ઓપરેશન મ્યૂલ હન્ટઃ ₹2289 કરોડના ફ્રોડનો પર્દાફાશ
ગુજરાત પોલીસની 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 ફરિયાદ નોંધી 638 શખ્સોની ધરપકડ

AI જનરેટેડ

AI જનરેટેડ
ગુજરાત પોલીસનું સાયબર ક્રાઇમ સામે વિશેષ અભિયાન
ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય પોલીસ દ્વારા "ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0" ચલાવવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી અભિયાન દરમિયાન સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના પરિણામે હજારો કરોડ રૂપિયાના આર્થિક ફ્રોડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે.
આ વ્યાપક કામગીરીના ભાગરૂપે વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી અલગ અલગ કેસમાં ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
શું હોય છે મ્યૂલ અકાઉન્ટ?
મ્યૂલ અકાઉન્ટ એવા બેંક ખાતા હોય છે જેનો ઉપયોગ સાયબર ઠગો ગેરકાયદેસર રીતે મેળવેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે કરે છે. ઘણીવાર આવા ખાતાધારકો જાણતા અથવા અજાણતા રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થઈ જાય છે. આ ખાતાઓ દ્વારા ફ્રોડની રકમને ટ્રેસ કરવી મુશ્કેલ બનતી હોવાથી સાયબર ગુનેગારો માટે તે મહત્વનું સાધન બને છે.
રાજ્યવ્યાપી ઓપરેશન કેવી રીતે ચલાવવામાં આવ્યું?
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE)ના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ પોલીસ કમિશ્નરેટ, રેન્જ કચેરીઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડીને અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું. તપાસ માટે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇનમાંથી મળેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું છે ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0?
વર્ષ 2025માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા. ઓપરેશનનું દૈનિક મોનિટરિંગ કરી પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો. આ ડેટા ઇન્ટેલિજન્સના આધારે તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરીને ફિલ્ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્કોને રિયલ ટાઇમ ડેટા શેરિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. આ રીતે ડેટા ઇન્ટેલિજન્સ અને યોગ્ય સંકલન દ્વારા મ્યૂલ અકાઉન્ટની ગુનાહિત પ્રવૃતિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0ની સફળતા
આ અભિયાન દરમિયાન કુલ 565 ગુનાઓ નોંધાયા હતા અને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યભરમાં 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 4052 ગુનાઓની ઓળખ કરી હતી. જે પૈકી 491 કેસ ગુજરાત સાથે સંકળાયેલા હતા. આ ઓપરેશનમાં અંદાજે ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો.
બેંકિંગ વ્યવહારોમાં નોંધપાત્ર ફેરફાર
ઓપરેશન બાદ ચેક અને એટીએમ મારફતે થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચેક દ્વારા થતો ઉપાડ લગભગ 75 ટકા સુધી ઘટ્યો હતો. માસિક ચેક ઉપાડ ₹126 કરોડથી ઘટીને ₹25 કરોડ સુધી પહોંચ્યો છે. એટીએમ ઉપાડમાં પણ 66 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પ્રથમ કક્ષાના મ્યૂલ અકાઉન્ટની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
RBI અને AI ટેક્નોલોજીનો ઉપયોગ
સાયબર ફ્રોડ રોકવા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ દરેક બેંક ટ્રાન્ઝેક્શનને જોખમના આધારે વર્ગીકૃત કરવામાં આવશે. શંકાસ્પદ ખાતાઓની વહેલી ઓળખ કરીને બેંકો જરૂરી કાર્યવાહી કરી શકશે.
ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાનું મહત્વ
ભારતમાં ડિજિટલ સેવાઓના વિસ્તરણ સાથે સાયબર સુરક્ષાનું મહત્વ પણ વધી રહ્યું છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, UPI અને ઇન્ટરનેટ ઉપયોગમાં થયેલા ઝડપી વધારાને કારણે સાયબર ગુનાઓ સામે વધુ સતર્ક રહેવાની જરૂરિયાત ઉભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ડિજિટલ સુરક્ષાને મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સાયબર સુરક્ષા હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, સાયબર સુરક્ષા હવે માત્ર વ્યક્તિગત કે આર્થિક નુકસાન પૂરતી મર્યાદિત નથી રહી. તે દેશની આર્થિક વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી સાયબર ગુનાઓ સામે જનજાગૃતિ, ટેક્નોલોજી અને કડક કાયદાકીય કાર્યવાહી દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
11 વર્ષમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ
છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઇ છે. ભારતમાં ઇન્ટરનેટ વપરાશ કરનારા લોકોની સંખ્યા 100 કરોડથી પણ વધુ છે. જે 11 વર્ષ પહેલા 25 કરોડ હતી. ઇન્ટરનેટ ઉપભોક્તામાં વધારો અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. બ્રોડબેન્ડ કનેક્શનમાં 16 ટકાનો વધારો થયો છે. ભારત નેટ પરિયોજના હેઠળ 11 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી. જે આજે 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે. એવી જ રીતે UPI ટ્રાન્ઝેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!