વિજાપુરના રણાસણના હર્ષિત પટેલે વિદેશ જવાની લ્હાયમાં પોતાનો જીવ ગુમાવ્યો!
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ધાર્મિક પટેલ નામના એજન્ટે રૂપિયા 29 લાખ પડાવ્યાં હતા

ઝેરી દવા પીને હર્ષિતે જીવન ટૂંકાવ્યું, મોસાળમાં રહેતી માતાએ દીકરાનો આધાર ગુમાવ્યો

ઝેરી દવા પીને હર્ષિતે જીવન ટૂંકાવ્યું, મોસાળમાં રહેતી માતાએ દીકરાનો આધાર ગુમાવ્યો
વિદેશ જવા દરમિયાન જીવ ગુમાવવાના અને એજન્ટો દ્વા છેતરપિંડીના અનેક કિસ્સાઓ બહાર આવતા હોવા છતાં મહેસાણા જિલ્લાના યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા યથાવત છે. વિદેશ જઈને કારકિર્દી બનાવવાની લ્હાયમાં વિજાપુરના રણાસણના યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઓસ્ટ્રેલિયા મોકલી આપવાના બહાને એજન્ટ દ્વારા 29 લાખ પડાવી લીધા બાદ ફાઈલનું કામ ન થતાં હર્ષિત પટેલે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધુ છે. હર્ષિતના આપઘાતથી માતાએ પોતાનો આધાર ગુમાવ્યો છે. હર્ષિત પટેલ પાસેથી મળેલી સુસાઈડ નોટના આધારે વિજાપુર પોલીસે મોતીપુરાના ધાર્મિક પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વિજાપુર તાલુકાના રણાસણમાં પોતાના મોસાળમાં રહેતાં 19 વર્ષિય હર્ષિત પટેલનો મોતીપુરા ગામના ધાર્મિક પટેલ પરિચય થયો હતો. ધાર્મિકે હર્ષિતને 6 મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવાની ખાતરી આપી હતી. તેથી યુવકે ઓસ્ટ્રેલિયા જવા માટે ધાર્મિક પાસે કામગીરી શરૂ કરાવી હતી. હર્ષિતે તે માટે ટુકડે ટુકડે રૂપિયા 29.40 લાખ ધાર્મિકને આપ્યા હતા. એક વર્ષ વીતવા છતાં ઓસ્ટ્રેલિયાના વિઝા નહી મળતાં હર્ષિતે ધાર્મિક પાસેથી નાણાં પરત માગ્યા હતા. ધાર્મિકે નાણાં પરત કરવા બહાના બતાવ્યા હતા.
હર્ષિતે વારંવાર ઉઘરાણી કરતાં ધાર્મિકે ધમકી આપી હતી કે, તારાથી થાય તે કરી લેજે. પૈસા નહિ મળે. તેથી હર્ષિતને લાગી આવ્યું હતું. 4 જુલાઈ 2025ના રોજ હર્ષિતે ઝેરી દવા પી લીધી હતી. બપોરના સમયે તેની માતા ચા પીવા જગાડવા ગઈ તે સમયે ઉલટી કરતાં હર્ષિતે દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પરિવારજનો સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન હર્ષિતનું મોત નીપજ્યું હતું.
હર્ષિતની બહેન મેશ્વા પટેલે જણાવ્યું કે, વર્ષ 2024માં મોતીપુરાના ધાર્મિક પટેલ પાસે મારા ભાઈને વિદેશ જવાનું હોવાથી ઓસ્ટ્રેલિયાની ફાઇલ મૂકી હતી. ત્યારબાદ ધાર્મિકે પૈસા માગ્યા તેમ ટુકડે ટુકડે આપતા રહ્યા હતા. રૂપિયા 29 લાખથી વધુની રકમ અમે આપી હતી. થોડા દિવસ બાદ પ્રોસેસ ન થતાં અમે પૂછપરછ કરી હતી. તેથી ધાર્મિક પટેલે બહાના બતાવ્યા હતા. તેના ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તે યોગ્ય વ્યક્તિ નથી. તેથી અમે પૈસા પરત લેવા દબાણ કરતાં તેણે મારા ભાઈને ધમકી આપી હતી કે, તમારા પૈસા નહિ મળે થાય એ કરી લેજો. ત્યારબાદ મારા ભાઈને લાગી આવતાં તેણે સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. અમારી રજૂઆત છે કે, ધાર્મિક પટેલને સજા કરી અમને ન્યાય મળે.
હર્ષિતના સગાએ જણાવ્યું કે, ધાર્મિક પટેલ નામના એજન્ટે અમારા ભાણાને 6 મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું. ફાઇલ આપ્યાના સવા વર્ષ પછી શંકા ગઈ હતી. કામ ન થતાં અમે પૈસા પરત માગ્યા હતા. અમે આપેલા 29 લાખ 40 હજાર પરત આપવાનું કહેતાં ધાર્મિક પટેલે 6 મહિના સુધી ગોળ ગોળ જવાબો આપ્યા હતા. ત્યારબાદ તેના ગામમાં તપાસ કરાવતાં યોગ્ય વ્યક્તિ ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી મારા ભાણાએ તમામ પૈસા પરત માગતાં ધમકી આપી હતી કે, તારાથી જે થાય એ કરી લે. ધાર્મિક પટેલના કારણે મારા ભાણાને જીવ ગુમાવવો પડ્યો છે. ધાર્મિક પટેલને યોગ્ય સજા થવી જોઈએ.
વિજાપુર પોલીસે હર્ષિત પટેલ પાસેથી મળેલી સુસાઈડ નોટના આધારે મોતીપુરાના ધાર્મિક સુરેશભાઈ પટેલ સામે આત્મહત્યા માટે દૂષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, વિદેશમાં પોતાની કારકિર્દી બનાવવાની લ્હાયમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે માતાએ દીકરાનો અને બહેને પોતાના ભાઈનો આધાર ગુમાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!