ગાંધીનગરમાં 40 કરોડના તોડ માટે આચર્યુ જમીન કૌભાંડ!
અમીયાપુરની કરોડોની જમીન માટે નકલી દસ્તાવેજો બનાવી તોડ કરવાનો પ્રયાસ, 2 સામે ફરિયાદ

AI જનરેટેડ

AI જનરેટેડ
Land scam worth Rs 40 crore exposed in Gandhinagar: ગાંધીનગર જિલ્લાના અમીયાપુર ગામમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનને લઈને મોટા જમીન કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, નકલી પાવર ઓફ એટર્ની, ખોટા આધારકાર્ડ અને બનાવટી દસ્તાવેજોના આધારે જમીન પર કબજો જમાવવાનો તેમજ મૂળ માલિકો પાસેથી આશરે રૂપિયા 40 કરોડ વસૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદના બે શખ્સો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
સંયુક્ત માલિકીની જમીનને નિશાન બનાવી
ફરિયાદ અનુસાર, અમીયાપુર ગામમાં આવેલી અંદાજે 11.79 હેક્ટર સંયુક્ત માલિકીની જમીનમાંથી લગભગ 5.89 હેક્ટર જમીન પર કબજો જમાવવાના ઈરાદે ગુનાહિત કાવતરું રચાયું હતું. ફરિયાદમાં મયુર હસમુખભાઈ હિરપરા અને ગૌરાંગ ગીરીશભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે જમીન અંગે કૃત્રિમ વિવાદ ઉભો કરીને માલિકો પર દબાણ લાવવાનો પ્રયાસ થયો હતો.
વકીલ મારફતે વેચાણ દસ્તાવેજની માહિતી મળી
જમીનના માલિક મહેશભાઈ કેશવલાલ પારેખને તેમના સંબંધીએ માહિતી આપી હતી કે અમીયાપુરની જમીનનો પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોવાનું એક વકીલે જણાવ્યું છે. આ માહિતી મળતાં પરિવારજનો વકીલની ઓફિસે પહોંચ્યા હતાં. જ્યાં તેમને જમીન સંબંધિત ત્રણ અલગ-અલગ વેચાણ દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા.
નકલી સહીઓ, ફોટા અને આધારકાર્ડનો ઉપયોગ
તપાસ દરમિયાન સામે આવ્યું કે, સ્પેશિયલ પાવર ઓફ એટર્ની તરીકે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં મૂળ માલિકોની જગ્યાએ ખોટી સહીઓ, બનાવટી ફોટોગ્રાફ અને નકલી આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજો નોટરી કરાયેલા હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું. વેચાણની રકમ તરીકે કરોડો રૂપિયાના ચેક અને રોકડ ચૂકવ્યા હોવાનું નોંધાયું હતું.
પરંતુ માલિકોના ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ નહોતી. દસ્તાવેજોમાં વેચાણ આપનાર તરીકે ફરિયાદીના કુલમુખત્યાર ગૌરાંગ ગીરીશભાઇ પટેલ (રહે. 72, કુલીન ટેનામેન્ટ, બેરેજ રોડ, વાસણા, અમદાવાદ) અને વેચાણ લેનાર તરીકે મયુર હસમુખભાઇ હિરપરા (રહે. 79, કર્ણાવતી બંગ્લોઝ, સ્વામીનારાયણ પાર્ક સામે, વસ્ત્રાલ, અમદાવાદ) નું નામ હતું. ત્રણેય દસ્તાવેજો રૂ. 100 ના સ્ટેમ્પ પેપર પર બનેલી સ્પેશીયલ પાવર ઓફ એટર્નીના આધારે કરાયા હતા.
પાવર ઓફ અટર્નીમાં ચારેય ભાઈઓની ખોટી સહીઓ, ખોટા ફોટા અને નકલી આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વકીલ એલ.બી. વરાડીયા સમક્ષ આ પાવર 19 જૂન 2019ના રોજ નોટરી રજીસ્ટર નં. 121/2019થી નોંધાયેલો દર્શાવાયો હતો. દસ્તાવેજોમાં દર્શાવ્યા મુજબ, પ્રથમ દસ્તાવેજમાં એક્સિસ બેંકના વિવિધ ચેકો તથા રોકડા મળી કુલ રૂ. 11,57,00,000, બીજા દસ્તાવેજમાં રૂ. 1,25,00,000અને ત્રીજા દસ્તાવેજમાં રૂ. 3,00,00,000 ચૂકવ્યા હોવાનો ઉલ્લેખ હતો.
સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતાં ભાંડો ફૂટ્યો
ફરિયાદી કે તેમના ભાઈઓના ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ નહોતી. વકીલ વિજેંદ્રસિંહે મોકલેલી સબ-રજિસ્ટ્રાર કચેરીની બે પહોંચ (નંબર 12988 અને 12540 અંગે જ્યારે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આવી કોઈ જમીનનો દસ્તાવેજ ત્યાં નોંધાયો જ નથી. એટલું જ નહીં દસ્તાવેજ પર કરાયેલા ફ્રેન્કિંગ અંગે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ- 1 (વસ્ત્રાપુર) અને નૂતન નાગરીક સહકારી બેંક (નારાયણનગર, અમદાવાદ)માં તપાસ કરતા ફ્રેન્કિંગ પણ બનાવટી હોવાનું સાબિત થયું હતું.
40 કરોડની માંગણીનો ગંભીર આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, દસ્તાવેજ નકલી હોવાનું સામે આવ્યા બાદ વકીલ વિજેંદ્રસિંહ વાઘેલાએ ચાંદખેડાની ઓફિસ પર બીજી મુલાકાત દરમિયાન ફરિયાદીને ધમકી આપી હતી કે, મયુર હિરપરા અને ગૌરાંગ પટેલ મારા અસીલ છે. તમારે આ વેચાણ દસ્તાવેજ રદ્દ કરાવવો હોય તો રૂ. 40 કરોડ આપવા પડશે. જો તમે પૈસા નહીં આપો તો અમે આ જમીનનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવીને જમીનમાં ખોટા વાંધા ઊભા કરીશું અને જમીનને તકરારી બનાવી દઈશું.
જૂના પહાડિયા ગામ કેસ સાથે આરોપીનું નામ જોડાયું
અડાલજ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મયુર હિરપરા સામે અગાઉ પણ જમીન સંબંધિત ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે. દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામમાં નકલી દસ્તાવેજોના આધારે જમીન વેચાણના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું અને તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ શરૂ, વધુ ખુલાસાની શક્યતા
ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં અન્ય કોણ-કોણ સામેલ હતું તેમજ આ પ્રકારના વધુ કૌભાંડો સાથે કોઈ કડી જોડાયેલી છે કે નહીં તેની દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!