લસકાણામાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ: છતા પોલીસ મૌન
પાલિકાના પ્લોટમાં શાકભાજીની જેમ વેચાય છે દારૂ; 200 મીટર દૂર પોલીસ ચોકી છતાં કાર્યવાહી નહીં

શાકભાજીની જેમ વેચાય છે દારૂ

શાકભાજીની જેમ વેચાય છે દારૂ
સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લસકાણા વિસ્તારના ડાયમંડ નગરમાં જે રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તે જોઈને લાગે છે કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. બુટલેગરોએ હવે નિર્ભય બનીને સરકારી પ્લોટમાં જ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે, જે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉભા કરે છે.
સુરતના લસકાણા વિસ્તારમાં આવેલું ડાયમંડ નગર અત્યારે બુટલેગરોના અડ્ડા તરીકે ઓળખાવા લાગ્યું છે. અહીં મહાનગરપાલિકાના ખાલી પડેલા એક પ્લોટમાં બુટલેગરોએ જાહેરમાં દારૂનો અડ્ડો બનાવી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે રીતે પાથરણા વાળા રસ્તા પર બેસીને શાકભાજી વેચતા હોય, તે જ પ્રકારે અહીં ખુલ્લેઆમ દારૂની પોટલીઓ અને બોટલોનું વેચાણ થઈ રહ્યું છે. સવારથી સાંજ સુધી અહીં પીધેલોની ભીડ જામે છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓ માટે ઘરેથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.
પોલીસ ચોકીના નાક નીચે 'પીઠું'આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જ્યાં આ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે તેનાથી માત્ર ૨૦૦ મીટરના અંતરે જ લસકાણા પોલીસ ચોકી આવેલી છે. પોલીસની નજર સામે જ આટલું મોટું ગેરકાયદેસર કામ ચાલતું હોવા છતાં લસકાણા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અડ્ડાની આસપાસ દારૂની હજારો ખાલી પોટલીઓનો ઢગલો જોવા મળે છે, જે સાબિત કરે છે કે આ વેચાણ મહિનાઓથી વગર રોકટોક ચાલી રહ્યું છે.
પોલીસની કામગીરી સામે રોષસ્થાનિક લોકોએ અનેકવાર લસકાણા પોલીસ સ્ટેશનમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. લોકોનો આરોપ છે કે બુટલેગરો એટલા વગદાર છે કે પોલીસ તેમની સામે હાથ નાખતા ડરે છે અથવા તો પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ 'મોટી ગોઠવણ' થયેલી છે. વારંવારની ફરિયાદો છતાં જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો, ત્યારે કંટાળેલા નાગરિકોએ હવે પુરાવા સાથે મેદાનમાં આવવું પડ્યું છે.
CMO સુધી પહોંચી ફરિયાદલસકાણાના રહીશોએ આ ગંભીર મુદ્દે હવે ગાંધીનગર સુધી લડત લંબાવી છે. સ્થાનિકોએ દારૂ વેચતા બુટલેગરોના લાઈવ વીડિયો અને ચોક્કસ લોકેશન સાથેની વિગતો મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી મોકલી આપી છે. લોકોની માગ છે કે જો લસકાણા પોલીસ કાર્યવાહી ન કરતી હોય, તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અહીં દરોડા પાડવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ તપાસ બેસાડવામાં આવે.
સામાજિક સ્વાસ્થ્ય જોખમમાંરહેણાંક વિસ્તારમાં અને પાલિકાના પ્લોટમાં ચાલતા આ અડ્ડાને કારણે ગુનાખોરી વધવાની શક્યતા પણ વધી ગઈ છે. ડાયમંડ નગરમાં હીરાના કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો અને સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો આ બુટલેગરોના ત્રાસથી પરેશાન છે. અસામાજિક તત્વોનો અહીં જમાવડો રહેતો હોવાથી અવારનવાર ઝઘડાઓ અને ગાળાગાળીની ઘટનાઓ પણ બને છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે લસકાણાની આ તસવીર અત્યંત ચિંતાજનક છે. સરકારી જમીન પર દારૂનું વેચાણ એ રાજ્યના વહીવટી તંત્ર માટે પડકાર સમાન છે. હવે જોવાનું એ રહે છે કે CMOમાં ફરિયાદ થયા બાદ લસકાણા પોલીસ જાગે છે કે પછી બુટલેગરોનું આ 'શાકભાજી માર્કેટ' આ જ રીતે ચાલતું રહેશે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય