ઈન્જેકશનથી પાર્સલ ખોલી આઈફોનની કરી ચોરી
ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન પાર્સલમાંથી કિંમતી આઈફોન કાઢી નકલી વસ્તુઓ પધરાવી દેતી ગેંગને ઝડપી

આરોપીઓ

આરોપીઓ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવી ચોંકાવનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે ઈન્જેક્શન દ્વારા ખાસ પ્રવાહીનો ઉપયોગ કરી માત્ર બે જ મિનિટમાં પાર્સલ ખોલી અસલી આઈફોન કાઢી લેતી હતી. નવાઈની વાત એ છે કે પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે તેઓએ પોલીસની હાજરીમાં જ ડેમો આપતા ગણતરીની મિનિટોમાં પાર્સલ ખોલી, અસલી વસ્તુ બદલીને ફરી તેવું જ પેક કરી બતાવ્યું હતું, જેને જોઈ ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આયોજનબદ્ધ રીતે આખું રેકેટ ચલાવતા
આ ગેંગ અત્યંત આયોજનબદ્ધ રીતે આખું રેકેટ ચલાવતી હતી. આરોપીઓ અને તેમના સાથીદારો અલગ-અલગ ડમી આઈડી બનાવી ખોટા સરનામા પર મોંઘા આઈફોન, એપલ વોચ અને કેમેરા લેન્સ જેવી ચીજવસ્તુઓના ઓર્ડર આપતા હતા. જ્યારે પાર્સલ ડિલિવરી માટે આવતું, ત્યારે ગેંગનો સભ્ય વિશાલ બાવરી કે જે કુરિયર કંપનીમાં જ કામ કરતો હતો, તે પાર્સલ લઈ લેતો. ત્યારબાદ ઈન્જેક્શનમાં પેટ્રોલ જેવું એક પ્રવાહી ભરી પાર્સલના ગમ (ડિઝાઈન) પર છાંટી તેને ખોલી દેવામાં આવતું અને અસલી આઈફોન કાઢી તેની જગ્યાએ ડમી ફોન મુકી દેવામાં આવતો હતો. આ પ્રવાહી સુકાઈ ગયા બાદ પાર્સલ ફરીથી કંપનીના ઓરિજિનલ પેકિંગ જેવું જ દેખાતું હતું.
પોલીસની કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે નવા નરોડામાં આવેલી કુરિયર કંપનીમાં એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થવા છતાં પાર્સલમાં છેડછાડ થઈ હોવાનું ધ્યાને લાવ્યું. કંપનીના અધિકારી રિશભભાઈએ તપાસ કરતા માલુમ પડ્યું કે, રૂ. 1.34 લાખનો આઈફોન 17 પ્રો અને અન્ય રૂ. 1.22 લાખના ફોનના પાર્સલમાં ડુપ્લીકેટ વસ્તુઓ હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ પાર્સલ વિશાલ બાવરી નામનો કર્મચારી ડિલિવરી માટે લઈ ગયો હતો. પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો.
ક્રાઈમ બ્રાંચે 5 આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ મામલે રામલાલ ગેહલોત, મનોજ માલી, ભરત સુંદેશા, વિશાલ પંચાલ અને વિશાલ બાવરી એમ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 8 અસલી આઈફોન, 25 ડમી ફોન, એપલ વોચ, ડમી ઈયર બડ્સ, ગેમિંગ પ્રોસેસર અને એક ગાડી મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત, વડોદરા અને રાજસ્થાનમાં પણ આ પ્રકારે અનેક ગુના આચર્યા છે. હાલ પોલીસ આ ગેંગના અન્ય ફરાર આરોપીઓ રીશીપાલ ભાટી અને વિનોદની શોધખોળ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!