ડ્રગ્સની હેરાફેરીમાં પોલીસ કર્મચારીની સંડોવણી ખુલી
વડોદરા એસઓજીના અનાર્મ એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની સ્ટેટ મોનિટરીંગ સેલે કરી ધરપકડ

વડોદરા એસઓજીમાં ફરજ બજાવતો આરોપી એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ

વડોદરા એસઓજીમાં ફરજ બજાવતો આરોપી એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ
વડોદરામાં હેરોઈન હેરાફેરીમાં પોલીસ કર્મચારીની સંડોવણી ખુલતાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા એસઓજીના અનાર્મ એએસઆઈની હેરોઈન હેરાફેરીમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી ઝડપાયેલાં હેરોઈન કેસમાં વડોદરા એસઓજીમાં ફરજ બજાવતાં અનાર્મ કોન્સ્ટેબલ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરી NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
9 જાન્યુઆરી 2026 ના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન પરથી રૂપિયા 48 લાખની કિંમતના 239 ગ્રામ 940 મિલિગ્રામ હેરોઈન સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ દિલીપસિંહ મલ્હી રહે. એ-3, ગુરુનાનકનગર, છાણી જકાતનાકા, વડોદરાને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલની તપાસમાં જાણવા મળ્યું કે,વડોદરાની SOG શાખાના અનાર્મ એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ રહે. સનમિલન સોસાયટી, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરાની આરોપી અમરીકસિંહ સાથે સંડોવણી છે. તેના પુરાવા કબજે કરી સ્ટેટ મોનિટરીંગ સેલે તેની ધરપકડ કરી છે. આરોપી એએસઆઈ પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરીને સ્ટેટ મોનિટરીંગ સેલે ડ્રગ્સની હેરાફેરીમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરી છે.
આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવરે કરી રહ્યા છે. આરોપી એએસઆઈના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી ખૂલશે તો તેવા શખ્સો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈ અગાઉ વડોદરા શહેરની DCB શાખામાં ફરજ બજાવતા હતા. તે સમયે પણ તેઓ ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. જેના કારણે તેમની સામે કચ્છ-ગાંધીધામમાં ખાતાકીય તપાસ કરવામાં આવી હતી.
પોલીસ કર્મચારીઓ અને બુટલેગરોની મીલીભગત
તાજેતરમાં એસએમસીએ ઝડપેલા દારૂના કટીંગમાં વાઘોડિયાના 3 વહીવટદાર સાથે પોલીસ કર્મીઓની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો. એસએમસીને બુટલેગરોના ફોનમાંથી 2 પોલીસ કર્મીઓના કોલ મળી આવ્યા હતી. વાઘોડિયા ગામના બસ સ્ટેન્ડ પાછળ વિદેશી દારૂના કટીંગ સમયે દરોડો પાડી 17 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. દરોડામાં 17 લાખનો દારૂ જપ્ત કરી બુટલેગર, દારૂના સપ્લાયર સહિત 9ને ઝડપી પાડયા હતા. જ્યારે 11 ફરાર હતા. આ દરોડા દરમિયાન 9 ચોપડામાં લખેલા હિસાબમાં કરોડોની લેવડદેવડ અને પોલીસ કર્મીઓના ફોન નંબરો મળી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે કબજે કરેલાં હિસાબ કિતાબના 9 ચોપડામાં કેટલી પેટી દારૂ આવ્યો અને કોને વેચ્યો ઉપરાંત પોલીસ કર્મીઓને અપાયેલા હપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પોલીસ કર્મચારીએ આંગડિયા પેઢીના 50 લાખ પડાવી લીધા
વડોદરાના છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને LRDએ રણોલી પાસેથી સાડા ત્રણ કરોડ રોકડ ભરેલી આંગડિયા પેઢીની કાર પકડ્યા બાદ તેમાંથી 50 લાખનો તોડ કર્યો હતો. બંનેએ દાદાગીરી કરી રૂપિયા 50 લાખ પડાવી લીધા હતા. છાણી પોલીસ સ્ટેશનની પીસીઆરના કર્મચારીઓએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ રણોલી પાસે હાઇવે પર કાર પકડી હતી. જેમાંથી 3.50 કરોડ રોકડ મળી હતી. આટલી મોટી રોકડ જોઈ પીસીઆરના બે કર્મચારીઓની દાનત બગડતાં દાદાગીરી કરી 50 લાખ પડાવી લીધા હતા. હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલઆરડી શ્રવણસિંહ વાઘેલાની સંડોવણી ખુલી હતી.
