કચ્છના ભુજની HDFC બેંકમાં 105 કરોડનું સાયબર ફ્રોડ
ભુજમાં આવેલી HDFC બેંકમાં 1 બેંક કર્મચારીની મદદથી ખોટી પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા

સાયબર ફ્રોડ

સાયબર ફ્રોડ
કચ્છનું ભુજ હવે માત્ર નકલી સોના અને રૂપિયાના કૌભાંડો માટે જ નહિ, પરંતુ ઓનલાઈન સાયબર ફ્રોડના દેશવ્યાપી ગુનાઓ માટે પણ કુખ્યાત બની રહ્યું છે. અહીંના ઠગબાજો હવે દેશવ્યાપી ગુનાઓને અંજામ આપીને સ્થાનિક બેંકોમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.
105 કરોડથી વધુની રકમની લેવડ-દેવડ
આ કિસ્સામાં, ભુજ અને છાડુરાના 2 શખ્સોએ HDFC બેંકના એક કર્મચારી સાથે મળીને 'મ્યુલ એકાઉન્ટ' ખોલાવીને આ નાણાકીય ગુનાને અંજામ આપ્યો છે. સાયબર ઠગાઈમાં ગયેલા રૂપિયા જે બેંક ખાતા મારફતે સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે, તેની કડીઓ હવે ભુજની HDFC બેંકની RTO સર્કલ બ્રાંચ સાથે જોડાઈ છે, જ્યાં 105 કરોડથી વધુની રકમની લેવડ-દેવડ થઈ છે.
બેંક કર્મચારીની સંડોવણીથી ખોલ્યું નકલી એકાઉન્ટ
મળતી વિગતો મુજબ, સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચૌધરીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ભુજના સાગર સીટીના આરોપી શુભમ હરિહર ડાભી, અબડાસાના છાડુરા ગામના જીગર મહેન્દ્ર પરગડુ અને HDFC બેંકમાં નોકરી કરતા ભાવિક નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું કે, વર્ષ 2024માં બેંકમાં નોકરી કરતા આરોપી ભાવિકની મદદથી ત્રણેય આરોપીઓએ 'ક્રિષ્ના ટ્રેડીંગ' નામની એક ખોટી પેઢી બનાવી હતી અને બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ બેંક ખાતું 'મ્યુલ એકાઉન્ટ' તરીકે ઉપયોગમાં લેવાયું હતું, જ્યાં દેશભરમાંથી થયેલા સાયબર ફ્રોડના કુલ ₹1,05,12,52,826 અલગ અલગ સમયે જમા કરાયા હતા અને મોટા ભાગની રકમ ઉપાડી લઈને સાયબર માફિયાઓ સુધી પહોંચતી કરી દેવામાં આવી હતી.
દેશભરમાંથી 40 ફરિયાદોનું રહસ્ય
ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર સાયબર સેલે સમન્વય પોર્ટલ પર મ્યુલ બેંક ખાતાઓની તપાસ શરૂ કરી ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો. તપાસ દરમિયાન આરોપી શુભમ ડાભીના નામે ખોલાવેલું HDFC બેંકનું આ ખાતું ધ્યાને આવ્યું હતું. આ બેંક ખાતા વિરુદ્ધ સાયબર ક્રાઇમ હેલ્પલાઈનમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ સહિત દેશના 12 રાજ્યોમાંથી કુલ 40 જેટલી ફરિયાદ નોંધાયેલી હતી.
આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
આ સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા સરળતાથી લેવડ-દેવડ થઈ શકે તે માટે બેંકમાં નોકરી કરતો આરોપી ભાવિક પણ આ ષડયંત્રમાં જોડાયો હતો. તેણે નકલી પેઢીનો સિક્કો અને ઉદ્યમ સર્ટી મેળવવામાં મદદ કરી હતી, તેમજ ખાતું ખોલાવવાની વિગતો પોતે તપાસીને ખોટા દસ્તાવેજોને માન્ય કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જે આરોપીના નામે ખાતું ખોલાવેલું હતું, તેણે કમિશન પેટે 30,000 મળ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે શુભમ ડાભીને હસ્તગત કરીને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સસ્તા પ્લોટ અને મોટા નફાની લાલચ… 17 લોકો પાસેથી ₹1.04 કરોડ મેળવ્યાનો આરોપ! ‘વીર રેસીડેન્સી’ના 25 પ્લોટના સોદામાં દસ્તાવેજ અને કબજો ન મળ્યાની ફરિયાદ.

રાજસ્થાનના દૌસામાં 16 વર્ષની સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો! ઘટનાક્રમ દરમિયાન જન્મેલી નવજાત બાળકીનું મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે.

પંજાબના લુધિયાણાની શાળામાં 16 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતીનો ગંભીર આરોપ! શિક્ષકના રૂમમાંથી પુસ્તક લેવા ગયેલી વિદ્યાર્થિની સાથે શું બન્યું?