ચાઈનીઝ દોરીની ફેક્ટરી પર પોલીસનો મોટો દરોડો
સેલવાસમાં MBA ગ્રેજ્યુએટની ફેક્ટરી પર અમદાવાદ ગ્રામ્ય પોલીસની રેડ

ચાઈનીઝ દોરીની ફેક્ટરી પર દરોડો

ચાઈનીઝ દોરીની ફેક્ટરી પર દરોડો
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ગેરકાયદે વેપાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સેલવાસમાં કાર્યરત એક ફેક્ટરી પર દરોડો પાડીને અઢી કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં પ્રતિબંધ હોવાથી આરોપીએ સેલવાસને પોતાનું ઉત્પાદન કેન્દ્ર બનાવ્યું હતું.
શિક્ષિત યુવાન બન્યો ગુનેગાર :
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટની સૂચના મુજબ પોલીસે વાપીથી વિરેન પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામનો રહેવાસી વિરેન પટેલ MBA સુધી અભ્યાસ કરી ચૂક્યો છે. તેણે વર્ષ 2011માં વાપીમાં ટેક્સટાઇલ વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ વધુ નફાની લાલચે વર્ષ 2022માં સેલવાસમાં નોવાફીલ નામની કંપની સ્થાપી હતી. સેલવાસમાં પ્રતિબંધના અભાવનો ફાયદો ઉઠાવી તે ફિશિંગ નેટ અને બ્રશ બનાવવાની આડમાં જોખમી દોરીનું ઉત્પાદન કરતો હતો.
રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ :
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે વિરેન પટેલે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તેના 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ સક્રિય હતા. પોલીસે આ તમામ વિતરકોની યાદી તૈયાર કરી જે-તે જિલ્લાની પોલીસને કડક કાર્યવાહી કરવા માટે જાણ કરી છે. ફેક્ટરીમાંથી 1.50 કરોડની દોરી અને મશીનરી મળી કુલ 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ચોરીછૂપીથી ચાલતું ઉત્પાદન :
આરોપી ઓગસ્ટ મહિનાથી જ સ્ટોક તૈયાર કરવાનું શરૂ કરી દેતો હતો. કાચા માલને ફિશિંગ નેટ તરીકે દર્શાવી ટેક્સની ચોરી કરીને તેનું પરિવહન કરવામાં આવતું હતું. સાણંદ, બાવળા અને બગોદરામાં નોંધાયેલા ગુનાઓની તપાસ દરમિયાન પોલીસ આ મોટા રેકેટ સુધી પહોંચવામાં સફળ રહી છે. પોલીસને આશંકા છે કે સેલવાસમાં આવી અન્ય ફેક્ટરીઓ પણ હોઈ શકે છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય