LCBનો સપાટો: કન્ટેનરમાંથી 94 લાખનો દારૂ જપ્ત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરના ચોરખાનામાંથી મળી 16,620 બોટલ

વડોદરા LCB દારૂ કેસ

વડોદરા LCB દારૂ કેસ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. જોકે, વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની સતર્કતાને કારણે વધુ એક મોટું નેટવર્ક ઝડપાયું છે. વડોદરા પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં સઘન ચેકિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં અંદાજે 3 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં તાજેતરની કાર્યવાહીમાં 94 લાખના દારૂનો સમાવેશ થાય છે.
બાતમીના આધારે એક્સપ્રેસ વે પર વોચ :
વડોદરા ગ્રામ્ય LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર દારૂનો મોટો જથ્થો ભરીને ભરૂચ તરફથી વડોદરા આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામના કટ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર આવતા જ પોલીસે તેને ચારે તરફથી કોર્ડન કરી લીધું હતું.
કન્ટેનરમાં ગુપ્ત ખાનું જોઈ પોલીસ પણ ચોંકી :
પ્રાથમિક તપાસમાં જ્યારે પોલીસે કન્ટેનરના દરવાજા ખોલ્યા ત્યારે અંદર કંઈ પણ શંકાસ્પદ જણાયું નહોતું. કન્ટેનર ખાલી હોય તેવું લાગતું હતું, પરંતુ મજબૂત બાતમી હોવાથી પોલીસે બારીકાઈથી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે બુટલેગરે કન્ટેનરના આગળના ભાગમાં પતરાનું પાર્ટીશન કરીને એક મોટું ચોરખાનું બનાવ્યું હતું. આ ખાનું એટલી સિફતથી બનાવાયું હતું કે સામાન્ય નજરે જોતા પકડાય તેમ નહોતું. અંતે પોલીસે ગ્રાઈન્ડર મશીન વડે પતરું કાપતા અંદરથી દારૂની પેટીઓનો ખડકલો મળી આવ્યો હતો.
લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત :
પોલીસને આ ગુપ્ત ખાનામાંથી કુલ 710 પેટીઓ મળી આવી હતી, જેમાં વિદેશી દારૂની નાની-મોટી 16,620 બોટલો છુપાવેલી હતી. આ જથ્થાની કિંમત અંદાજે 94 લાખ રૂપિયા થાય છે. પોલીસે 15 લાખનું કન્ટેનર, 3 મોબાઈલ ફોન અને અન્ય સાહિત્ય મળીને કુલ 1.09 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પંજાબથી ગુજરાતનું કનેક્શન :
ઝડપાયેલા ડ્રાઈવર ગોકલારામ જાટની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંજાબના રાજપુરા ખાતેથી ભરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સોહનલાલ બિશ્નોઈ નામના શખસે આ દારૂ અમદાવાદ પહોંચાડવા માટે મોકલ્યો હતો. હાલમાં પોલીસે રાજસ્થાનના શખસને વોન્ટેડ જાહેર કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!