SMCના કર્મચારીએ 15 લાખનો તોડ કર્યો
કરજણમાં એલપીજી ટેન્કરમાંથી 19 જુલાઈ 2025ના રોજ ₹1.75 કરોડનો દારૂ પકડાયો હતો. દારૂ ભરેલું ટેન્કર ભરૂચ-દહેજ રોડ પર હોટલ પર પકડ્યું હતું. ત્યાંથી રાજસ્થાનના સપ્લાયર અનિલ જગદીશ પ્રસાદને કોલ કરી કેસ ન કરવા 20 લાખ માગ્યા હતા. રકઝકને અંતે 15 લાખમાં ડીલ થઈ હતી. અનિલને ફોન કરનારે કહ્યું કે, સાહેબ જોડે વાત થઈ ગઈ છે. ગાંધીનગરની આર.કે. આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલી દો. અનિલે 19 જુલાઈ 2025ના રોજ આંગડિયામાં 15 લાખ મોકલી દીધા હતા. આંગડિયાની ઓફિસમાંથી 5 લાખ લઈ 10 લાખ જૂનાગઢ રહેતાં રાકેશને ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટેન્કર આગળ વધીને 12 કિલોમીટર પછી વડોદરાની હદમાં પહોંચતા એલસીબીએ ઝડપી પાડ્યું હતું. 15 લાખ લીધા બાદ ટેન્કર ઝડપાતાં અનિલે DGP, SMC અને ACBને લેખિત રજૂઆત કરી હતી. જેમાં 15 કોલ રેકોર્ડ, આંગડિયાનો કોર્ડવર્ડ ધરાવતી 10ની નોટના ફોટા સહિતની રિસિપ્ટ અને જૂનાગઢના રાકેશને મોકલેલા 10 લાખનું આંગડિયાનું લખાણ મોકલ્યું હતું. વડોદરા જિલ્લા પોલીસ અને બાદમાં SMCની તપાસમાં SMCના કર્મચારી સાજન આહિરની સંડોવણી ખુલી હતી. ત્યારબાદ સાજન આહિરને સસ્પેન્ડ કરાયો હતો.
પાંચ કોન્સ્ટેબલોએ કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરી દીધો
જરોદ પોલીસે 4 ઓગસ્ટ 2025ના રોજ વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઈવે પર આસોજ નજીક રૂપિયા 39.65 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું હતું. કન્ટેનરને ગુપ્ત સ્થળે લઈ જઈ મંજુસર અને વાઘોડિયાના ત્રણ બૂટલેગરોને સ્થળ પર બોલાવાયા હતાં. કેટલાક પોલીસ કર્મચારીઓએ માનીતા બૂટલેગરોને દારૂની કેટલીક પેટીઓ પધરાવી દીધી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સગેવગે કરાયેલા દારૂ કાંડના ખુલાસા બાદ પોલીસમાં દોડધામ થઈ હતી. બુટલેગરોને અપાયેલો દારૂ ભેગો કરી એક ખેતરમાં નાશ પણ કરાયો હતો. આ દારૂ પ્રકરણમાં પીઆઈ એમ.આર. ચૌધરીને લીવ રિઝર્વમાં મૂકી પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં 25 લાખની ડીલ થઈ
વડોદરાના વેપારી શિવલાલ ગોયલ, કૈલાશ ગોયલ, સુરેન્દ્ર ગોયલ અને જયપ્રકાશ ગોયલની કંપની સાથે આફ્રિકાના એક દેશમાં રૂપિયા 15 કરોડથી વધુની છેતરપિંડી થઈ હતી. આ બાબતે સીઆઇડી ક્રાઇમમાં એક અરજી કરવામાં આવી હતી. બે વર્ષથી પેન્ડીંગ અરજી મામલે પરિક્ષિતા રાઠોડ રજા ઉપર ઉતરી ગયા બાદ ઇન્ચાર્જ વડા અજય ચૌધરીના સમયમાં ફરિયાદ દાખલ થઇ હતી.
તપાસ બાબતે અરજદારે ડીજીપીને મેઈલ કર્યો હતો. જેમાં ફરિયાદ કરવા માટે થયેલી ડીલ બાબતે છણાવટ કરી હતી. બે વર્ષથી પેન્ડીંગ અરજી મુદ્દે ફરિયાદ દાખલ કરવા PSI સિસોદિયાએ સ્વીકારેલા નાણાં અંગે વિગતો આપવામાં આવી હતી. નાણાં સ્વીકાર્યા બાદ તે પરત પણ કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અરજદારના જણાવ્યા અનુસાર ફરિયાદ દાખલ કરવા રૂપિયા 25 લાખ નક્કી કરાયા હતા. ફરિયાદ દાખલ થયા પહેલા સાડા બાર લાખ અને ફરિયાદ દાખલ થયા બાદ સાડા બાર લાખ મળી 25 લાખની માગણી કરવામા આવી હતી.
અરજીની તપાસમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતાં હોવાની ડીજીપી વિકાસ સહાયને ફરિયાદો મળી હતી. તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયને ગુપ્ત રાહે તપાસ કરવા સૂચના આપી હતી. ઈકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ સિસોદિયા ઉપર પૈસા લીધા હોવાના આક્ષેપ થયા હતા. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સિસોદિયા પાસે રહેલી અરજીઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પૈસા લીધા હોવાનું પુરવાર થતાં ડીજીપીએ સિસોદિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય