હાર્દિકસિંહ પોતે ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે અને રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી આપી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં હાર્દિકસિંહ બેફામ વાણી વર્તન કરતો જોવા મળી રહ્યો છે. જેના કારણે સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.
સોશિયલ મીડિયામાં નવા વીડિયો સામે આવ્યા બાદ પોલીસે હાર્દિકસિંહ જાડેજાના વીડિયોની ખરાઈ શરૂ કરી છે. CCTV ફૂટેજ તથા અન્ય પુરાવા કબજે કર્યા છે. પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખરે ગોંડલના જયરાજસિંહ ટેમુભાઈ જાડેજા પર શંકા વ્યક્ત કરી હતી. પરંતુ, હાર્દિકસિંહ જાડેજા નામની નવી કડી સામે આવી છે.
પોલીસે હાર્દિકસિંહ જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સ્ટેટસમાં મૂકેલી સ્ટોરીની ખરાઈ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી ઓફિસનો તૂટેલો કાચ, અંદરથી મળેલી ગોળી અને બહારથી કારતૂસનું ખાલી ખોખું કબજે લીધું છે. ત્યારે હાર્દિકસિંહ જાડેજાની આ કેસમાં શું ભૂમિકા છે તેનો પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!