રાજકોટમાં ઇભલા ગેંગ પર ગુજસીટોકનું શિકંજો
કુખ્યાત ગેંગના 89 ગુનાઓના આતંકનો અંત: ક્રાઈમ બ્રાંચે 4 સાગરીતોને દબોચ્યા

રાજકોટ ઇભલા ગેંગ ગુજસીટોક

રાજકોટ ઇભલા ગેંગ ગુજસીટોક
રાજકોટ શહેર પોલીસે સંગઠિત ગુનાખોરી આચરતા તત્વો સામે લાલ આંખ કરી છે. શહેરમાં લાંબા સમયથી આતંક મચાવતી અને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ વિરુદ્ધ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ (GUJCITOC) હેઠળ ગુનો દાખલ કરીને મોટી સફળતા મેળવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સ્પેશિયલ ઓપરેશનથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઇભલા ગેંગનો કાળો ઈતિહાસ: 89 ગંભીર ગુનાઓ
રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેંગનો ભારે આતંક હતો. ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કાથરોટિયા પોતાના સાગરીતો સાથે મળીને વિસ્તારમાં ધાક જમાવવા માટે અનેક ગંભીર ગુનાઓ આચરતો હતો. પોલીસ રેકોર્ડ પર નજર કરીએ તો આ ગેંગ સામે હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, રાયોટિંગ, છેડતી અને મારામારી જેવા કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ગેરકાયદે હથિયારો રાખવા અને દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પણ આ ટોળકી સક્રિય હતી.
ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી અને ધરપકડનો દોર :
પોલીસે આ ગેંગના કુલ 7 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. ગેંગ લીડર ઇબ્રાહિમ અને જાવેદ કાથરોટિયા હાલ જેલમાં છે, જેનો કબજો મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે. જ્યારે અન્ય 4 મુખ્ય સાગરીતો સલીમ ઉર્ફે સલીયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ કાથરોટીયા અને લખન કમેજડિયાને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી વર્ષોથી ચાલતા આતંકનો અંત આવ્યો હોય તેવું જણાય છે.
પોલીસનો કડક સંદેશ: હજુ 3 ગેંગ રડારમાં
ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુનેગારોએ જનતા સાથે જેવો વ્યવહાર કર્યો હતો, પોલીસ પણ હવે તેમની સાથે તેવો જ કડક કાનૂની વ્યવહાર કરશે. રાજકોટને ગુંડારાજ મુક્ત કરવા માટે પોલીસ આગામી દિવસોમાં વધુ 3 સક્રિય ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. કાયદાના આ કડક અમલથી સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.
શું છે ગુજસીટોક (GCTOC) કાયદો ?
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015માં અમલી બનાવાયેલો આ કાયદો સંગઠિત ગુનાખોરીને રોકવા માટે અત્યંત શક્તિશાળી હથિયાર છે. આ કાયદા હેઠળ જ્યારે કોઈ ટોળકી આયોજિત રીતે વારંવાર ગુના આચરે છે, ત્યારે તેમની સામે કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવે છે. આ કાયદામાં ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મેળવવા ખૂબ જ મુશ્કેલ હોય છે, જેના કારણે ગુનાખોરી પર લગામ કસી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!