રાજકોટમાં ધોળે દહાડે કાકા-ભત્રીજા પર ફાયરિંગ
નજીવી બાબતે પિતા-પુત્રોએ મચાવ્યો જાહેરમાં આતંક, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા

રાજકોટમાં ધોળે દહાડે કાકા-ભત્રીજા પર ફાયરિંગ

રાજકોટમાં ધોળે દહાડે કાકા-ભત્રીજા પર ફાયરિંગ
Rajkot Crime News: રાજકોટ શહેરમાં ગુનાખોરીની એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે. બુધવારે 8 જુલાઈના રોજ રાત્રિના સમયે શહેરના પોશ ગણાતા નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. માત્ર બુલેટ બાઇક સ્પીડમાં ચલાવવા અને રેસિંગ કરવા જેવી સામાન્ય બાબતે ટોકવામાં આવતા મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે, આરોપીઓએ પિતાને ગેરકાયદેસર હથિયાર સાથે બોલાવી આતંક મચાવ્યો હતો. આ હુમલા દરમિયાન અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 30 વર્ષીય યુવક કૃષ્ણરાજસિંહ જાડેજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે તેમના પિતરાઇ દાદા રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
બુલેટ રેસિંગ રોકવા જેવી સામાન્ય બાબતે શરૂ થઈ માથાકૂટ
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, ફરિયાદી કુલદીપસિંહ જાડેજા (જેઓ વ્યવસાયે ખેતી કરે છે અને નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે 'આશાપુરા કૃપા' નામના મકાનમાં રહે છે) એ સમગ્ર ઘટનાની વિગતો આપી છે. ફરિયાદ મુજબ, 8 જુલાઈના રોજ રાત્રિના અંદાજે 9:00 વાગ્યાના અરસામાં તેઓ જમીને પોતાની શેરીમાં વોકિંગ કરવા નીકળ્યા હતા. આશરે 9:30 વાગ્યા દરમિયાન શેરીમાં તેમના માસીના દીકરા કૃષ્ણરાજસિંહ હરદેવસિંહ જાડેજા ત્રણ અજાણ્યા છોકરાઓ સાથે ઊભા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી, જેથી કુલદીપસિંહ ત્યાં ગયા હતા. કુલદીપસિંહે વચ્ચે પડીને પૂછતાં કૃષ્ણરાજસિંહે જણાવ્યું કે, આ છોકરાઓ અવારનવાર આ રોડ પરથી અત્યંત સ્પીડમાં અને સાયલેન્સરના અવાજો કરીને બુલેટ ચલાવે છે અને હલ્લાબોલ મચાવે છે. તેમને અગાઉ પણ ઘણી વાર ગાડી ધીમે ચલાવવા બાબતે સમજાવ્યા હોવા છતાં તેઓ માનતા નથી અને આજે પણ તેઓ ભયજનક રીતે બુલેટ સ્પીડમાં રેસ કરતા હતા. આ બાબતે કૃષ્ણરાજસિંહે તેમને રોક્યા તો તે છોકરાઓમાંથી એકે (જેને બાકીના લોકોએ 'અભિમન્યુ' કહીને બોલાવ્યો હતો) જેમ ફાવે તેમ ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આનાથી ઉશ્કેરાઈને કૃષ્ણરાજસિંહે તે છોકરાને એક ઝાપટ મારી દીધી હતી અને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અભિમન્યુ અને પિતાનું નામ રણજીતભાઈ વાળા જણાવ્યું હતું.
આરોપીઓએ પિતાને હથિયાર સાથે બોલાવ્યા
ઝાપટ ખાધા બાદ આરોપી અભિમન્યુએ ધમકી આપતા કહ્યું કે, "તમે ઊભા રહો, હમણાં મારા ભાઈ રાજવીરને બોલાવું છું." તેણે તાત્કાલિક કોઈને ફોન કરીને કહ્યું કે, "અમારે અહીં ટી.આર.પી. વાળા રોડે લપ થઈ છે, તું જલ્દી આય." માત્ર 5 જ મિનિટમાં રાજવીર નામનો છોકરો એક્ટિવા લઈને ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને કૃષ્ણરાજસિંહની સામે ઊભા રહીને ઝઘડો કરવા લાગ્યો હતો કે, "શું છે તમારે? મારા ભાઈની સાથે કેમ લપ કરી?" રાજવીરે પણ ગાળો ભંડતા કૃષ્ણરાજસિંહે તેને પણ બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી. આ પછી અભિમન્યુ બાજુમાંથી બોલ્યો કે, "ભાઈ તું આપણા પપ્પાને બોલાવ." જેથી રાજવીરે તેના પિતાને ફોન લગાડી કહ્યું કે, "પપ્પા તમે તાત્કાલિક અહીં ટી.આર.પી. વાળા રોડ પર આવો, અહીં મને અને અભિમન્યુને એક અંકલે મારી લીધું છે." ત્યારબાદ કુલદીપસિંહે કૃષ્ણરાજસિંહને કહેલ કે આ છોકરાઓ સાથે આપણે માથાકૂટ નથી કરવી ચાલ ઘરે જઈએ. આથી બંને ભાઈઓ ત્યાંથી નીકળીને કૃષ્ણરાજસિંહના ઘરે જતા રહ્યા હતા અને ફળિયામાં હીંચકા પર બેઠા હતા.
'પપ્પા આને પતાવી જ દયો' - ઘરમાં ઘૂસીને ભત્રીજાની હત્યા, દાદા લોહીલુહાણ
થોડીવાર પછી કૃષ્ણરાજસિંહ ફાકી ખાતા હોય, તે દરવાજો ખોલીને ગેટની બહાર પગથિયા પર ઊભા રહીને શેરીમાં થૂંકવા ગયા, ત્યારે જ શેરીમાં મોટો દેકારો સંભળાયો હતો. તેમણે શેરીમાં નજર કરી કુલદીપસિંહને કહ્યું કે, "આપણે જેની સાથે લપ થઈ હતી તે લોકો પાછા આવી ગયા છે." મવડીના નવલનગરમાં રહેતો મુખ્ય આરોપી રણજીત વાળા પોતાના પુત્રો રાજવીર અને અભિમન્યુ તેમજ અન્ય શખસો સાથે ત્યાં પહોંચી ગયો હતો. આરોપીઓને શેરીમાં ગાળો દેતા જોઈ કૃષ્ણરાજસિંહ શેરીમાં ગયા તો બંને પુત્રોએ બૂમ પાડી કે, "આ જો અમારો બાપ આવી ગયો." એટલું કહેતા જ પિતા રણજીત વાળાએ પોતાના હાથમાં રહેલી ગેરકાયદેસર બંદૂકમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. કૃષ્ણરાજસિંહ તેને રોકવા ગયા તો બંને છોકરાઓ (રાજવીર અને અભી) તેમની સાથે મારામારી કરવા લાગ્યા અને પિતાને ઉશ્કેરતા બોલ્યા કે, "પપ્પા આને પતાવી જ દયો, આ જીવતો ન રહેવો જોઈએ, આપણું નામ કેમ લીધું આ લોકોએ!" કૃષ્ણરાજસિંહને ત્રણેય જણા મારવા લાગ્યા અને કુલદીપસિંહ વચ્ચે પડ્યા, પરંતુ રણજીતે તેમને જોરદાર ધક્કો મારી દીધો હતો અને કૃષ્ણરાજસિંહ પર સીધા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગોળીઓ વાગતાં કૃષ્ણરાજસિંહ નીચે પડી ગયા તો તેના છોકરા બૂમો પાડતા હતા કે, "પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો આ જીવતો ન રહેવો જોઈએ."
વચ્ચે પડનારા વડીલ પર બંદૂકના કૂંદાથી હુમલો
આ દરમિયાન કુલદીપસિંહ દોડીને તેમના માસાને બોલાવવા ગયા અને તેઓ પણ ઘરની બહાર શેરીમાં આવ્યા હતા. આ બનાવ સમયે અવાજ થતાં બાજુમાં રહેતા કૃષ્ણરાજસિંહના પીતરાઈ દાદા રહેન્દ્રસિંહ બહાર આવ્યા હતા. તેઓ પણ વચ્ચે પડવા જતાં આરોપી રણજીતે તેના હાથમાં રહેલી બંદૂક તેમના માથામાં મારી દીધી હતી, જેનાથી તેમને ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન દિગ્વિજયસિંહ આ લોકોને પકડવા જતાં રણજીતે તેના હાથમાં રહેલી બંદૂક દિગ્વિજયસિંહ સામે તાકીને ધમકી આપી કે, "નજીક ન આવતો નહી તો ઉડાડી દઈશ." એટલી વારમાં કિરીટસિંહ તેના હાથમાં પાઇપ લઈને આવ્યા અને રણજીતને શરીરના ભાગે બે-ત્રણ પાઇપ મારી દીધા હતા. ત્યારબાદ રણજીત તેમજ તેના બંને દીકરાઓ પાર્કિંગ બાજુ ભાગી ગયા હતા. કૃષ્ણરાજસિંહના માથા અને પેટના ભાગમાંથી પુષ્કળ લોહી નીકળતું હોય, તેમને તાત્કાલિક ખાનગી ગાડીમાં ગીરીરાજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉકટરે કૃષ્ણરાજસિંહને તપાસી મરણ ગયેલા જાહેર કર્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્ત રહેન્દ્રસિંહ જાડેજાને પણ ગીરીરાજ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યા છે અને હાલ તેમની સારવાર ચાલુ છે.
પોલીસ એક્શન મોડમાં
આ સનસનાટીભરી હત્યાકાંડની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ડીસીપી, એસીપી બી. જે. ચૌધરી સહિત ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ જણાવ્યું કે, બાઈક ચલાવવા બાબતે થયેલી માથાકૂટમાં રણજીત વાળા અને તેના બે પુત્રો રાજવીર અને અભી વાળા દ્વારા મોકાજી સર્કલ પાસે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મૃતક કૃષ્ણરાજસિંહનો પરિવાર પોલીસ વિભાગ સાથે જોડાયેલો છે. મૃતકના કૌટુંબિક ભાઈ ગોપાલસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમનો ભાઈ જીઆરડી (ગ્રામ રક્ષક દળ) ટીમમાં ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસ અનુસાર, આ હત્યાની ઘટનામાં 4 થી 5 સશસ્ત્ર શખસો સીધા આવ્યા હતા અને કુલ 7 થી 8 જેટલા શખસો સામેલ હોવાનું અનુમાન છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.