સુરત સિવિલમાં પિતાની લાચારીના હૃદયદ્રાવક દ્રશ્યો
7 વર્ષના પુત્રના શબને ખભે ઊંચકી પિતા અડધો કિમી ચાલ્યા; ગમગીની વચ્ચે હોસ્પિટલ સ્ટાફ દોડતો

પિતા ખભે મૃત દિકરાને લઈ પરતા રહ્યા

પિતા ખભે મૃત દિકરાને લઈ પરતા રહ્યા
સુરતની નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં આજે માનવીય સંવેદનાઓને હચમચાવી દે તેવી અને પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગરીબી અને લાચારી જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે, તેનો જીવંત પુરાવો આજે સુરતમાં જોવા મળ્યો હતો.
મૂળ બિહારના વતની અને વર્ષોથી સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં રહીને મજૂરી કામ કરતા સરોજ મંડલનો પરિવાર આજે વિખેરાઈ ગયો છે. સરોજભાઈ મજૂરી કરીને પત્ની અને ત્રણ બાળકોનું માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા. તેમના ત્રણ સંતાનોમાં સાત વર્ષનો કિશન સૌથી નાનો અને વહાલો હતો. કમનસીબે, કિશનને લાંબા સમયથી તાણ (ખેંચ) આવવાની ગંભીર બીમારી હતી. ગત રાત્રે અચાનક કિશનની તબિયત બગડી હતી. માતા-પિતા કંઈ સમજે તે પહેલાં જ રાત્રિના અંધકારમાં માસૂમ કિશને અંતિમ શ્વાસ લીધા હતા.
હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આશાનો અંતપુત્રના નિષ્પ્રાણ દેહને જોઈને પિતા સરોજભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ગરીબ પિતાને કદાચ મનમાં ક્યાંક એવી આશા હતી કે હોસ્પિટલ લઈ જવાથી ચમત્કાર થશે અને તેમનો લાડકવાયો બેઠો થશે. શુક્રવારે વહેલી સવારે તેઓ કિશનને લઈને સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ કિશનને તપાસીને તેને 'મૃત' જાહેર કર્યો હતો. ડૉક્ટરના આ શબ્દો સરોજભાઈ માટે વજ્રઘાત સમાન હતા.
ભારે હૈયે અને ખભે પુત્રના શબ સાથેની સફરપુત્રના મોતના સમાચાર સાંભળી પિતા સરોજભાઈ સંપૂર્ણપણે આઘાતમાં સરી પડ્યા હતા. હોસ્પિટલની કાયદાકીય પ્રક્રિયા કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા વિશે વિચારવાની તેમની શક્તિ હણાઈ ગઈ હતી. શૂન્યમનસ્ક અવસ્થામાં તેમણે પોતાના સાત વર્ષના પુત્રના મૃતદેહને ખભે ઊંચક્યો અને હોસ્પિટલની બહાર ચાલવા માંડ્યું. એક બાપ પોતાના જ વ્હાલસોયાના શબને ખભે ઊંચકીને અડધો કિલોમીટર સુધી હોસ્પિટલના કેમ્પસમાં ચાલતો રહ્યો. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર દર્દીઓના સગા અને મેડિકલ સ્ટાફની આંખોમાં આંસુ આવી ગયા હતા.
સુરક્ષા સ્ટાફની સક્રિયતા અને કાયદાકીય પ્રક્રિયાજ્યારે સરોજભાઈ ખભે શબ લઈને સિવિલના મેઈન ગેટ પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ અને અન્ય સ્ટાફનું ધ્યાન ગયું. તેઓ તાત્કાલિક પિતા પાસે દોડી ગયા હતા. પિતા એટલા આઘાતમાં હતા કે તેમને ખબર પણ નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. સ્ટાફે તેમને સમજાવ્યા કે અચાનક થયેલા મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય છે. થોડી સમજાવટ બાદ પિતા પરત ફરવા તૈયાર થયા અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ મૃતદેહને સ્ટ્રેચર પર મૂકી ફરી ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યો.
ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા કાગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી અને કિશનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ (પીએમ રૂમ) ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ સુરત સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર અને ત્યાંની વ્યવસ્થાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે કે, શું કોઈ આઘાતગ્રસ્ત પિતાને એમ્બ્યુલન્સ કે શબવાહિનીની સુવિધા સમયસર ન મળી શકે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.