ઇન્સ્ટા પોસ્ટે ખોલી 11 લાખની ચોરીની પોલ
સુરતમાં 11.70 લાખની ચોરી કરી મુંબઈમાં મોજશોખ કરનારા 3 શખ્સોની ધરપકડ કરી

11 લાખની ચોરી

11 લાખની ચોરી
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાં થયેલી 11.70 લાખ રૂપિયાની મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. આ ચોરીની ઘટનામાં સૌથી રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીઓની એક સોશિયલ મીડિયા પોસ્ટે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. હકીકતમાં, આરોપી શુભમ ઉર્ફે નેપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીએ શરૂઆતમાં માત્ર કોપર વાયર ચોરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કંપનીમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જ તેમને મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ જોઈને આરોપીઓ ભાન ભૂલ્યા હતા અને ચોરી કરેલા પૈસા સાથે મુંબઈ ભાગી ગયા હતા.
ડાન્સ બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા
આ ચોરીની ઘટનામાં આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલ અપનાવી હતી પરંતુ તેમની મૂર્ખામીએ તેમને પકડાવી દીધા. ચોરી કર્યા બાદ આરોપી આનંદ ઉર્ફે લક્કીએ ચોરીના પૈસા સાથે ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર 'ગોઈંગ ટુ બોમ્બે' લખીને પોસ્ટ મૂકી હતી, જે પોલીસ માટે લોકેશન ટ્રેસ કરવામાં નિર્ણાયક સાબિત થઈ. મુંબઈ પહોંચ્યા પછી આ તસ્કરોએ વિલાસી જીવન જીવવાનું શરૂ કર્યું હતું. તેઓએ મુંબઈના ડાન્સ બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા અને રહેવા માટે 11 હજાર રૂપિયાના ભાડાનો આલીશાન રૂમ રાખ્યો હતો. એટલું જ નહિ, શુભમ નેપાળીએ પોતાના ફોટા પાડવા માટે ચોરીના પૈસાથી મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. આ મુંબઈની સહેલગાહે તેમને પોલીસની નજરમાં લાવી દીધા હતા.
રેતીના ઢગલામાં લાખો રૂપિયા દાટી દીધા
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ ભણેલા ન હોવાથી તેમને નોટો ગણતા પણ આવડતું ન હતું, તેથી તેઓએ અંદાજે બંડલો એકબીજામાં વહેંચી લીધા હતા. આરોપી દીપક ઉર્ફે કાલિયાએ પોલીસથી બચવા માટે પોતાના ઘરની બહાર પડેલા રેતીના ઢગલામાં લાખો રૂપિયા દાટી દીધા હતા. તેને એમ હતું કે, પોલીસ ઘરમાં તપાસ કરશે પણ રેતીમાં કોઈનું ધ્યાન નહિ જાય. જોકે, પોલીસે તેની આ ફિલ્મી યુક્તિને નિષ્ફળ બનાવી રેતીના ઢગલામાંથી નોટોના બંડલ શોધી કાઢ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે ત્રણેય શખ્સોની ધરપકડ કરી અને તેમની પાસેથી 6.05 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય