સિંહ દર્શન માટે કેવી રીતે થતો હતો બુકિંગનો ખેલ?
પરમિટ બુકિંગમાં 12,800 પરમિટનું ગેરકાયદે વેચાણ કરી ટિકિટ દીઠ ત્રણ ગણા ભાવ વસૂલ્યા

ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદ અને જૂનાગઢના 3 શખ્સો ઝડપી તપાસ હાથ ધરી

ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદ અને જૂનાગઢના 3 શખ્સો ઝડપી તપાસ હાથ ધરી
ગીરમાં સિંહદર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારીના પરમિટ બુકિંગનું કૌભાંડ ઝડપાયું છે. સાયબર ક્રાઈમ પોલીસે જૂનાગઢ અને અમદાવાદના 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ બલ્ક બુકિંગ કરી અનઅધિકૃત રીતે ટિકિટનું વેચાણ કરતા હતા. આ ગેંગે ખોટી ઓળખ અને ખોટા આધાર કાર્ડ ફોટા વડે 12,800 થી વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરી કરોડોની કમાણી કરી છે.
સાસણ ગીરના પ્રવાસી સ્લોટના બોગસ બુકિંગ મામલે સિંહ દર્શનની ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરી ઊંચા ભાવે વેચાણ કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. ગુજરાત સાયબર ક્રાઈમે વન વિભાગની વેબસાઈટ સાથે ચેડાં કરી સિંહ દર્શનની ટિકિટોનું ઊંચા ભાવે વેચાણ કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ girlion.gujarat.gov.inનો દુરૂપયોગ કરી પરમિટની કૃત્રિમ અછત ઊભી કરી અને તેને બ્લેકમાં ત્રણ ગણા ભાવે વેચતા હતા. આરોપીઓ ભળતા નામવાળી 9 અનઅધિકૃત ખાનગી વેબસાઇટો મારફતે પ્રવાસીઓ પાસેથી સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણો કરતાં બેથી ત્રણ ગણા વધારે ભાવે કન્ફર્મ ટિકિટોનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હતા.
કેવી રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ સિંહ દર્શન માટેની ઓનલાઈન પરમિટ બુકિંગની સરકારી વેબસાઈટની સરળતાનો દુરૂપયોગ કરતા હતા. સરકારી નિયમ મુજબ એક વ્યક્તિને એક પરમિટ મળવી જોઈએ. પરંતુ આરોપીઓ એક જ નામે ઈમેઈલ આઈડીમાં સામાન્ય ફેરફાર કરીને ગેરકાયદે એકથી વધુ સ્લોટ બુક કરી લેતા હતા.
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં થયેલા 83 હજારથી વધુ બુકિંગમાં અંદાજે 12,800થી વધુ બુકિંગ ગેરકાયદે કરવામાં આવ્યા છે. આરોપીઓ સામાન્ય દિવસો કરતાં વધુ ભાવે અને જ્યારે પ્રવાસીઓનો ધસારો વધુ હોય ત્યારે મૂળ સરકારી ચાર્જ કરતાં બમણાથી નવ ગણા ભાવે ટિકિટોનું વેચાણ કરતા હતા. જેનાથી પ્રવાસીઓ પાસેથી મસમોટી રકમ પડાવી લેવામાં આવી હતી. બોગસ બુકિંગમાં AB ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવી એજન્સીઓના નામ સામે આવ્યા છે.
સેન્ટર ઓફ એક્સેલન્સના SP વિવેક ભેડાના જણાવ્યા મુજબ, આરોપીઓ પહેલેથી રજિસ્ટ્રેશન કરાવી લેતા હતા. જેથી તેઓ એકસાથે અનેક પરમિટ બેરિયર બુક કરી શકે. હાલમાં ઝડપાયેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અન્ય ટ્રાવેલ્સ એજન્ટો કે વ્યક્તિઓ ગેરકાયદે બુકિંગ કરતા હતા કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવશે. અલ્પેશ ભલાણી (રહે. થલતેજ, અમદાવાદ), સુલતાન બલોચ (રહે. સાસણ ગીર), એજાજ શેખ (રહે. સાસણ ગીર)ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.
તેમણે ઉમેર્યુ કે, પોલીસ તપાસમાં તા. 01/01/2024થી તા. 30/12/2025 સુધીના એડવાન્સ બુકિંગ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં 83 હજારથી વધુ પરમિટ બુકિંગ થયાનું જણાયું હતું. ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓએ 12,800થી વધારે પરમિટનું બલ્ક બુકિંગ કરીને બ્લેકમાં વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન અનેક ઈ-મેઇલ આઇડી અને તેના મોબાઈલ નંબરનો વારંવાર ઉપયોગ થયાનું જાણવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!