બનાસકાંઠાના ડીસામાંથી પંજાબનો વોન્ટેડ આતંકી પકડાયો
પાકિસ્તાનના શહજાદ ભટ્ટી અને આબિદ જટ્ટ સાથે સંકળાયેલો આતંકી ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો

ડીસામાંથી ઝડપાયેલા આતંકી બિક્રમજીતસિંઘની તસવીર

ડીસામાંથી ઝડપાયેલા આતંકી બિક્રમજીતસિંઘની તસવીર
ગુજરાત ATS અને બનાસકાંઠા જિલ્લા SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પંજાબના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી ઝડપીને તપાસ કરતાં મોટા ખુલાસા થયા છે. આરોપી પંજાબનો રહેવાસી છે અને કેટલાક સમયથી ગુજરાતમાં છુપાઈને રહેતો હતો.
પંજાબ પોલીસ દ્વારા જારી કરાયેલા ઈનપુટના આધારે ગુજરાત ATSએ તપાસ શરૂ કરી હતી. બાતમી મળતાં ATSના અધિકારીઓએ બનાસકાંઠા એસઓજીને સાથે રાખી ઓપરેશન હાથ ધર્યું. ATSના DySP હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ATS અને SOGની ટીમે ડીસા ખાતે રેડ કરી આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં વધુ પૂછપરછ માટે અમદાવાદ સ્થિત ATS કાર્યાલયમાં લાવવામાં આવ્યો હતો.
બિક્રમજીત સિંઘ ઉર્ફે વિક્કી કશ્મીરસિંઘ રહે. નંગલ પનુઆલ, અમૃતસર(પંજાબ) ગુજરાતમાં છુપાઈને રહેતો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક ઢાબા પર છૂટક મજૂરી કરી પોતાની ઓળખ છુપાવી રાખતો હતો. કોઈને તેના વિશે શંકા ન જાય તે માટે તે ઢાબા પર કામ કરતો હતો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે બિક્રમજીત સિંઘ મોટા આતંકી અને ગુનેગાર નેટવર્કનો ભાગ હતો. તે પાકિસ્તાની ગેંગસ્ટર સહજાદ ભટ્ટી અને આબિદ જટ્ટ સાથે સીધો સંપર્કમાં હતો. તપાસમાં ખુલ્યું છે કે બંને ગેંગસ્ટર પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે કામ કરી રહ્યાં છે અને ભારતના પંજાબ રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે નેટવર્ક ચલાવે છે.
ડીસામાંથી ઝડપાયેલો આતંકી પંજાબમાં સ્થાનિક યુવાનોને ગેંગમાં જોડવાનું કામ કરતો હતો. યુવાનોને આતંકી પ્રવૃત્તિઓ માટે પ્રેરિત પણ કરતો હતો. આ ઉપરાંત ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરવામાં પણ સામેલ હતો. તે સુરક્ષા એજન્સીઓ પર હુમલાની યોજના બનાવવામાં પણ સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બિક્રમજીત સિંઘના નેટવર્કનો મુખ્ય હેતુ દેશમાં અશાંતિ ફેલાવવાનો, પોલીસ સ્ટેશનો, સુરક્ષા દળો તેમજ મહત્વપૂર્ણ વ્યક્તિઓને નિશાન બનાવવાનો હતો. આ મામલે પંજાબના અમૃતસર ખાતે સ્પેશિયલ ઓપરેશનલ સેલમાં તેની સામે કેસ પણ નોંધાયેલો છે.
ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાત ATS દેશભરમાં કાર્યરત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને આતંકી નેટવર્ક્સ ઉપર સતત નજર રાખી રહી છે. પંજાબ પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આગળની તપાસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે. જ્યારે તેની સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત ATSએ આરોપીની ધરપકડ કર્યા બાદ પંજાબ પોલીસને જાણ કરી છે. હવે કાયદેસરની કાર્યવાહી માટે આરોપી પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો