Ludhiana School Student Harassment: પંજાબના લુધિયાણામાં શાળાની અંદર સગીર વિદ્યાર્થીની સાથે છેડતી થયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. શિક્ષકના રૂમમાંથી પુસ્તક લેવા ગયેલી 16 વર્ષની વિદ્યાર્થીની સાથે પટાવાળાએ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાની ફરિયાદના આધારે ટિબ્બા પોલીસે આરોપી પટાવાળાની ધરપકડ કરી છે અને POCSO એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ વિદ્યાર્થીનીને પકડીને ચુંબન કર્યું અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનો આરોપ છે. વિદ્યાર્થીનીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટનાનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ તમામ પાસાંની તપાસ કરી રહી છે.
પુસ્તક લેવા શિક્ષકના રૂમમાં ગઈ હતી વિદ્યાર્થીની
ફરિયાદ અનુસાર, આ ઘટના 13 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે બની હતી. વિદ્યાર્થીનીને શાળામાં એક પુસ્તકની જરૂર હોવાથી તેણે શિક્ષક પાસે પુસ્તક માગ્યું હતું. શિક્ષકે તેને પોતાના રૂમમાંથી પુસ્તક લઈ આવવા કહ્યું હતું. વિદ્યાર્થીની શિક્ષકના રૂમમાં પહોંચી ત્યારે ત્યાં હાજર પટાવાળાએ તેની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
ત્રણ દિવસ બાદ ફરિયાદ, POCSO હેઠળ કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, 16 ઓક્ટોબરે સગીર વિદ્યાર્થીની સાથે છેડતી અંગે ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને દરોડા બાદ તેની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને ઘટનાની વધુ તપાસ ચાલુ છે. આરોપી સામેના આક્ષેપો અંગે અંતિમ નિર્ણય તપાસ અને કાનૂની પ્રક્રિયા બાદ જ થશે.