ખાડિયાની ₹1.51 કરોડની લૂંટઃ એરફોર્સ અધિકારી ઝડપાયો
બે વર્ષ પહેલાં થયેલી લૂંટમાં જામનગર એરફોર્સના નિવૃત અધિકારીની પિસ્તોલ ચોરીથી ઉકેલાયો ભેદ

લૂંટ કેસમાં ઝડપાયેલો આરોપી અને ઘટના સમયના સીસીટીવી ફૂટેજની ફાઈલ તસવીર

લૂંટ કેસમાં ઝડપાયેલો આરોપી અને ઘટના સમયના સીસીટીવી ફૂટેજની ફાઈલ તસવીર
લૂંટનો ભેદ ઉકેલી એરફોર્સ અધિકારીની કરી ધરપકડ
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં બે વર્ષ અગાઉ જ્વેલર્સના વેપારીને ગોળી મારી રૂ.1.51 કરોડની લૂંટ ચલાવનાર આરોપીને અમદાવાદ ઝોન-3 એલસીબી અને ખાડિયા પોલીસની સંયુક્ત કામગીરીમાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી ભારતીય વાયુસેનાના ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતો અધિકારી હોવાનો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ માટે પડકાર બનેલાં કેસનો જામનગરમાં થયેલી પિસ્તોલ ચોરીની તપાસ દરમિયાન મળેલા મહત્વના પુરાવાના આધારે ભેદ ઉકેલાયો છે.
વેપારીને ગોળી મારી રોકડની લૂંટ ચલાવી
16 જુલાઈ, 2024ના રોજ માણેકચોકના પતાસાની પોળ વિસ્તારમાં આવેલા વેપારીના ધંધા સ્થળે એક શખ્સ મોઢું ઢાંકીને પહોંચ્યો હતો. આરોપીએ વેપારીના પગમાં ગોળી મારી રોકડ રૂ.1.51 કરોડ લૂંટી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાડિયા પોલીસ અને એલસીબીએ સતત તપાસ કરી હતી. પરંતુ લાંબા સમય સુધી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી નહોતી.
જામનગરના કેસે તપાસને નવી દિશા આપી
જૂના ગુનાઓની સમીક્ષા દરમિયાન ખાડિયા પોલીસને જાણવા મળ્યું કે, લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ અને જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરેથી ચોરાયેલી પિસ્તોલ વચ્ચે સમાનતા છે. આ કડીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી અને અનેક ટેકનિકલ પુરાવા એકત્ર કર્યા. ખાડિયા પી.આઈ જામનગર LCBમાં ફરજ બજાવીને અમદાવાદ આવેલા હોવાથી આ અંગે ઊંડાણપૂર્વક જાણકારી હોવાથી તેના આધારે તપાસ કરવામાં આવી હતી.
દિલ્હીથી એરફોર્સ અધિકારી ઝડપાયો
તપાસ દરમિયાન આરોપીની ઓળખ હરિયાણાના રહેવાસી અને હાલમાં દિલ્હીમાં એરફોર્સના ટેકનિકલ યુનિટમાં ફરજ બજાવતા દીપક બુકેર તરીકે થઈ હતી. પોલીસે વાયુસેનાના અધિકારીઓના સહયોગથી દિલ્હીમાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો. તેની પાસેથી લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા.
નિવૃત્ત અધિકારીના ઘરમાંથી ચોરી કરી
પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી વર્ષ 2017 થી 2024 દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. નિવૃત્ત અધિકારી સાથે પૈસાની લેવડદેવડમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાતા એક વર્ષની સજા થઈ હતી અને તેના ગુસ્સામાં નિવૃત્ત અધિકારીના ઘરમાંથી પિસ્તોલ અને કારતૂસની ચોરી કરી હતી. ત્યારબાદ આ હથિયારનો ઉપયોગ અમદાવાદની લૂંટમાં કર્યો હતો.
સટ્ટાના દેવાને કારણે ઘડ્યો લૂંટનો પ્લાન
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીને સટ્ટો રમવાની લત હતી અને તેના કારણે મોટું દેવું થઈ ગયું હતું. દેવું ચૂકવવા તેણે મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જામનગરમાં નોકરી દરમિયાન તેણે અમદાવાદના માણેકચોકના વેપાર અંગે માહિતી મેળવી હતી અને તેને નિશાન બનાવ્યો હતો.
ઓળખ છુપાવવા અપનાવી હાઈટેક રીત
આરોપીએ ગુના પહેલા ખોટા આધાર કાર્ડ અને મોબાઇલ નંબરના આધારે હોટલમાં રૂમ બુક કર્યો હતો. ફિંગરપ્રિન્ટ ન મળે તે માટે હાથની આંગળીઓ પર પટ્ટી બાંધી હતી. લૂંટ બાદ તેણે સતત સાતથી આઠ રિક્ષા બદલી, રસ્તામાં કપડાં પણ બદલ્યા અને પોતાનો મોબાઇલ પત્ની પાસે રાખી દીધો જેથી લોકેશન ટ્રેક ન થઈ શકે.
ટેકનિકલ જાણકારીનો કર્યો દુરુપયોગ
વાયુસેનાના ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતો હોવાથી આરોપીને સુરક્ષા વ્યવસ્થા, હથિયારો અને પોલીસ તપાસની પદ્ધતિ અંગે જાણકારી હતી. આ જ કારણસર તેણે સમગ્ર ગુનાને ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપ્યો હતો.
હરિયાણાથી દિલ્હી પોલીસે ધરપકડ કરી
આરોપીએ પોતાનો મોબાઇલ પત્નીને આપી દીધો હતો અને લૂંટ કર્યા બાદ હરિયાણા ભાગી ગયો હતો. કોઈપણ વાતચીત કરવા માટે તે બીજાના ફોનનો ઉપયોગ કરતો હતો. આરોપીને દિલ્હીથી ધરપકડ કરી તેની પાસેથી લૂંટમાં વપરાયેલી પિસ્તોલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સમગ્ર લૂંટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો હતો કે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!